પર્વતના પ્રદેશમાંથી બહાર આવો, મારા મહાપુરુષ ! આવો આ ધીખતી ધરતી પર; હજારો, લાખો, કરોડોની સાથે તમારી શાંતિ, સિદ્ધિ, શક્તિનો સ્વાદ લેવા આવો !
અનેક દુઃખી છે, અનાથ છે, કંગાળ છે. તમારા માર્ગદર્શન ને પ્રકાશ માટે એ ઝંખે છે. તાપે તપેલાં અનેક તમારી શીતળ સ્નેહાળ છાંયની આશા રાખે છે. આ મરુભૂમિમાં બીજાં અનેક અંતરાયો અને આપત્તિઓમાં અટવાયા કરે છે. એ સૌના સાથી થવા ને પ્રકાશદાતા બનવા, પ્રેમ ને કરુણા, સમજ ને શક્તિ તથા સહાનુભૂતિના અવતાર બનીને આવો, ઓ મારા મહાત્મન્ ! ગિરિની ગંભીર ગુફામાંથી આવો !
બીજાની શાંતિમાં માણો તમારી શાંતિ ને બીજાની પ્રકાશપ્રાપ્તિમાં તમારા પ્રકાશનો વિજય. અંતરને અલૌકિક કરીને, આંખમાં ભાવનું ભાથું ભરીને, નદીના નિર્જન તટપ્રદેશમાંથી બહાર આવો, મારા મહાપુરુષ ! આવો આ ધીખતી ધરતી પર; હજારો, લાખો, કરોડોને તમારો લાભ આપવા આવો !
(૨-૨-૧૯૬૦, મંગળવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)