કશ્યપ ૠષિને એમની ઈચ્છાનુસાર ધન પ્રદાન કરીને, પાછા વાળીને, તક્ષક પોતાનું ધારેલું કામ કરવાના ઉદ્દેશથી ઉત્સાહિક થઈને હસ્તિનાપુરની દિશામાં ચાલી નીકળ્યો.
એને પોતાના કાર્યમાં સફળતા મેળવવા સંબંધી કોઈયે પ્રકારનો સંદેહ ના રહ્યો.
રસ્તામાં એને સમાચાર મળ્યા કે રાજા પરીક્ષિતે એક વિશેષ પ્રકારના ભવનનું નિર્માણ કરાવીને એમાં રહેવાનું શરૂ કર્યું છે અને અનેક જાતના વૈદ્યો, ઔષધિશાસ્ત્રજ્ઞો, અસ્ત્રશસ્ત્રધારી અંગરક્ષકો તેમજ સાપના વિષને ઉતારવામાં કુશળ ઉસ્તાદો આઠે પહોર એમની રક્ષા કરે છે.
એવા સંપૂર્ણપણે સુરક્ષિત રાજાની પાસે પહોંચવાનું કામ દેખીતી રીતે મુશ્કેલ હોવા છતાં તક્ષક હિંમત ના હાર્યો ને ડર્યો અથવા ગભરાયો પણ નહિ. એણે શાંતિપૂર્વક વિચાર કરીને પોતાની અદ્દભૂત રહસ્યમયી માયાથી રાજાને સાંપડેલો શાપ સફળ કરવાની યોજના ઘડી કાઢી.
એ યોજનાનુસાર એણે એના અનુચર જેવા બીજા નાગને તપસ્વીઓના વેશમાં રાજાની પાસે મોકલ્યા. તક્ષકે એમને આદેશ આપ્યો કે તમે કોઈપણ પ્રકારના ભય કે સંકોચ વિના મુનીઓનો વેશ ધારણ કરીને રાજાની પાસે જાવ અને એમને આશીર્વાદરૂપે ફળ, ફૂલ, મૂળ અર્પણ કરો. પછી આગળનું કામ હું કરી લઈશ.
તક્ષકના અનુચર નાગ તપસ્વીઓનો વેશ ધારણ કરી રાજા પરીક્ષિત પાસે જઈ પહોંચ્યા. એમણે રાજાને શુભાશીર્વાદ આપીને ફળફૂલ અર્પણ કર્યા.
એમના વિદાય થયા પછી એમના પ્રસાદરૂપે પ્રાપ્ત થયેલા એ ફળમાંથી થોડાક ફળ ખાવાની ઈચ્છા રાજાએ પોતાના ચતુર મંત્રીઓ પાસે પ્રકટ કરી.
મંત્રીઓની સંમતિથી રાજાએ ખાવા માટે એક ફળ લીધું.
એ ફળનું ભક્ષણ કરતાં એમની દ્રષ્ટિ એની અંદરના એક કીડા પર પડી.
એ કીડો એકદમ નાનો હતો. એની આંખ કાળી હતી અને એના શરીરનો રંગ લાલ હતો.
એ કીડાને પકડીને રાજા પરીક્ષિતે પોતાના મંત્રીઓને કહ્યું કે, સૂર્યાસ્ત થઈ રહ્યો હોવાથી હવે મને વિષનો ડર નથી લાગતો. આ કીડો જો તક્ષક બનીને મને કરડે તો પણ શું થયું ? એ મને કરડે તો ૠષિપુત્રે આપેલો શાપ સફળ થાય.
મંત્રીઓનાં મન પણ એ વખતે જાણે કે મોહિત થઈને ભાન ભૂલ્યા હોય તેમ કશું જ ના બોલ્યા.
વૈદ્યો તથા ઔષધિશાસ્ત્રજ્ઞો પણ મૂક રહ્યા.
ઘડીના છઠ્ઠા ભાગમાં, અરે નિમીષ માત્રમાં, જે નાટક થઈ ગયું તેની કોઈને ખબર જ ના પડી.
કેવું વિચિત્ર નાટક ?
રાજા પરીક્ષિતને જાણે કે ભાન જ ના રહ્યું હોય તેમ, એ કીડાને એમણે પોતાની ગરદન પર મૂક્યો. એમને સમજાયું નહિ કે કીડાનું રૂપ તક્ષકે જ ધારણ કરેલું છે. અથવા કીડાના રૂપમાં બીજુ કોઈ જ નથી પરંતુ તક્ષક પોતે જ છે.
મંત્રીઓ અને અંગરક્ષકોને જો એની સહેજ પણ ગંધ આવી હોત તો કીડાને કદાચ ત્યાં જ કચડી નાખત. એ એને ગમે તે ઉપાયે પણ જીવતો ના જવા દેત. પરંતુ એ પણ રાજાની આજુબાજુ એમનો વિચિત્ર અભિનય જોતાં મંત્રમુગ્ધ બનીને ઉદાસીનની જેમ ઊભા જ રહ્યા.
રાજાએ કીડાને પોતાની ગરદન પર મૂક્યો કે તરત જ કીડાના રૂપમાં રહેલા તક્ષકે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું.
એને જોઈ બધા ચમક્યા.
પરંતુ એથી વધારે કાંઈ પણ થઈ શકે એ પહેલાં તો તક્ષક વિકરાળ રૂપ ધારણ કરીને રાજાની ગરદનની આજુબાજુ વીંટળાઈ વળ્યો. શાપથી પ્રેરિત થયેલા એ ભયંકર તક્ષકે રાજાને દંશ દઈને પોતાનું કામ પુરુ કર્યું.
મંત્રીઓ રડવા લાગ્યા.
બીજા કેટલાક લોકો ભયભીત બનીને છૂપાવા તથા નાસવા લાગ્યા.
થોડા વખતમાં તો લાલ કમળના રંગવાળા નાગરાજ તક્ષકને સૌએ આકાશમાર્ગથી ચાલ્યો જતો જોયો.
એના વિષના પ્રભાવથી સ્થંભના આધારે ટકી રહેલું એ સુંદર ભવન પણ સળગવા લાગ્યું એટલે રાજાને છોડીને સૌ નાસવા માંડ્યા.
રાજા નિષ્પ્રાણ બની ગયા.
પહેલાંના ૠષિઓના આશીર્વાદ અથવા શાપ નિષ્ફળ નહોતા જતા એ તો સાચું જ, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે જે થવાનું છે તે કદી પણ કોટી ઉપાયે પણ અન્યથા નથી થતું. માણસ ગમે તેટલી કોશિશ કરે કે સુરક્ષાની ગમે તેવી યોજનાઓ ઘડે તો પણ કાળ પોતાનું કામ કરવાનો જ. મૃત્યુ એને મહાત કરવાનું જ. એવું વિચારીને એણે નમ્ર બનવાનું છે, જાગ્રત થવાનું છે, ને જીવનનું શ્રેય સાધવા કટિબદ્ધ બનીને અનેક જાતના દુષ્કર્મોમાંથી છૂટવાનું છે.
- શ્રી યોગેશ્વરજી