if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શીખ ધર્મના મહાન સંસ્થાપક ગુરુ નાનકદેવ.

એમની ઉપદેશ આપવાની પદ્ધતિ એમના જીવન જેવી જ વિલક્ષણ હતી.

એનો પરિચય કરાવતા એક સુંદર સારવાહી પ્રસંગનું સ્મરણ કરીએ.

એમના શિષ્ય ને સેવક મરદાનાએ એકવાર કાબાના દર્શન કરવાની ઈચ્છા પ્રદર્શિત કરવાથી એ એને તથા લાલુને લઈ હજ કરવા માટે ચાલી નીકળ્યા.

એમદાબાદ, વજીરાબાદ, ડેરા ઈસ્માઈલખાન, શિકારપુર તથા હૈદરાબાદ થઈને ધર્મપ્રચાર કરતા એ કરાંચી પહોંચ્યા. અને પછી બલુચિસ્તાનને રસ્તે થઈને સંવત ૧૫૭૫માં મક્કા શરીફમાં પહોંચ્યા. એમણે ફકીરોનો લીલો ઝભ્ભો પહેરેલો, હાથમાં કમંડળ જેવું પાત્ર રાખેલું, ને નમાઝ પઢવાની સાદડી લીધેલી.

મક્કા શરીફમાં આવીને એ ખૂબ જ થાકી ગયા હોવાથી ત્યાંની પ્રખ્યાત મસ્જિદમાં સૂઈ ગયા. જોતજોતામાં એમને ઊંઘ આવી ગઈ. એમને ખબરે ના પડી ને ઊંઘની એ અચેતાવસ્થામાં એમના પગ કાબા તરફ થઈ ગયા.

સવારે ત્યાંના મુજાવરે એ જોયું તો એના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે કઠોર સ્વરે કહ્યું, 'અરે કાફર, તું ખુદાના ઘર તરફ પગ રાખીને સૂતો છે તેની તને ખબર છે ?'

નાનકદેવે પોતાની ભૂલ થઈ છે એમ જણાવ્યું. પરંતુ એથી મુજાવરનો ગુસ્સો ના શમ્યો. એ જેમ ફાવે તેમ બોલવા લાગ્યો એટલે નાનકદેવે કહ્યું, 'ભાઈ, તું મારા પર આટલો બધો ગુસ્સે થાય છે પરંતુ તું જ બતાવ કે ખુદાનું ઘર ક્યાં નથી ! તો હું મારા પગ ફેરવી લઉં અને એ તરફ રાખું.'

એટલી વારમાં એ કોલાહલ સાંભળી ત્યાં રૂકિમદીન મુફ્તી આવ્યા. ગુરૂ નાનકદેવને ઉદ્દેશીને બોલ્યા, 'તમારા વેશ પરથી તમે ફકીર છો એવું અનુમાન કરી શકાય છે. તમે કયા ધર્મના છો ?'

'ભાઈ, હું તો સમસ્ત સૃષ્ટિના સ્વામી ખુદાના ધર્મનો છું.' નાનકે સ્પષ્ટ કર્યું ને કહ્યું, 'એ ખુદા એક જ છે, જન્મ ને મૃત્યુથી પર છે, અખંડ, અદ્વિતિય અને સર્વવ્યાપી છે.'

'તો તો તમે મુસલમાન લાગો છો કારણ કે એક અલ્લામાં જ વિશ્વાસ રાખો છો.'

'એવાં કોઈ નામ મને નથી ગમતાં, હું તો ખુદાનો એક નાનો બંદો છું. અને એના હુકમને જ અનુસરું છું.'

'તમારી વાત તો કલમાની વાતને મળતી આવે છે. તમે મુસલમાન કેમ નથી થતા ?'

નાનકે કહ્યું, 'વેદો પણ એ એક જ ઈશ્વરના ગુણ ગાય છે. અને એ એક જ પરમાત્માનું પ્રતિપાદન કરે છે. પછી હું મારી જાતને હિંદુ શા માટે ના કહું ? સત્ય તો ત્રિકાલાબાધિત કે શાશ્વત છે. જેને એની અંદર શ્રદ્ધા છે તે તો સર્વત્ર ને પ્રતિક્ષણ એનો જ અનુભવ કર્યા કરે છે. બહારના મતમતાંતરોની મોહિનીમાં એ નથી પડતો. તમે મસ્જીદને ખુદાનું ઘર કહો છો પણ શું બીજે બધે ખુદાનું અસ્તિત્વ નથી ? જેની દૃષ્ટિ દૈવી છે તે તો કણેકણમાં ખુદાના ઘરનું દર્શન કરે છે. તમે ખુદાને એક કહો છો તો પછી બીજા ધર્મવાળાને ધિક્કારની નજરે જોવાને બદલે પ્રેમની નજરે શા માટે નથી જોતા ?'

નાનકદેવના એ સદુપદેશથી મુફ્તી તથા બીજા બધાને ઘણો આનંદ થયો. એમણે નાનકદેવને કુરબાનીમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું. એનો અસ્વીકાર કરતાં નાનકદેવે કહ્યું, 'મારાથી એવી કુરબાનીમાં ભાગ નહિ લઈ શકાય. તમારા શરીરને લોહીનું ટીપું પણ અડે છે તો તમે નાપાક થઈ જાવ છો. તો પછી છરી મારીને તમે ખુદાને પ્રસન્ન કેવી રીતે કરી શકો ? આપણે મન વચન કર્મથી નિર્દોષ રહેવું જોઈએ. બકરાને મારવામાં કુરબાની નથી સમાયેલી. સાચી કુરબાની તો પારકાના ભલાને માટે પોતાની જાતને ઘસી નાંખવામાં ને ફના કરવામાં છે. તમે જે બકરાને મારો છો તેમાં શું ખુદાનું ઘર નથી દેખાતું ? ખુદા ખલકથી જુદો નથી. અલ્લા અણુઅણુમાં રહ્યો છે, એ એની કૃપાથી સમજાય છે. વેદ-કુરાન વાંચવાથી આત્માને પરમ શાંતિ નથી મળતી, પરંતુ પરમાત્માના અનુભવથી મળે છે. એ અનુભવ ભક્તિથી થઈ શકે છે. પવિત્રતા, અહંકારનો ત્યાગ, દિલની સચ્ચાઈ, સમદૃષ્ટિ અને ઈશ્વરનું સતત સ્મરણ ખુદાના ઘરમાં પહોંચાડી શકે છે. એ ઘર સંસારમાં સર્વત્ર ફેલાયેલું છે.'

નાનકદેવની વાત મુફ્તીના ગળે ઉતરી ગઈ. એવી રીતે સૌને ગળે ઉતરી જાય તો ? ધર્મ, સંપ્રદાય અને મતમતાંતરના નામે દેખાતી કટુતા, ઘર્ષણ, ધિક્કાર અને પશુતા સહેલાઈથી શમી જાય ને માનવ માનવને માટે અભિશાપરૂપ થવાને બદલે આશીર્વાદરૂપ થાય.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.