રાજા રંતિદેવ.
કરૂણા, પ્રેમ અને પરમાત્મપરાયણતાની પ્રખર પ્રતિમૂર્તિ.
સૌની અંદર એ ઈશ્વરનું દર્શન કરે ને સૌના સુખદુઃખને પોતાનાં ગણે.
શ્રીમદ ભાગવતના નવમાં સ્કંધમાં અપવિત્ર દિલના પરહિતરત રાજાની વાત આવે છે.
એક વાર વિપરીત વખતમાં એમને અડતાલીસ દિવસના એકધારા ઉપવાસ પછી ઓગણપચાસમે દિવસે, ઘી, ખીર, લાપસી તથા પાણીનું ભોજન મળ્યું. તે ભોજન લઈને એ પોતાનાં કુટુંબ સાથે જમવા બેઠા તે જ વખતે ત્યાં એક અતિથિ બ્રાહ્મણ આવી પહોંચ્યો.
એણે ભોજનની માંગણી કરી, એટલે સૌની અંદર વિરાજેલા પરમાત્માના પરમ પ્રકાશનું દર્શન કરવાની ટેવવાળા રાજાએ ભોજનનો થોડો ભાગ એને આપી દીધો.
બાકી રહેલા ભોજનમાંથી સૌએ જમવાની તૈયારી કરી ત્યાં તો બીજો શુદ્ર અતિથિ આવી પહોંચ્યો.
રાજાએ એને પણ થોડું ભોજન અર્પણ કર્યું.
એ પછી કૂતરા સાથે બીજો અતિથિ આવ્યો.
ભોજન માટેની પ્રાર્થના પરથી રાજાએ એને પણ થોડું ભોજન આપી દીધું. એવી રીતે બધું જ ભોજન પૂરું થયું અને કેવળ પાણી જ રહ્યું. તે લઈને રાજા રંતિદેવ પોતાના કુટુંબ સાથે પાન કરવા બેઠા ત્યાં જ એક ચાંડાલે આવીને પાણીની માંગણી કરી.
એ વખતે રાજા રંતિદેવે કહ્યું, 'હું ભગવાનની પાસે અષ્ટૈશ્વર્યયુક્ત પરમ ગતિ નથી ચાહતો અને મોક્ષની ચાહનાયે નથી રાખતો. હું તો સર્વ શરીરધારીના હૃદયમાં બેસીને એમનું દુઃખ સહન કરવા ઈચ્છું છું. જેથી એમનું દુઃખ દૂર થાય. જીવવાની ઈચ્છાવાળા દીન-જનને જીવનરૂપી જલ દેવાથી મારી ક્ષુધા, તૃષા, પીડા, શિથિલતા, દીનતા તથા ગ્લાનિ દૂર થઈ ગઈ છે. મારો શોક, મોહ અને વિષાદ દૂર થયો છે.'
એમ કહીને તરસથી પીડાતા છતાં કરૂણ ને ધૈર્યની મૂર્તિ રાજા રંતિદેવે એ ચાંડાલને પાણી પાઈ દીધું.
તૃપ્ત થયેલો ચાંડાલ ત્યાંથી વિદાય થયો.
રંતિદેવના ધૈર્યની કસોટી કરવા ભગવાનની માયાના પ્રભાવથી બ્રાહ્મણ તથા શુદ્રાદિનું રૂપ બતાવી, ફળની ઈચ્છા રાખનારને સર્વ પ્રકારના ફળ દેનાર બ્રહ્મા, વિષ્ણુ તથા મહાદેવે એને પ્રત્યક્ષ દર્શન આપ્યું, પરંતુ રતિદેવે એમને નમન કરીને પોતાનું મન પરમાત્મામાં જોડી દીધું. એમને ઈશ્વર સિવાયની બીજી કોઈ વસ્તુની ઈચ્છા જ ન હતી. એમના ચિત્તમાંથી ત્રિગુણાત્મક માયા સ્વપ્નની પેઠે વિલીન થઈ ગઈ અને એ જીવનમુક્ત બની ગયા.
ભાગવતની આ કથા એ સંદેશ તરફ અંગુલિનિર્દેશ કરી જાય છે કે મનુષ્યમાત્રે રાજા રંતિદેવની પેઠે કરુણા, સ્નેહ અને સેવાભાવની મૂર્તિ બનવાની જરૂર છે. સૌ રાજા રંતિદેવ ના બની શકે, અથવા એટલો મોટો ત્યાગ પણ ન કરી શકે, પરંતુ પોતપોતાના મર્યાદિત ક્ષેત્રમાં રહીને બીજાની યથાશક્તિ સેવા તો કરી જ શકે. એવી સેવા કરતાં કરતાં જે ઘસાવું પડે તે નાનોમોટો ભોગ સમજપૂર્વક, શાંતિથી, સસ્મિત અને યજ્ઞભાવે આપવાની શક્તિ તો સૌ કોઈ કેળવી શકે. રાજા રંતિદેવની કથાની પાછળ જીવમાત્રમાં ઈશ્વરનું દર્શન કરવાની, જીવમાત્રનાં દુઃખને દૂર કરવાની તથા તે માટે નિષ્કામભાવે, કોઈપણ પ્રકારની બીજી લૌકિક કે પારલૌકિક કામના વિના જે મરી ફીટવાની ભાવના છે, તે અત્યંત આદરણીય ભાવનાને જો અપનાવાય તો વ્યક્તિ તથા સમષ્ટિને ઘણો મોટો લાભ થાય એમાં શંકા નથી.
- શ્રી યોગેશ્વરજી