सर्वव्यापिनमात्मानं क्षीरे सर्पिरिवार्पितम् ।
आत्मविद्यातपोमूलं तद्ब्रह्मोपनिषत् परम् ॥१६॥
sarvavyapinamatmanam ksire sarpirivarpitam ।
atmavidyatapomulam tadbrahmopanisat param ॥ 16॥
દૂધમહીં ઘી જેમ બધે એ પ્રભુને સાધક ભાળે છે,
જ્ઞાન અને તપ દ્વારા મળતા પ્રભુને સઘળે ભાળે છે;
તેજ ઉપનિષદમાં વર્ણવિયા પરમતત્વ છે બ્રહ્મ ખરે,
ઉપનિષદમહીં વર્ણવિયા તે પરમતત્વ છે બ્રહ્મ ખરે. ॥૧૬॥
અર્થઃ
ક્ષીરે - દૂધમાં
અર્પિતમ્ - સ્થિત
સર્પિઃ ઇવ - ઘીની પેઠે
સર્વવ્યાપિનમ્ - સર્વ વ્યાપક
આત્મવિદ્યાતપોમૂલમ્ - આત્મવિદ્યા તથા તપથી મળનારા
આત્માનમ્ - પરમાત્માને (જાણી લે છે)
તત્ - તે
ઉપનિષત્ - ઉપનિષદમાં કહેવાયેલું
પરમ્ - પરમ તત્વ
બ્રહ્મ - બ્રહ્મ છે.
તત્ - તે
ઉપનિષત્ - ઉપનિષદમાં કહેવાયેલું
પરમ્ - પરમ તત્વ
બ્રહ્મ - બ્રહ્મ છે.
ભાવાર્થઃ
પરમાત્મા સર્વત્ર પરિપૂર્ણ અથવા વ્યાપક છે. દૂધમાં જેમ ઘી રહેલું હોય છે તેમ એ સૌમાં રહેલા છે. આત્મવિચાર, સાધના અથવા તપનો સમ્યક પ્રકારે, સુવ્યવસ્થિત રીતે, સુદીર્ઘસમયપર્યંત આશ્રય લેવાથી સાધક એમનો સાક્ષાત્કાર કરી શકે છે. ઉપનિષદમાં જે પરમ તત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે અથવા જેમના વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે તે પરબ્રહ્મ પરમાત્મા એ જ છે.
ઉપનિષદના આ શ્ર્લોક પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે ઉપનિષદના ઋષિઓ પરમાત્માને એક પરમતત્વ, એક સર્વોપરી સનાતન સત્તા સમજતા અને એમનો એવી રીતે સાક્ષાત્કાર કરવાનો સંદેશ આપતા. એમને આસમાનમાં રહેનાર માનવ કે મહામાનવ ના માનતા.
तद्ब्रह्मोपनिषत् ચરણનો બે વાર પ્રયોગ કરવામાં આવ્યો છે એ આ અધ્યાયની સમાપ્તિ સૂચવે છે.