उद्गीतमेतत्परमं तु ब्रह्म तस्मिंस्त्रयं सुप्रतिष्ठाऽक्षरं च ।
अत्रान्तरं ब्रह्मविदो विदित्वा लीना ब्रह्मणि तत्परा योनिमुक्ताः ॥७॥
udgitametatparamam tu brahma
tasmimstrayam supratistha'ksaram cha ।
atrantaram brahmavido viditva
lina brahmani tatpara yonimuktah ॥ 7॥
વેદ કરે છે વર્ણન તેનું, સર્વશ્રેષ્ઠ આશ્રય તે છે,
તે અવિનાશી, ત્રણે લોક આ તે પ્રભુને આશ્રય રે’છે;
જ્ઞાની તેને અંતર્યામીરૂપ હૃદયમાં જાણે છે,
બની જાય છે તત્પર, પ્રભુમાં લીન, જન્મને ટાળે છે. ॥૭॥
અર્થઃ
એતત્ - આ
ઉદગીતમ્ - વેદવર્ણિત
બ્રહ્મ - પરબ્રહ્મ
હી - જ
સુપ્રતિષ્ઠા - સર્વોત્તમ આશ્રય
ચ - અને
અક્ષરમ્ - અવિનાશી છે.
તસ્મિન્ - એમાં
ત્રયમ્ - ત્રણે લોક રહેલાં છે.
બ્રહ્મવિદઃ - વેદજ્ઞ મહાપુરુષ
અત્ર - અહીં (હૃદયમાં)
અન્તરમ્ - અંતર્યામીરૂપે રહેલા એ પરમાત્માને
વિદિત્વા - જાણીને
તત્પરાઃ - એમને પરાયણ બનીને
બ્રહ્મણિ - પરબ્રહ્મમાં
લીનાઃ - લીન થઇને
યોનિમુક્તા - જન્મમૃત્યુથી મુક્તિ મેળવી ગયા.
ભાવાર્થઃ
પરમાત્મા સૌના એકમાત્ર સર્વોત્તમ આશ્રયરૂપ છે. સૌના મૂળાધાર અને અધિષ્ઠાન છે. જગતના જીવન છે. એમના સિવાય કોઇ શ્વાસ લઇ શકે તેમ નથી. એ સર્વોત્તમ તથા અવિનાશી છે. એમની અંદર સમસ્ત બ્રહ્માંડ રહેલું છે. વેદોએ એમનું અત્યંત આદરભાવપૂર્વક જયગાન કર્યું છે. એમને અનેક પ્રકારે અનુરાગયુક્ત અંજલિ આપી છે. એ બ્રહ્માંડમાં જેમ સર્વત્ર રહેલાં છે તેમ અંતર્યામી થઇને સૌના હૃદયમાં પણ વિરાજમાન છે. પરમાત્માની વિરાટ વિશ્વચેતનાનો અખંડ અબાધિત પ્રવાહ હૃદયપ્રદેશમાં પણ વહી રહ્યો છે. ત્યાં એમનો સાક્ષાત્કાર કરીને અને એમનું અનુસંધાન સાધીને સાધક એમની અંદર લીન બને છે અને શોક, મોહ, અવિદ્યા તથા બંધનમાંથી મુક્તિ મેળવે છે.