सर्वाजीवे सर्वसंस्थे बृहन्ते अस्मिन् हंसो भ्राम्यते ब्रह्मचक्रे ।
पृथगात्मानं प्रेरितारं च मत्वा जुष्टस्ततस्तेनामृतत्वमेति ॥६॥
sarvajive sarvasamsthe brhante
asmin hamso bhramyate brahmachakre ।
prthagatmanam preritaram cha matva
justastatastenamrtatvameti ॥ 6॥
આશ્રય સૌને દેનારું આ સંસારતણું ચક્ર ખરે,
ભમાવી રહ્યા જીવાત્માને પરમાત્મા તે ચક્ર વિશે.
પોતાને ને પ્રભુને જ્યારે જીવ તત્વથી જાણે છે,
પ્રભુનો ત્યારે બની જાય તે અમરભાવને પામે છે. ॥૬॥
અર્થઃ
અસ્મિન્ - આ
સર્વાજીવે - સૌના જીવનરૂપ
સર્વસંસ્થે - સૌના આશ્રયભૂત
બૃહન્તે - વિશાળ
બ્રહ્મચક્રે - બ્રહ્મચક્રમાં
હંસઃ - જીવાત્મા
ભ્રામ્યતે - ફેરવાયા કરે છે.
(સઃ - તે)
આત્માનમ્ - પોતાને
ચ - અને
પ્રેરિતારમ્ - પ્રેરક પરમાત્માને
પૃથક્ - પૃથક્ રીતે
મત્વા - જાણીને
તતઃ - એ પછી
તેન - એ પરમાત્મા દ્વારા
જુષ્ટઃ - સ્વીકારાઇને
અમૃતત્ત્વમ્ - અમૃતભાવને
એતિ - પામી લે છે.
ભાવાર્થઃ
સંસારચક્રની વિશાળતાનો પાર નથી. એ ચક્ર દેવથી માંડીને તિર્યંક યોનિ સુધી વ્યવસ્થિત રીતે ફેલાયેલું છે. એ સૌના આશ્રયરૂપ અથવા જીવનરૂપ છે. સૌ કોઇ એનો આધાર લઇને ટકે છે, કર્મફળને ભોગવે છે, અને જીવન પસાર કરે છે. જીવાત્મા કર્મફળના ઉપભોગ માટે એ ચક્રમાં જુદીજુદી યોનિઓનો આધાર લઇને ફરતો રહે છે. એ ચક્રમાંથી એને મુક્તિ ક્યારે મળે ? સંસારચક્રને ચલાવનારા પરમાત્માને જાણી તથા પામી લે ત્યારે. એ પરમપ્રેમથી પ્રેરાઇને પરમાત્માનું સર્વભાવે શરણ લે છે ત્યારે પરમાત્મા એની આગળ પોતાના રહસ્યને ખોલી દે છે, એને અપનાવે છે, અને સર્વપ્રકારે કૃતાર્થ કરે છે. એમના અનંત અનુગ્રહને અનુભવીને એ સંસારચક્રમાંથી મુક્તિ મેળવે છે અને અમૃતમય બનીને સનાતન શાંતિની પ્રાપ્તિ કરે છે.