तिलेषु तैलं दधिनीव सर्पि रापः स्रोतःस्वरणीषु चाग्निः ।
एवमात्माऽत्मनि गृह्यतेऽसौ सत्येनैनं तपसायोऽनुपश्यति ॥१५॥
tilesu tailam dadhiniva sarpi-
rapah srotahsvaranisu chagnih ।
evamatma'tmani grhyate'sau
satyenainam tapasayo'nupasyati ॥ 15॥
તલમાં તેલ, દહીંમાં ઘી ને પ્રવાહમાં જલ જેમ રહે,
અગ્નિ કાષ્ઠમાં રહે, હૃદયમાં તેમજ તે પ્રભુ ગૂઢ રહે.
સત્ય અને તપ દ્વારા તેને માટે જે પુરુષાર્થ કરે,
મળી જાય છે તેને તે પ્રભુ, તે તેનો સાક્ષાત કરે. ॥૧૫॥
અર્થઃ
તિલેષુ - તલમાં
તૈલમ્ - તેલ
દધનિ - દહીંમાં
સર્પિ - ઘી
સ્ત્રોતઃસુ - ઝરણમાં
આપઃ - જલ
ચ - અને
અરણીષુ - અરણીમાં
અગ્નિઃ - અગ્નિ
ઇવ - જેવી રીતે રહે છે.
એવમ્ - એવી રીતે
અસૌ - એ
આત્મા - આત્મા
આત્મનિ - હૃદયમાં રહેલો છે.
યઃ - જે
એનમ્ - આને
સત્યેન્ - સત્યની મદદથી
તપસા - તપ દ્વારા
અનુપશ્યતિ - જોયા કરે છે
(તેન - એની દ્વારા)
ગૃહ્યતે - એનું ગ્રહણ થાય છે.
ભાવાર્થઃ
તલમાં તેલ છે અને દહીંમાં ઘી રહેલું છે, કિન્તુ ગુપ્ત છે, પ્રકટ નથી. ઝરણમાં જલ અને અરણીમાં અગ્નિ પણ સદા પ્રત્યક્ષ નથી હોતો, આત્માનું અસ્તિત્વ પણ એવી રીતે સાધકના અંતરમાં છે તો ખરું, પરંતુ એની અનુભૂતિ સૌ કોઇને નથી થતી. એની અનુભૂતિ માટે જીવનને પવિત્ર, દૈવી સંપત્તિથી સંપન્ન, સદાચારી, સંયમી, સાધનારત અને પરમાત્મપરાયણ બનાવવું પડે છે. એવી યોગ્યતા સાથે સદા ધ્યાન કરવાથી એની અનુભૂતિ થઇ શકે છે. ધીરા ભગતે એ ભાવને શબ્દોમાં વણી લેતાં કહ્યું છે કેઃ
સિંહ અજામાં કરે ગર્જના, કસ્તૂરી મૃગ રાજન,
તલની ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન.
દધિ ઓથે ઘૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી.
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઇ દેખે નહીં.
સદગુરુજીએ કૃપા કરી ત્યારે આપ થયા રે પ્રકાશ;
શાં શાં દોડી સાધન સાધે, પોતે પોતાની પાસ.
દાસ ધીરો કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તુંહી તુંહી.
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઇ દેખે નહીં.