if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બાઈબલમાં એક નાનો સરખો છતાં યાદગાર પ્રસંગ આવે છે.

પ્રસંગ નાનો છે-પણ એની અસર ઘણી મોટી છે.

એ પ્રસંગ વગર ઈશુના જીવનનો પ્રવાહ જુદી જ રીતે વહ્યો હોત. માત્ર ઈશુના જીવનનો જ નહિ, પરંતુ આખા ખ્રિસ્તી ધર્મનો પ્રવાહ.

વાત એવી છે કે ઈશુના દસ શિષ્યો ઈશુ પર પ્રેમ રાખતા. એને પરમેશ્વર માનતા. દશેના દિલમાં ઈશુને માટે શ્રદ્ધાની અખંડ જ્યોત જલ્યા કરતી. ઈશુને માટે એમને અત્યંત આદર અને ફના થઈ જવાની, સર્વસમર્પણ કરવાની વૃત્તિ હતી.

એક દિવસ પર્વત પરના પોતાના સ્થાનમાં બધા શિષ્યો ઈશુને વીંટળાઈને બેઠા હતા. એકાએક વાર્તાલાપ ચાલ્યો અને ઈશુએ ઘડાકો કર્યો, 'તમારા બધામાં જે મારો સૌથી પ્યારો શિષ્ય છે, તે જ મને પકડાવી દેશે. મને પકડવા માંગનારા સાથે તે મળી જશે, ને મને દગો દેશે.'

બધા એકમેક સામે જોવા લાગ્યા. બધાંના મોં ઉતરી ગયાં. ઈશુ આ શું કહે છે ? એ ખોટું તો કહે નહીં. એ તો સ્પષ્ટ અને સત્યવક્તા છે. તો પછી ? એમના કહ્યા પ્રમાણે એમને દુશ્મનના હાથમાં પકડાવી દેનાર શિષ્ય આપણામાંથી કયો હશે ? એવું હલકું કર્મ કોણ કરશે ?

કોઈએ કહ્યું, 'પ્રભુ, અમારામાંથી તો કોઈ તમોને નહીં પકડાવે. એવું નીચ કર્મ અમારામાંથી કોઈ ન કરે. એવા કર્મની કલ્પનાય ન કરી શકે. તમે આ શું કહી રહ્યા છો ?'

'હું જે કહું છું તે સાચું જ કહું છું.' ઈશુએ કહ્યું, 'ભવિષ્યને હું મારી દિવ્ય દૃષ્ટિથી જોઈ શકું છું. એમાં ફેર નહિ પડે. ઈશ્વરે એ જ નિર્માણ કરેલું છે.'

પછી બોલનારા સામે જોઈ એમણે કહ્યું, 'તું જ મને પકડાવશે.'

'હું ?'

'હા, તું જ જુડાસ.'

'બને જ નહિ. મારો પ્રાણ ચાલ્યો જાય તો પણ હું તમને ન પકડાવી શકું. હું તમને કેટલે બધો ચાહું છું, તે તમને ખબર છે ?'

'ખબર છે.' ઈશુએ શાંતિથી કહ્યું. 'પરંતુ વખત આવ્યે, તું જ મને પકડાવશે. મારે માટેની છૂપી બાતમી, વિરોધીઓને તું જ આપશે.' 

'એ બને જ નહિ, કોઈ ઉપાયે બને જ નહિ.' જુડાસ તે સાંભળી રડી પડ્યો.

એ વાતને થોડા દિવસ થયા ને તેની બુદ્ધિ બગડી. વિરોધીઓ સાથે એ મળી ગયો, ને કહેવા લાગ્યો, 'ઈશુને પકડવામાં હું તમને મદદ કરી શકું તેમ છું. મને એના સંતાવાના સ્થાનની ખબર છે. મારામાં વિશ્વાસ રાખો.'

વિરોધીઓને જોઈતી વસ્તુ મળી ગઈ. એમને સાથે લઈ, જુડાસ પર્વતના એ જ એકાંત સ્થાનમાં આવી પહોંચ્યો. ઈશુની સામે આંગળી ચીંધી. બોલ્યો, 'નાઝરથનો ઈશુ આ જ છે, એને પકડી લો.'

ઈશુએ સ્મિત સાથે એનો સત્કાર કરતાં કહ્યું, 'આખરે તું આવી પહોંચ્યો ને ? હું તારી રાહ જોતો'તો. ઈશ્વરની ઈચ્છા જ છેવટે વિજયી થાય છે. તું તો તેમાં નિમિત્ત માત્ર છે.'

ધન્ય ઈશુ ! કસોટીના કપરા કાળમાં પણ તમે એવા જ શાંત અને નિર્વિકાર તથા અચલ રહ્યા. તમારા મનોબળને ધન્ય છે !

પછીનો ઈતિહાસ જાણીતો છે. ઈશુને વધસ્તંભ પર લટકાવી ઘાતકી રીતે મારી નાંખવામાં આવ્યા. એ આપણે જાણીએ જ છીએ.

જુડાસને થયે તો કેટલાંય વર્ષો થઈ ગયાં. પરંતુ એના વંશજો હજુ નથી મર્યા. વ્યક્તિ તથા સમષ્ઠિના તે છૂપા શત્રુ છે. તેમનું શરીર આ ધરતી પર હરતુંફરતું હોય છે, પરંતુ મન કે હૃદય બહારથી પ્રેરણા મેળવતું હોય છે. તેમની દેશભક્તિ સદાય સ્વાર્થી અને પોલી હોય છે. એમના વચન અને વર્તન વચ્ચે આભજમીનનો ફેર હોય છે. ને ભૂલેચૂકે પણ એમનામાં વિશ્વાસ નથી રાખી શકાતો. દેશની તરફ તે હંમેશા સાવકી માના જેવું વર્તન રાખે છે. દેશને માથે આફત ઉતરી છે ત્યારે, એવા એક નહિ પણ અનેક જુડાસોથી ચેતતા રહેવાની જરૂર છે. દેશની મહામૂલી આઝાદીનો તેઓ સોદો કરવા માંગે છે. આક્રમણખોરની મદદે દોડવાની એમને ટેવ છે. એવા જુડાસોએ હવે ચેતી જવું જોઈશે. અને લોકોએ પણ એમને ઓળખી લઈને, એમનાથી સાવધ રહેવું પડશે. દેશ ત્યારે જ સલામત રહી શકશે અને આગળ વધશે.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.