if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મરવાનું કોને ગમે છે ? કોઈકને જ. જગતના મોટા ભાગના મનુષ્યો તો જીવનને ને વધારે ને વધારે દીર્ઘ તથા સુખી જીવનને જ ઈચ્છે છે. અમર જીવનની અભિલાષા પણ કેટલાક રાખતા હોય છે.

રાજા પરીક્ષિત પણ એમાં અપવાદરૂપ નહોતા. તક્ષક નાગના કરડવાથી સાત દિવસમાં મૃત્યુ થવાનો પોતાને શાપ મળ્યો છે એ જાણીને તે ચિંતામાં ડૂબી ગયા. પોતાના મંત્રીઓની સલાહ પ્રમાણે એક સ્તંભની ઉપર એક સુરક્ષિત ભવન બનાવડાવ્યું. એ ભવનમાં એમણે રહેવા માંડ્યું, અને એમાં પોતાની સાથે અનેક અનુભવી વૈદ્યો, ઔષધિઓ તથા મંત્રની મદદથી સાપના વિષને દૂર કરવાની વિદ્યા જાણનારા બ્રાહ્મણોને રાખવામાં આવ્યા.

મંત્રીઓ અને અંગરક્ષકો પ્રતિપળ એમની પાસે રહીને એમની રક્ષા કરતા. રાજાની અનુજ્ઞા વિના એમની પાસે કોઈ પણ ના જઈ શકતું.

એવી પૂર્ણ તૈયારીમાં છ દિવસ પસાર થઈ ગયા પછી સાતમે દિવસે કાશ્યપ નામે એક વિદ્વાન બ્રાહ્મણ રાજા પરિક્ષિત પાસે જવા તૈયાર થયો. રાજાને મળેલા શાપની ખબર હોવાથી એણે નક્કી કર્યું કે રાજાને આજે તક્ષક નાગ કરડશે તે પછી મારા મંત્રબળથી હું એમને જીવતા કરી દઈશ. કશ્યપ મહાન મંત્રવેત્તા હતો.

બીજી બાજુ તક્ષક પણ પોતાનું કામ પૂરું કરવા માટે ચાલી નીકળ્યો.

એણે ઈચ્છાનુસાર રૂપ ધારણ કરવાની પોતાની શક્તિથી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું ને કાશ્યપની આગળ આવીને પૂછ્યું :

'આજે તમે કોઈ અગત્યના કામે જઈ રહ્યા હો એવું લાગે છે. તમારી ચાલ ઝડપી છે. એવું કયું કામ આવી પડ્યું છે ?'

કશ્યપે કહ્યું :

'રાજા પરીક્ષિતને આજે તક્ષક નાગ કરડવાનો છે. એમને જીવતા કરવાની અભિલાષાથી હું એમની પાસે જઈ રહ્યો છું'.

'તો તમે એમને જીવતા કરી શકો એમ છો ?'

'જરૂર'.

'કેવી રીતે ?'

'મારી પાસે મૃતસંજીવની વિદ્યા છે. સાપના વિષને દૂર કરવાની વિદ્યાનું પણ મને જ્ઞાન છે.'

તક્ષકે થોડોક વિચાર કરીને કહ્યું, 'મારા દંશથી નિષ્પ્રાણ બનેલાને જો તમે જીવાડી શકતા હો તો મને તમારી એ શક્તિનો પરચો બતાવો. આ પાસેના વૃક્ષને મારા ઝેરથી જલાવી દઉં છું. તમે તેને પુનર્જીવિત કરો.

કાશ્યપે કહ્યું, 'તમે વૃક્ષને ખાખ કરશો તો પણ મારી શક્તિથી હું તેને લીલુંછમ કરી દઈશ.'

તક્ષકે એ વિશાળ વૃક્ષને દંશ દીધો કે તરત જ એ એના વિષના પ્રભાવથી સળગી ઊઠ્યું.

પરંતુ કાશ્યપે તરત જ પોતાની વિદ્યાનો પ્રયોગ કરી બતાવ્યો. એણે એ વૃક્ષની રાખને ભેગી કરી અને પોતાના મંત્રપ્રયોગથી જોતજોતામાં એ વૃક્ષને પહેલાંની પેઠે લીલુંછમ કરી દીધું.

તક્ષકને ભારે આશ્ચર્ય થયું. એને વિશ્વાસ થઈ ગયો કે કાશ્યપ પોતાનું કર્યુ કરાવ્યું ધૂળમાં મેળવશે.

એણે એક બીજી યુક્તિ અજમાવી.

'તમે રાજાને જીવતા કરવા જાવ છો તે કોઈક વસ્તુપ્રાપ્તિની કામનાથી જ જતા હશો ને ? તમારી કામના દુર્લભ હશે તો પણ હું એની પૂર્તિ કરી દઈશ. એને માટે તમારે રાજા પાસે નહિ જવું પડે. બ્રહ્મશાપથી રાજાના આયુષ્યનો નાશ થયો હોવાથી એમને પુનર્જીવિત કરવાના કામમાં તમને સફળતા ના પણ મળે. તો એ પરિસ્થિતિમાં તમારો આજ સુધીનો ઉજ્જવળ યશ ફિક્કો પણ પડી જાય.'

તક્ષકની એ યુક્તિ સફળ નીવડી. કાશ્યપે જણાવ્યું,

'રાજાને પુનર્જીવિત કરવા પાછળનું મારું પ્રયોજન ધનની પ્રાપ્તિ કરવાનું છે.'

'તો પછી હું તમને જેટલું જોઈએ તેટલું ધન આપું.'

કાશ્યપે ધ્યાન ધરીને જોયું તો રાજાનું આયુષ્ય ક્ષીણ થયેલું લાગ્યું એટલે એમને જીવાડવાનો પુરૂષાર્થ કરવાને બદલે એ તક્ષક પાસેથી ઈચ્છાનુસાર ધન લઈને વિદાય થયો.

તક્ષકે પોતાના અનુચરોને એ બધું જણાવ્યું એટલે એ પણ રાજી થયા. રાજા પરિક્ષિતના મૃત્યુની ભૂમિકા તૈયાર થઈ ગઈ.

કાશ્યપ ને તક્ષકના મેળાપનો મહાભારતનો આ પ્રસંગ આપણને સૂચવે છે કે ધનની લિપ્સાથી પ્રેરિત થઈને માણસ શું નથી કરતો ? એ લિપ્સા આગળ એની વિદ્યા, સમજશક્તિ, ધીરજ, નિષ્ઠા, વીરતા તથા પવિત્રતા બધું જ ગૌણ બની જાય છે, ઝાંખુ પડી જાય છે. ધનની લાલસામાં અટવાયેલો માણસ પોતાના સાચા સ્વાર્થને ભૂલી જાય છે, ને કેટલીકવાર ના કરવાના કામ પણ કરી બેસે છે. સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં આવાં ઉદાહરણો અનેક બને છે. એ બધાં ભયસ્થાનોમાંથી માણસે બચવું જોઈએ. વ્યક્તિ, સમષ્ટિ કે રાષ્ટ્રના જીવનનો નાશ કરવા માગનારા અને એને માટેની પોતાની અનર્થકારક યોજનાઓની આગળ કોઈ કાશ્યપની કર્તવ્યપરાયણતાને ફાવવા ના દેનારા તક્ષકો સમાજમાં ઓછા નથી. સમાજની સુખ, શાંતિ કે સમૃદ્ધિ હરી લેનારા એ તક્ષકોથી સૌએ ચેતતા રહેવાનું છે.

કાશ્યપે કર્તવ્યપરાયણ થઈને રાજાની પાસે જઈને ધારેલું કર્યું હોત તો ઈતિહાસ જુદો જ હોત. ધન તો એને રાજા પાસેથી પણ મળી રહેત. એનો યશ પણ અક્ષય રહેત, અને સમાજને લાભ થાત. તક્ષકના કરડવાથી શાપ તો સફળ થાત જ, પરંતુ કાશ્યપ રાજાને ભલે થોડા વખતને માટે પણ પુનર્જીવિત કરત તેથી એનું ને એની વિદ્યાનું ગૌરવ વધત. પરંતુ એની લાલસાને લીધે એવું ના થઈ શક્યું.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.