Text Size

Yog Sutra

Samadhi Pada : Verse 06 - 10

०६. प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः ।
6. pramana viparyaya vikalpa nidra smritayah

વૃત્તિઓ પાંચ છેઃ ૧) પ્રમાણ  ૨) વિપર્યય  ૩) વિકલ્પ  ૪) નિદ્રા અને ૫) સ્મૃતિ.

*

०७. प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ।
7. pratyaksha anumana agamah pramanani

પ્રમાણ અથવા પ્રમાણવૃત્તિના ત્રણ ભેદ છેઃ પ્રત્યક્ષ, અનુમાન અને આગમ.

૧) પ્રત્યક્ષ પ્રમાણ : આ જગતમાં મન, બુદ્ધિ ને ઇન્દ્રિયોથી જાણી શકાય તેવા પદાર્થો છે, તેમનું ઇન્દ્રિયો ને અંતઃકરણ સાથે સંબંધ થવાથી જે ભ્રાંતિ કે શંકા વિનાનું જ્ઞાન થાય છે, તેને પ્રત્યક્ષ અનુભવવાળી પ્રમાણવૃત્તિ કહેવામાં આવે છે.

૨) અનુમાન પ્રમાણ : કોઇ પ્રત્યક્ષ વસ્તુને જોઇને અથવા કોઇ પ્રત્યક્ષ વસ્તુની મદદથી બીજા અપ્રત્યક્ષ કે પરોક્ષ પદાર્થના સ્વરૂપનું જ્ઞાન થાય છે, તેને અનુમાનવાળી પ્રમાણવૃત્તિ કહેવામાં આવે છે. જેવી રીતે ધુમાડો જોઇને અગ્નિનું જ્ઞાન થવું કે ફોરમ પરથી ક્યાંક ફૂલ હશે તેમ લાગવું.

૩) આગમ પ્રમાણ : શાસ્ત્ર, સંત કે મહાપુરુષના વચનને આગમ કહેવામાં આવે છે. મનુષ્યના અંતઃકરણને ઇન્દ્રિયોથી પરના પદાર્થો જે અનુમાનથી પણ નક્કી થઇ શક્તા નથી, તેમનું જ્ઞાન શાસ્ત્ર કે મહાપુરુષોના વચનથી થઇ શકે છે. તેને આગમ પ્રમાણ કહેવામાં આવે છે.

આ ત્રણે પ્રમાણના ક્લિષ્ટ ને અક્લિષ્ટ કે સારા-નરસા બે ભેદ છે.

૧) જે પ્રત્યક્ષ દર્શનથી સંસારના પદાર્થોની અનિત્યતાનો નિશ્ચય થાય અથવા તે દુઃખદાયક છે એવું જ્ઞાન થાય, ને પરિણામે સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય, જે ચિત્તની વૃત્તિઓને રોકવામાં મદદ કરે, ને યોગની સાધનામાં શ્રદ્ધા તેમજ ઉત્સાહનો સંચાર કરે, તેનાથી થનારી પ્રમાણવૃત્તિ અક્લિષ્ટ અથવા સારી છે. તેથી ઊલટું, જે પ્રત્યક્ષ દર્શનથી સંસારના પદાર્થ નિત્ય ને સુખમય છે એમ લાગે, સંસારમાં આસક્તિ જાગે, ને પરિણામે જે પતનકારક થાય, તેનાથી થનારી પ્રમાણવૃત્તિને ક્લિષ્ટ કે ક્લેશવાળી કહેવામાં આવે છે.

૨) જે અનુમાનોથી સંસારની અનિત્યતા, દુઃખરૂપતા ને સંસારના દોષોનું જ્ઞાન થઇ સંસારમાં વૈરાગ્યબુદ્ધિ થાય, સાધનામાં શ્રદ્ધા વધે ને આત્મજ્ઞાનને મેળવવમાં મદદ મળે, તે અનુમાનવૃત્તિ અક્લિષ્ટ અથવા સારી કહેવાય ને તેથી ઊલટી વૃત્તિ ક્લિષ્ટ છે એમ કહી શકાય.

૩) જે આગમ પ્રમાણથી ભોગોમાં વૈરાગ્ય થાય ને સાધના માટે શ્રદ્ધા ને ઉત્સાહ વધે, તથા આત્મકલ્યાણની ઇચ્છા જાગે, તે અક્લિષ્ટ આગમવૃત્તિ કહેવાય, ને તેથી વિરુદ્ધની વૃત્તિ ક્લિષ્ટ કહેવાય.

*

०८. विपर्ययो मिथ्याज्ञानम् अतद्रूपप्रतिष्ठम् ।
8. viparyayah mithya jnanam atad rupa pratistham

0૮. કોઇ વસ્તુના મૂળ સ્વરૂપને ના સમજી તેને બીજી જ વસ્તુ સમજી લેવી, તેવું મિથ્યા જ્ઞાન વિપર્યય કહેવાય છે. અથવા તે વસ્તુના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત ના હોય તેવું મિથ્યા જ્ઞાન વિપર્યય કહેવાય છે.

તેવી વૃત્તિ પણ જો ભોગો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરનારી ને સાધનામાં પ્રેમ જગાડનારી હોય તો અક્લિષ્ટ, અને એમ ન હોય તો ક્લિષ્ટ કહેવાય છે.

*

०९. शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः ।
9. shabda jnana anupati vastu shunyah vikalpah

વાસ્તવમાં જેનું અસ્તિત્વ જ ના હોય તેવા પદાર્થની કેવલ શબ્દના આધાર પર કલ્પના કરવાવાળી જે ચિત્તની વૃત્તિ, તે વિકલ્પવૃત્તિ કહેવાય છે. અથવા જે જ્ઞાન શબ્દજનિત જ્ઞાનની સાથેસાથે થાય, પરન્તુ વસ્તુતઃ જેનો વિષય ના હોય, તે વિકલ્પ કહેવાય છે. તે પણ જો સાધનામાં પ્રેમ ને શ્રદ્ધા ઉત્પન્ન કરનારી ને ભોગો પ્રત્યે વૈરાગ્યબુદ્ધિ જગાવનારી હોય તો અક્લિષ્ટ, અને એમ ન હોય તો ક્લિષ્ટ કહેવાય છે.

*

१०. अभावप्रत्ययालम्बना वृत्तिर्निद्रा ।
10. abhava pratyaya alambana vruttir nidra

માણસને જે વખતે કોઇયે વિષયનું જ્ઞાન રહેતું નથી, ફક્ત જ્ઞાનના અભાવની જ પ્રતીતિ થાય છે, તે જ્ઞાનના અભાવનું જ્ઞાન જે ચિત્તવૃત્તિને આધારે રહે છે તે વૃત્તિ નિદ્રા કહેવાય છે.

નિદ્રા પણ ક્લિષ્ટ અને અક્લિષ્ટ - એમ બે જાતની હોય છે. જેને પરિણામે માણસના તન, મન અને અંતરમાં સાત્વિક ભાવ ભરાઇ જાય, આળસનો અંત આવે તથા સાધનામાં જે સહાયક થઇ પડે, તે નિદ્રા અક્લિષ્ટ છે. બીજી જાતની નિદ્રા ક્લિષ્ટ કહેવાય છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok