Text Size

Yog Sutra

Samadhi Pada : Verse 46 - 51

४६. ता एव सबीजः समाधिः ।
46. tah eva sabijah samadhih

તે બધી જ સબીજ સમાધિ કહેવાય છે.

આ બધી સમાધિ સબીજ કહેવાય છે કેમ કે એમાં કોઇ ને કોઇ ધ્યેયપદાર્થને વિષય કરનારી ચિત્તવૃત્તિ બીજરૂપે કાયમ રહે છે. વૃત્તિઓનો પૂરેપૂરો નિરોધ ના થવાને લીધે આ બધી સમાધિમાં કૈવલ્યદશાની પ્રાપ્તિ નથી થતી.

*

४७. निर्विचारवैशारद्येऽध्यात्मप्रसादः ।
47. nirvichara vaisharadye adhyatma prasadah

નિર્વિચાર સમાધિના અભ્યાસથી ચિત્ત નિર્મળ થતાં યોગીને અધ્યાત્મપ્રસાદની પ્રાપ્તિ થાય છે. યોગીની બુદ્ધિ તદ્દન નિર્મળ બની જાય છે.

*

४८. र्तंभरा तत्र प्रज्ञा ।
48. ritambhara tatra prajna

એ વખતે યોગીની બુદ્ધિ ઋતંભરા થઇ જાય છે. ઋતંભરા એટલે સત્યપરાયણ : વસ્તુના સાચા સ્વરૂપને ગ્રહણ કરનારી.

*

४९. श्रुतानुमानप्रज्ञाभ्याम् अन्यविषया विशेषार्थत्वात् ।
49. shruta anumana prajnabhyam anya-vishaya vishesha-arthatvat

વેદ, શાસ્ત્ર તથા મહાપુરુષોનાં વચનોથી વસ્તુનું સામાન્ય જ્ઞાન થાય છે. તે દ્વારા મળેલી માહિતી કે બુદ્ધિ શ્રુતબુદ્ધિ કહેવાય છે. તે રીતે અનુમાન દ્વારા વસ્તુના સ્વરૂપના થનારા નિશ્ચયને અનુમાનબુદ્ધિ કહે છે. આ બંને કરતાં પ્રજ્ઞા વિલક્ષણ ને શ્રેષ્ઠ છે. કેમ કે પ્રજ્ઞાથી વસ્તુના સ્વરૂપનું સાંગોપાંગ, યથાર્થ ને પૂર્ણ જ્ઞાન થઇ જાય છે.

*

५०. तज्जः संस्कारो न्यसंस्कारप्रतिबन्धी ।
50. tajjah samskarah anya samskara paribandhi

એથી ઉત્પન્ન થનારા સંસ્કાર બીજા સંસ્કારોને દૂર કરી દે છે.

માણસ જે કાર્ય કરે છે કે અનુભવે છે તેના સંસ્કાર તેના અંતઃકરણમાં એકઠા થાય છે. તે કર્માશય કહેવાય છે. તેના નાશથી જ માણસને મુક્તિ મળી શકે છે. પ્રજ્ઞાની પ્રાપ્તિથી માણસને પ્રકૃતિના યથાર્થ રૂપનું જ્ઞાન થાય છે. તેથી પ્રકૃતિ ને તેના કાર્યોમાં તેને વૈરાગ્ય થાય છે. એ વૈરાગ્યના સંસ્કારથી પહેલાંના એકઠા થયેલા રાગદ્વેષમય સંસ્કારોનો નાશ થઇ જાય છે, ને યોગી મુક્તદશાની પાસે પહોંચી શકે છે.

*

५१. तस्यापि निरोधे सर्वनिरोधान् निर्बीजः समाधिः ।
51. tasya api nirodhe sarva nirodhat nirbijah samadhih

એનો પણ નિરોધ થવાથી, સર્વનો નિરોધ થવાને લીધે, નિર્બીજ સમાધિ થાય છે.

છેવટે, ઋતંભરા પ્રજ્ઞાથી ઉત્પન્ન થયેલા સંસ્કારોમાં પણ આસક્તિ ના રહેવાથી તેનો પણ નિરોધ થઇ જાય છે. તેનો નિરોધ થવાથી સર્વ સંસ્કારોનો નિરોધ આપોઆપ થઇ જાય છે. એટલે કર્માશય દૂર થાય છે. સંસારના બીજનો અભાવ થઇ જાય છે. તેથી તે દશાને નિર્બીજ સમાધિ કહે છે. કૈવલ્યદશા પણ તે જ છે.

 
॥ इति पतञ्जलि विरचिते योगसूत्रे प्रथमः समाधिपादः ॥

॥ સમાધિપાદ સમાપ્ત ॥

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok