શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યા પ્રમાણે ભગવાન દત્તાત્રેયે મધમાખીને પણ ગુરુ કરી છે.
વનમાં વિહાર કરતાં એક દિવસ એમની દૃષ્ટિ વૃક્ષની ડાળી પરના એક મધપૂડા પર પડી.
અસંખ્ય મધમાખીઓએ એ મધપૂડાની રચના કરેલી, અને એના પ્રત્યેક પરમાણુને રસમય કરવા માટે સહયોગ કરેલો.
કેટલો સરસ, મધુમય હતો એ મધપૂડો ?
મધમાખીઓ એને ભારે મમતાથી વળગીને એનો રસાસ્વાદ લેતી એની ઉપર અને આજુબાજુ ફર્યા કરતી.
એથી એમને ઊંડી તૃપ્તિ મળતી.
પરંતુ એમના સુખ, સંતોષ અને આનંદનો થોડો જ વખતમાં અંત આવ્યો.
જોતજોતામાં તો ત્યાં એક પુરુષ આવી પહોંચ્યો. એણે ધૂમાડો કરીને તથા બીજા ઉપાયોથી માખીઓને અળગી કરી, ને મધપૂડાને લઈ લીધો.
માખીઓનું કાંઈ જ ના ચાલ્યું. એ નિરાશ તથા દુઃખી થઈને જોતી જ રહી, અને એ પુરુષ એમના દિવસોના પરિશ્રમથી પેદા કરેલા મહામોંઘા સંચિત ધનભંડારને લઈને વિદાય થયો.
એ બધું જોઈને દત્તાત્રેય ઊંડા વિચારમાં પડી ગયા. મધમાખીઓને ગુરુ માનીને એમની પાસેથી સદુપદેશ ગ્રહણ કરતાં એ મનોમન બોલ્યા કે પરિગ્રહ માત્ર દુઃખ અથવા ચિંતાનું કારણ થઈ પડે છે. માણસ પણ આવી રીતે સુખોપભોગની ભાવનાથી પ્રેરાઈને જુદી જુદી જાતનો સંગ્રહ કર્યા કરે છે, પરંતુ એ બધા પરિગ્રહનો ભોગ એના ભાગ્યમાં ભાગ્યે જ લખાયેલો હોય છે. કાળ એને એના ઉપભોગથી વંચિત રાખે છે. પરિગ્રહ કરાયેલા ભોગ કે પદાર્થોનો પરિત્યાગ કરીને એ ચાલતો થાય છે, અથવા કોઈવાર એ પદાર્થો એને છોડીને ચાલ્યા જાય છે.
દત્તાત્રેયે સંકલ્પ કર્યો કે કોઈપણ પદાર્થની મમતા ના કરવી અને અપરિગ્રહની વૃત્તિને પોષવી ને કાયમ રાખવી.
એનો સંકલ્પ કરીને એ આગળ વધ્યા.
અપરિગ્રહ અને નિર્મમતાનો એ સંકલ્પ સૌને કામનો છે. અપરિગ્રહનો સંદેશ ઘણો પ્રાચીન છતાં સનાતન સંદેશ છે, અને આજના જમાનામાં તો એનું મહત્વ સવિશેષ છે. પરિગ્રહવૃત્તિ વ્યક્તિ તેમજ સમષ્ટિને માટે ભારે દુઃખદાયક, અમંગલ અને અશાંતિકારક થઈ પડે છે એ હકીકત તો થોડોક વિચાર કરવાથી સહેજે સમજી શકાય તેવી છે.
પરિગ્રહ કરેલા ભોગપદાર્થોનો ત્યાગ કરવો પડે કે કાળ એમનો કોળિયો કરે તે પહેલાં એમનો બનતો સદુપયોગ કરી લેવાય તો સારું છે. એને માટે આપણને સૌને સાવધાન કરતાં પેલા ભક્તકવિએ મધમાખીનું જ ઉદાહરણ આપતાં કહ્યું છે :
માખીએ મધ ભેળું કીધું,ન ખાધું ના ખાવા દીધું,
લૂટનારે લૂંટી લીધું રે, પામર પ્રાણી !
ચેતે તો ચેતાવું તને રે, પામર પ્રાણી !
કવિએ સીધી રીતે અને દત્તાત્રેય ભગવાને આડકતરી રીતે જે ચેતવણી આપી છે તે ચેતવણીને જીવમાત્રે લક્ષમાં લેવાની તથા તે સંબંધી ઘટતું કરવાની જરૂર છે. તેમ કરવાથી સૌનું કલ્યાણ જ થશે. અકલ્યાણ તો નહિ જ થાય.
- શ્રી યોગેશ્વરજી