वह्नेर्यथा योनिगतस्य मूर्तिनर् दृश्यते नैव च लिङ्गनाशः ।
स भूय एवेन्धनयोनिगृह्य स्तद्वोभयं वै प्रणवेन देहे ॥१३॥
vahneryatha yonigatasya murtirna
drsyate naiva cha linganasah ।
sa bhuya evendhanayonigrhya-
stadvobhayam vai pranavena dehe ॥ 13॥
અગ્નિ કાષ્ઠમાં જણાય છે ના, પરંતુ તે તો ત્યાં જ રહે,
સળગાવો તો તરત કાષ્ઠથી પ્રકટ થઈ તે સ્પષ્ટ દિસે;
તેમ જીવ પરમાત્મા બંને હૃદયમહીં ના સ્પષ્ટ દિસે,
ૐકારતણું સાધન કરતાં શરીરમાં સાક્ષાત બને. ॥૧૩॥
અર્થઃ
યથા - જેવી રીતે
યોનિગતસ્ય - યોનિ અથવા આશ્રયભૂત કાષ્ઠમાં રહેલા
વહ્નેં - અગ્નિનું
મૂર્તિ - રૂપ
ન દૃશ્યતે - દેખાતું નથી
ચ - અને
લિંગનાશઃ - એની સત્તાનો નાશ
એવ - પણ
ન - નથી થતો
સઃ - તે
ભૂયઃ એવ - ચેષ્ટા કરવાથી
ઇન્ધનયોનિગુહ્યઃ - ઇંધનરૂપી પોતાની યોનિમાં ગ્રહણ કરાય છે.
વા - એવી રીતે
તત્ ઉભયમ્ - એ બંને (જીવાત્મા તથા પરમાત્મા)
દેહે - શરીરમાં
નૈ - જ
પ્રણવેન - ઓમકારની મદદથી
ગૃહ્યતે - ગ્રહણ કરવામાં આવે છે.
ભાવાર્થઃ
આ શ્લોક ખૂબ જ સુંદર, સારવાહી અને મૌલિક, સ્વતંત્ર કલ્પનાશક્તિથી ભરપૂર છે. એને ઉપનિષદની અમર સનાતન કલ્પનાઓમાંની એક તરીકે ઓળખાવી શકાય. એ કલ્પના અતિશય આકર્ષક અથવા આહ્લાદક છે. એનો આધાર પરમાત્માના સાક્ષાત્કારને સમજાવવા માટે લેવામાં આવ્યો છે. એની ભાષા સરળ છે. કાષ્ઠમાં રહેલો અગ્નિ પ્રકટપણે દેખાતો નથી. તોપણ સૂક્ષ્મ રીતે એમાં રહેલો તો છે જ. એ કેટલાક ઉપાયો દ્વારા પ્રત્યક્ષ કરી શકાય છે અથવા એનું રૂપદર્શન શક્ય બને છે. તેવી રીતે પંચમહાભૂતના સ્થૂળ શરીરમાં જીવાત્મા તથા પરમાત્મા રહેલા છે, પંરતુ એમની સત્તા અતિશય સૂક્ષ્મ હોવાથી સહેલાઇથી જોઇ અથવા અનુભવી નથી શકાતા. એમના દર્શન કે અનુભવને માટે ઉપાસનારૂપી ઉપાય અજમાવવો પડે છે. એ ઉપાસના ઓમકારની છે. ઓમકારના અલૌકિક મંત્રની મદદથી આત્મદર્શન અથવા પરમાત્મદર્શન શક્ય બને છે.