०६. दृग्दर्शनशक्त्योरेकात्मतेवास्मिता ।
6. drig darshana shaktyoh ekatmata iva asmita
દૃક્ શક્તિ ને દર્શન શક્તિ એ બંનેની એકરૂપતાને અસ્મિતા કહે છે.
દૃક શક્તિ એટલે દૃષ્ટા પુરુષ ને દર્શનશક્તિ એટલે બુદ્ધિ. તે બંને અલગ અલગ છે. દૃષ્ટા ચેતન ને બુદ્ધિ જડ છે. પરંતુ અવિદ્યાને લીધે બંનેની એકતા થઇ હોય તેવું લાગે છે. તેને જ દૃષ્ટા ને દૃશ્યનો સંયોગ કહે છે. નિર્બીજ સમાધિ દ્વારા અવિદ્યાનો નાશ ના થાય, ત્યાં સુધી આ સંયોગ ચાલુ રહે છે. એથી એના શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી થઇ શકતો. માટે સાધકે સાધના દ્વારા અવિદ્યાને દૂર કરીને અસ્મિતાનો નાશ કરવાની જરૂર છે.
*
०७. सुखानुशयी रागः ।
7.sukha anushayi ragah
સુખના અનુભવની પાછળ રહેનારા ક્લેશને રાગ કહે છે.
જે પદાર્થમાં સુખની પ્રતીતિ થાય તેમાં ધીરેધીરે મમતા ને આસક્તિ થતી જાય છે. તે જ રાગ છે.
*
०८. दुःखानुशयी द्वेषः ।
8. dukha anushayi dvesha
દુઃખના અનુભવની પાછળ રહેનારા ક્લેશને દ્વેષ કહે છે.
જે પદાર્થ આપણે માટે દુઃખકારક થઇ પડે, તેમાં ધીરેધીરે દ્વેષબુદ્ધિ થવા માંડે છે.
*
०९. स्वरसवाही विदुषोऽपि तथारूढो भिनिवेशः ।
9. sva-rasa-vahi vidushah api tatha rudhah abhiniveshah
મૂઢ તથા વિવેકી કે જ્ઞાની અથવા સાક્ષર કે નિરક્ષર પુરુષોમાં જે જોવામાં આવે છે તે મરણભયરૂપી ક્લેશ અભિનિવેશ કહેવાય છે. તે સ્વાભાવિક હોય તેમ લાંબા વખતથી ચાલ્યો આવે છે.
નાનામાં નાનાં પ્રાણીથી માંડીને મોટામાં મોટાં પ્રાણી જીવનને ચાહે છે ને મરણથી ડરે છે. મરણનો ભય જીવોના અંતરના ઊંડાણમાં પ્રવેશીને રહેલો છે. તેથી તે અભિનિવેશ કહેવાય છે.
*
१०. ते प्रतिप्रसवहेयाः सूक्ष्माः ।
10. te pratipasava heyah sukshmah
સૂક્ષ્મ કરવામાં આવેલા ક્લેશોનો નાશ સાધના દ્વારા ચિત્તનો પોતાના કારણમાં લય કરીને કરવો જોઇએ.
ક્રિયાયોગ કે ધ્યાનયોગથી ક્લેશો સૂક્ષ્મ કે તનુ થઇ શકે છે. તેનો જે સૂક્ષ્માંશ બાકી રહ્યો હોય, તેનો નાશ દૃષ્ટા ને દૃશ્યનો સંયોગ મટવાથી થઇ જાય છે. તે વિના ક્લેશોનો આત્યંતિક અથવા પૂરેપૂરો નાશ નથી થતો.