३६. विशोका वा ज्योतिष्मती ।
36. vishoka va jyotishmati
તે ઉપરાંત, સાધના કરતાં કરતાં સાધકને શોકરહિત પ્રકાશમય પ્રવૃત્તિનો અનુભવ થઇ જાય તો પણ મનને સ્થિર કરવામાં મોટી મદદ મળે છે.
*
३७. वीतरागविषयं वा चित्तम् ।
37. vita raga vishayam va chittam
રાગરહિત ચિત્ત પણ જલદી સ્થિર થઇ શકે છે. અથવા તો જેમના રાગદ્વેષ કાયમ માટે દૂર થઇ ગયા છે, એવા વિરક્ત મહાપુરુષોને ધ્યેય બનાવવાથી ને અભ્યાસ કરવાથી પણ ચિત્ત સ્થિર થઇ શકે છે.
*
३८. स्वप्ननिद्राज्ञानालम्बनं वा ।
38. svapna nidra jnana alambanam va
સ્વપ્ન ને નિદ્રાના જ્ઞાનનું અવલંબન કરનારું ચિત્ત પણ સ્થિર થઇ શકે છે.
સ્વપ્નમાં કેટલીકવાર ઇશ્વરદર્શન, કોઇ મહાપુરુષનાં દર્શન અથવા કોઇ મંત્ર કે જ્ઞાન મળવાનો અનુભવ થાય છે. તેને યાદ કરી, તેમાં મન લગાડીને સાધના કરવાથી પણ મન સ્થિર થાય છે. તે પ્રમાણે ગાઢ નિદ્રામાં ફક્ત ચિત્તની વૃત્તિઓના અભાવનું જ્ઞાન રહે છે. તેને નજરમાં રાખીને સાધના કરવાથી ચિત્ત સહેલાઇથી સ્થિર થાય છે.
*
३९. यथाभिमतध्यानाद् वा ।
39. yatha abhimata dhyanat va
અથવા પોતપોતાની માન્યતા ને રુચિ પ્રમાણે ધ્યાન કરવાથી પણ મન સ્થિર થઇ શકે છે. આ સૂત્રમાં વિશાળતા, ઉદારતા અને સર્વમત સમભાવનું દર્શન થાય છે.
*
४०. परमाणु परममहत्त्वान्तोऽस्य वशीकारः ।
40. parmaanu parama-mahattva antah asya vashikarah
ચિત્ત જ્યારે સ્થિર થવાના અભ્યાસમાં પાવરધું બની જાય, ત્યારે પરમાણુથી લઇને પરમ મહત્વ સુધીના સઘળા પદાર્થો તેને વશ થઇ જાય છે.
અભ્યાસ દ્વારા મન જ્યારે બરાબર સ્થિર થાય, ત્યારે સાધકનો પોતાના મન પર પૂરો અધિકાર થઇ જાય છે. ત્યારે તે પોતાના મનને સૂક્ષ્માતિસૂક્ષ્મ પદાર્થોથી માંડીને મોટામાં મોટા વિરાટ પદાર્થો સુધી ગમે ત્યાં સ્થિર કરી શકે છે.