ઉદ્યોગ પર્વ

વિદુરને ત્યાં શ્રીકૃષ્ણ

મહાપુરુષો માનવતાનું મંડન કરતા તથા પવિત્રતાથી પ્રભાવિત થતા હોય છે. એમને બહારનો દેખાવ, દંભ, ધનવૈભવ, અધિકાર અને ઐશ્વર્ય એટલા અગત્યનાં અથવા આદરપાત્ર નથી લાગતાં. સદવિચાર અને સદાચારનું મહત્વ વિશેષ લાગે છે. એ હોય છે ત્યાં એમનાં અંતર આકર્ષાય છે.

રામકૃષ્ણ પરમહંસદેવનું મન-અંતર સ્વામી વિવેકાનંદ-એ વખતના નરેન્દ્રને માટે આકર્ષાતું અને પ્રેમથી પરિપ્લાવિત બનતું.

નરેન્દ્રે એકવાર કહેલું પણ ખરું કે તમને મારા પ્રત્યે આટલો બધો અનુરાગ અને આવી અસાધારણ મમતા થાય છે તેથી તમારો જીવ મારામાં રહી જશે તો, ભરતને મૃગની મમતાથી દુર્ગતિ પ્રાપ્ત થયેલી તેમ દુર્ગતિની પ્રાપ્તિ થશે.

રામકૃષ્ણદેવે તે વિશે જગદંબાને પૂછી જોયું.

જગદંબાએ જણાવ્યું કે તું સમાધિમાં હોય છે ત્યારે તારું મન સંપૂર્ણપણે શાંત હોય છે. પરંતુ સમાધિમાંથી જાગે છે ત્યારે તે મન, જે સત્વગુણી તથા સવિશેષ ભાવભક્તિવાળું હોય છે એવા સુસંસ્કારી આત્માઓ પ્રત્યે, સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. નરેન્દ્રને માટેના પ્રેમ અને આકર્ષણનું કારણ એ જ છે. એમાં કશું ખોટું કે હાનિકારક નથી.

જગદંબાના એ સ્પષ્ટીકરણથી રામકૃષ્ણદેવના મનનું સુખદ સમાધાન થયું. પાછળથી એમણે એ વિશે નરેન્દ્રને વાત કરી તો નરેન્દ્રને પણ નિરાંત વળી.

ભગવાન ભાવના ભૂખ્યા છે એવું કહેવાય છે. તે ભાવને જુએ છે, મહત્વનો માને છે, માન આપે છે, અને ભાવિક પર વિશેષ પ્રેમ રાખીને એની પાસે પહોંચવાનું પસંદ કરે છે. એના માનવંતા મહેમાન પણ બને છે.

કૃષ્ણ એ જ ન્યાયે ભક્ત, જ્ઞાની, સદાચારી વિદુરના મહેમાન બનેલા.

એ એમની અહેતુકી કરુણા કે કૃપા હતી. એની પાછળ વિદુરનો પ્રેમ તો હતો જ. પાર વિનાનો પ્રેમ.

ભક્તકવિ સૂરદાસે એ પ્રેમની પ્રશસ્તિ કરતાં ગાયું છે -

સબસે ઊંચી પ્રેમસગાઇ,
દુર્યોધનકો મેવા ત્યાગો,
સાગ વિદુર ઘર પાઇ ... સબસે ઊંચી પ્રેમસગાઇ.

કવિએ પોતાની રીતે પરંપરાગત લોકકથાના આધાર પર થોડીક કલ્પના કરી છે. તોપણ એમણે માનવના પવિત્ર પ્રબળ પ્રેમને અર્પેલી એ શબ્દાંજલિ સાચી છે.

મહાભારતકાર પોતાની મૌલિક રીતે એનું જે રહસ્યોદઘાટન કરે છે તે જોઇ  લઇએ. એમાં કહ્યું છે કે -

શ્રીકૃષ્ણ પ્રાતઃકાળમાં ઊઠી સર્વ નિત્યકર્મ કર્યું, અને બ્રાહ્મણોની આજ્ઞા લઇને હસ્તિનાપુર તરફ પ્રયાણ આદર્યું. તેમને વળાવવા માટે ગયેલા સર્વ વૃકસ્થલવાસી લોકો, પ્રયાણ કરી રહેલા એ મહાબાહુ અને મહાબળવાન શ્રીકૃષ્ણની આજ્ઞા લઇને પાછા વળ્યા.

શ્રીકૃષ્ણને આવતાં સાંભળીને ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય અને આભૂષણો તથા વસ્ત્રોથી સારી રીતે  શણગારેલા ધૃતરાષ્ટ્રના દુર્યોધન સિવાયના સર્વ પુત્રો તેમને લેવા સામા ગયા.

શ્રીકૃષ્ણના દર્શનની ઇચ્છાવાળા અનેક નગરજનો અનેક જાતનાં વાહનોમાં બેસીને અને કેટલાક પગે ચાલીને સામે ગયા.

માર્ગમાં શ્રીકૃષ્ણ પવિત્ર કર્મવાળા ભીષ્મને, દ્રોણને અને ધૃતરાષ્ટ્રના પુત્રોને મળ્યા અને તેમની સાથે નગરમાં આવ્યા.

શ્રીકૃષ્ણના સન્માનને માટે નગરને શણગારવામાં આવેલું. અનેક રત્નરૂપ વસ્તુઓથી રાજમાર્ગ ભરી દેવામાં આવેલો.

તે વખતે વાસુદેવનાં દર્શનની ઇચ્છાથી સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકો સર્વ કોઇ બહાર નીકળ્યાં. ઘરમાં કોઇ જ રહ્યું નહીં. શ્રીકૃષ્ણ નગરમાં પ્રવેશ કરીને રાજમાર્ગ ઉપર આવ્યા તે વખતે નગરજનોએ પૃથ્વી પર પડીને તેમને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરવા માંડી. મોટાં મોટાં ઘરો પણ સુંદર સ્ત્રીઓથી ભરાઇ ગયેલાં, અને તેના ભાર વડે જાણે જમીન પર ઝુકી જતાં હોય તેવાં દેખાતા. રાજમાર્ગ મનુષ્યોથી એટલો બધો ભરાઇ ગયો કે વાસુદેવના વેગવાળા ઘોડાની ગતિ પણ અટકી ગઇ.

શત્રુનાશક કમળનયન શ્રીકૃષ્ણ આસપાસ આવેલાં રાજમંદિરોથી સુશોભિત ધૃતરાષ્ટ્રના પાંડુવર્ણા રાજમહેલમાં પ્રવેશ્યા. રાજમહેલના ત્રણ દ્વારને ઓળંગીને એ ધૃતરાષ્ટ્ર રાજાની પાસે પહોંચ્યા.

શ્રીકૃષ્ણ પાસે આવ્યા એટલે મહાયશસ્વી અંધ ધૃતરાષ્ટ્રરાજા, દ્રોણ તથા ભીષ્મની સાથે ઊઠીને ઊભા થયા. કૃપાચાર્ય, સોમદત્ત અને મહારાજા બાહલીક પણ જનાર્દનને માન આપવા માટે આસન ઉપરથી ઊઠીને ઊભા થઇ ગયા.

શ્રીકૃષ્ણે યશસ્વી ધૃતરાષ્ટ્ર પાસે પહોંચીને વાણી વડે તેમનું તથા ભીષ્મનું સન્માન કર્યું.

એ પ્રમાણે ધર્માનુસાર ક્રમથી તેમનું પૂજન કર્યા પછી લક્ષ્મીપતિ મધુસૂદને બીજા રાજાઓને પણ તેમની ઉંમરના પ્રમાણમાં ભેટીને માન આપ્યું. પછી શ્રીકૃષ્ણે દ્રોણને, તેમના યશસ્વી પુત્ર અશ્વત્થામાને, બાહલીકને, કૃપાચાર્યને તથા સોમદત્તને મળ્યા. ત્યાં સુવર્ણનું એક ભવ્ય જ્યોતિર્મય મોટું સિંહાસન હતું તેના ઉપર શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી બેઠા તે સમયે ધૃતરાષ્ટ્રના પુરોહિતોએ શ્રીકૃષ્ણનું પૂજન કર્યું.

ધૃતરાષ્ટ્રે શત્રુદમન મહાયશસ્વી શ્રીકૃષ્ણનું પૂજન-અર્ચન કર્યું. તે પછી રિપુદમન માધવ ધૃતરાષ્ટ્રરાજની આજ્ઞા લઇને તથા કુરુસભામાં સર્વ કૌરવોને યોગ્ય રીતે મળીને ત્યાંથી નીકળ્યા અને વિદુરના મનહર મહેલમાં ગયા.

ત્યાં વિદુરે સર્વ પવિત્ર મંગલ પદાર્થોને લઇને જનાર્દનની સામે આવીને સર્વ કામનાઓથી સેવાતા તે યદુકુલભૂષણની પૂજા કરીને કહ્યું કે તમારાં દર્શનથી મને જે આનંદ થયો છે તે મારે તમને શા માટે કહેવો જોઇએ ? કારણ કે તમે દેહધારીઓના અંતરાત્મા જ છો.

એવું કહ્યા પછી સર્વધર્મને જાણનારા વિદુરે અતિથિ સત્કારને પામેલા મધુસૂદનને પાંડુપુત્રોના કુશળ સમાચાર પૂછયા. વળી બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ વિદુરે પ્રીતિયુક્ત, સામા ઉપકારની આશા રાખ્યા વિના ઉપકાર કરનારા, ધર્માર્થપરાયણ, રોષરહિત અને ધીમાન શ્રીકૃષ્ણને પાંડવોનો સર્વ વૃતાંત વિસ્તારથી પૂછયો, અને પ્રત્યક્ષ પેખનારા શ્રીકૃષ્ણે તે સર્વ વૃતાંત વિદુરને કહી સંભળાવ્યો.

શત્રુદમન જનાર્દન વિદુરને મળ્યા બાદ પાછલે પહોરે પોતાનાં ફોઇ કુંતીની પાસે ગયા.

વિદુરને ત્યાં શ્રીકૃષ્ણ પધાર્યા તેનું કારણ વિદુરની સંપત્તિ, સુખસમૃદ્ધિ કે સાહ્યબી નહોતું પરંતુ સાત્વિકતા, શીલસંપત્તિ તથા પવિત્ર પ્રીતિ હતું. એને લક્ષમાં લઇને એ અર્જુનના રથના સારથિ થવા માટે પણ તૈયાર થયેલા.

પ્રેમકે બસ અર્જુનરથ હાંક્યો
ભૂલ ગયે ઠકુરાઇ … સબસે ઊંચી પ્રેમસગાઇ

 પ્રચલિત લોકકથામાં ક્યાંક એવું પણ આવે છે કે વિદુર કૃષ્ણની પધરામણી વખતે ઘરમાં નહોતા ત્યારે તેમની સ્ત્રીએ કૃષ્ણને સન્માનીને એમની આગળ બેસીને ભાવવિભોર દશામાં એમને કેળાંની છાલ આપી તે છાલને કૃષ્ણ ખાતા રહ્યા. વિદુરે પાછળથી ઘરમાં આવ્યા પછી એ દૃશ્ય દેખીને સ્ત્રીને ઠપકો આપ્યો ત્યારે એ ભાવજગતમાંથી જાગીને વાસ્તવિક વાતને સમજી શકી.

કૃષ્ણ તો પ્રેમથી સમર્પાયેલી એની છાલનો આસ્વાદ અનુભવીને એની પ્રશંસા કરતા હતા. એ પ્રેમને જ અગત્ય આપતા હતા. એ કથા મહાભારતમાં નથી મળતી.

એવી કેટલીય કથાઓ અથવા ઉપકથાઓ પાછળથી પ્રવાહિત થઇ હોય એ બનવા જોગ છે. છતાં પણ એનો મુખ્ય ધ્વનિ, મધ્યવર્તી ભાવ કે વિચાર એ જ છે કે ભગવાન ભક્તના ભાવને જ પ્રાધાન્ય પ્રદાન કરે છે અને એથી પ્રસન્ન બને છે. છેવટે તો ભાવ જ ફળે છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.