માણસની આંખ જો ઉઘાડી હોય, અને મધમાખીની જેમ એની અંદર સઘળેથી સુવાસ લેવાની કે ગુણ ગ્રહણ કરવાની વૃત્તિ હોય તો, સમસ્ત વિશ્વ એને માટે એક મહાન વિશ્વવિદ્યાલય બની જાય છે. અથવા એનું પોતાનું જીવન જ એક સર્વોત્તમ પાઠશાળા થાય છે. દત્તાત્રેયમાં એવી દૃષ્ટિ ને વૃત્તિ હોવાથી એ એમના જીવનમાં નાની સરખી દેખાતી ઘટનાઓમાંથી પણ સાર તારવી શકેલા ને જીવનોપયોગી સંદેશ ગ્રહણ કરી શકેલા. એ લોકગુરુ બની શક્યા એની પાછળ એ જ રહસ્ય હતું કે ગુરુભાવનો ત્યાગ કરીને સૌથી પહેલાં એ પ્રકાશની પ્રાપ્તિ માટે શિષ્યભાવે જીવતાં શીખેલા. એવી નમ્ર, નિખાલસ, ગુણગ્રાહી વૃત્તિને લીધે જ એ આગળ જતાં વિશ્વવંદ્ય બની શકેલા. એમનું જીવન આપણને એવી સર્વોત્તમ વૃત્તિ કેળવવાનો સંદેશ આપે છે.
એમણે પોતાની એ ગુણગ્રાહી દૃષ્ટિને લીધે એક વેશ્યાને પણ ગુરુ માનેલી.
એ હકીકત જાણવા જેવી છે.
એ વેશ્યાનું નામ પિંગલા હતું. જે નગરમાં એ રહેતી હતી એ નગરમાં એકવાર ભગવાન દત્તાત્રેય જઈ પહોંચ્યા.
પિંગલા નગરમાં પ્રખ્યાત અને ધનવાન હતી. એના રૂપથી આકર્ષાઈને એના સહવાસનું સુખ માણવા નગરના નાનામોટા કેટલાય પુરુષો એની પાસે વાસનાયુક્ત વૃત્તિથી આવ્યા કરતા. પિંગલા એમની લાલસા કે વાસનાને ધન લઈને જુદી જુદી રીતે તૃપ્ત કરતી. એમ કરવામાં એને અસાધારણ આનંદ મળતો.
એવી રીતે એકધારા સતત પ્રવાહની પેઠે વહેતા જતા એના જીવનમાં એકાએક વિક્ષેપ પડ્યો.
એક રાતે પિંગલા પોતાનું મન જેનામાં લાગ્યું હતું તે પ્રેમીને મળવા માટે સંપૂર્ણપણે સર્વોત્તમ શૃંગાર કરીને બનીઠનીને બેઠી.
એના શુભાગમનની પ્રતીક્ષા કરતી, એને માટે અતિશય આતુર બનીને એ અવારનવાર પોતાની આહલાદક આકૃતિને દીવાલો પર લટકતા કાચમાં જોવા લાગી.
વચ્ચે વચ્ચે એ દ્વાર તરફ જતી તથા બારીમાંથી બહાર દૃષ્ટિપાત કરતી.
એના ઉરમાં ઉત્સાહ હતો અને અણુએ અણુમાં આશાનો આવિર્ભાવ થયેલો. પરંતુ વખતના વીતવા સાથે એ ઉત્સાહ ઓસરવા માંડ્યો.
મધ્યરાત્રી થઈ ગઈ તો પણ કોઈ આવ્યું નહિ ત્યારે એની વેદના વધી ગઈ.
એને નિરાશા થઈ ને પોતાના જીવન પર કંટાળો આવ્યો. એણે મનોમન ઉદ્દગાર કાઢ્યા :
'ઓહો ! આ આશા તથા તૃષ્ણા જ મને દુઃખી કરી રહી છે. મારું સમસ્ત જીવન મેં ભોગવિલાસમાં વીતાવ્યું ને મારા રૂપ તથા લાવણ્યથી બીજાના મનને મુગ્ધ ને મોહિત કરવામાં પસાર કર્યું છે. આજે મને મારી ભૂલ સમજાઈ છે. આશાની પૂર્તિ થાય છે તો નવી આશા પેદા થાય છે અને એવી રીતે મન અશાંત બને છે, અને એની પૂર્તિ કોઈ કારણે નથી થતી તો પણ વ્યથા થાય છે. એવી રીતે આશા તથા તૃષ્ણા સદાય દુઃખનું કારણ થઈ પડતી હોવાથી તેનો સદાય ત્યાગ કરીને માણસે તૃષ્ણારહિત થઈ જવું જોઈએ. નિરાશા અથવા તૃષ્ણારહિતતા જ સુખકારક છે. મારો આટલો વખત મેં અજ્ઞાનને લીધે અનિદ્રામાં વ્યર્થ વીતાવ્યો. હવે હું શરીરની મોહિનીનો તથા તૃષ્ણાનો ત્યાગ કરીને શાંતિથી સૂઈ રહીશ.'
એવા એવા વિવિધ વિચારોના વમળમાં વીંટળાયેલી પિંગલાના દિલમાં વૈરાગ્ય થયો, જ્ઞાનનો પાવન પ્રકાશ પથરાયો, અને એને લીધે એની સઘળી ભ્રાંતિ દૂર થઈ.
એ ક્ષણ એના જીવનમાં સમૂળી ક્રાંતિ કરનારી અને આશીર્વાદરૂપ સાબિત થઈ.
એને મળેલો નવો પ્રકાશ એને માટે પતિતપાવન સાબિત થયો.
એને શરીર પરના અલંકારો દૂર કર્યા, શૃંગારને કાઢી નાંખ્યો, સુંદર વસ્ત્રોને ઉતારી નાખ્યાં, ને દ્વાર બંધ કરી તૃષ્ણારહિત થઈને શયનખંડમાં પ્રયાણ કર્યું.
થોડા વખતમાં જ એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
ભગવાન દત્તાત્રેયને એનું જીવન પ્રેરણાત્મક લાગ્યું. એમણે એના જીવનમાંથી વિષયોની ઉપરામતા તથા તૃષ્ણારહિતતાનો સંદેશ ગ્રહણ કર્યો, અને મંત્ર અપનાવ્યો કે,
'આશા હિ પરમં દુઃખં, નૈરાશ્યં પરમં સુખમ !'
'આશા સૌથી મોટું દુઃખ, નિરાશા છે મોટું સુખ.'
આપણે પણ એવી ગુણગ્રાહી વૃત્તિ કેળવીએ તો ? જીવનમાં કેટલો મોટો લાભ થાય ને જીવન કેવું ઉજ્જવળ બની જાય. દત્તાત્રેયનું જીવન આપણને એ જ સંદેશ પૂરો પાડે છે.
- શ્રી યોગેશ્વરજી