Text Size

Yog Sutra

Sadhan Pada : Verse 11 - 15

११. ध्यानहेयास्तद्वृत्तयः ।
11. dhyana heyah tat vrittayah

ક્લેશોની સ્થૂલ વૃત્તિઓનો નાશ ધ્યાનની મદદથી કરવો જોઇએ.

ક્રિયાયોગ દ્વારા જો ક્લેશોને સૂક્ષ્મ કર્યા ના હોય, તો ધ્યાન દ્વારા તેમને સૂક્ષ્મ કરીને તેમનો આત્યંતિક નાશ કરવાનો પ્રયાસ કરવો જોઇએ.

*

१२. क्लेशमूलः कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीयः ।
12. klesha-mula karma-ashaya drishta adrishta janma vedaniyah

ક્લેશમૂલક કર્મસંસ્કારોના સમૂહનો ભોગ દૃષ્ટ અને અદૃષ્ટ એટલે કે ચાલુ તેમજ ભવિષ્યમાં થનારા બંને પ્રકારના જન્મોમાં કરવો પડે છે.

ઉપર જેમનું વર્ણન થઇ ગયું છે તે પાંચ ક્લેશ કર્મોના સંસ્કારોના મૂળ જેવાં છે. ક્લેશ દૂર થયા પછી જે કર્મો થાય છે તે અહંકાર ને આસક્તિ વિના થતા હોવાથી બંધનકારક થતાં નથી. તેમનો કર્માશય બનતો નથી. કર્માશય વર્તમાન તેમજ ભવિષ્યકાળના જન્મોનું તથા જન્મોમાં પડનારાં દુઃખોનું કારણ છે. માટે તેનો નાશ કરવાની જરૂર છે.

*

१३. सति मूले तद्विपाको जात्यायुर्भोगाः ।
13. sati mule tat vipakah jati ayus bhogah

જ્યાં સુધી ક્લેશરૂપી મૂળ ચાલુ રહે છે ત્યાં સુધી કર્માશયના પરિણામરૂપે સારી કે નરસી યોનિમાં વારંવાર જન્મ થયા કરે છે. અમુક આયુષ્ય ભોગવીને પછી મૃત્યુને શરણે થવું પડે છે ને જીવનમાં પરિણામે દુઃખકારક એવા ભોગ ભોગવવા પડે છે. એ પ્રમાણે કર્માશયનું પરિણામ ત્રણ પ્રકારનું હોય છેઃ- પુનર્જન્મ, આયુ ને ભોગ.

*

१४. ते ह्लादपरितापफलाः पुण्यापुण्यहेतुत्वात् ।
14. te hlada-paritapa-phalah punya apunya hetutvat

તે ત્રણે (જન્મ, આયુ ને ભોગ) પોતપોતના કારણ પ્રમાણે હર્ષ ને શોકરૂપી ફલ આપનારાં સાબિત થાય છે, કેમ કે પુણ્યકર્મ ને પાપકર્મ બંને તેમનાં કારણ છે.

જે જન્મ પુણ્યકર્મના પરિણામે પ્રાપ્ત થાય છે તે સુખદાયક ને જે પાપકર્મના પરિણામે પ્રાપ્ત થાય તે દુઃખદાયક હોય છે. તે પ્રમાણે આયુષ્યનો જેટલો કાળ શુભકર્મના પરિણામરૂપે હોય તેટલો સુખદાયક ને જેટલો પાપકર્મના પરિણામરૂપે હોય તેટલો દુઃખદાયક થાય છે. તે જ પ્રમાણે જે જે ભોગ, એટલે કે મનુષ્ય, પ્રાણી, પદાર્થ, ક્રિયા ને પરિસ્થિતિના સંયોગ-વિયોગ પુણ્યકર્મના પરિણામે પ્રાપ્ત થાય છે તે આનંદકારક ને જે પાપકર્મના પરિણામે પ્રાપ્ત થાય છે તે શોકકારક થઇ પડે છે. આનો અર્થ એવો નથી કે દુઃખદાયક ફળ દેનારા કર્માશયનો જ નાશ કરવો ને સુખકારક કર્માશય કાયમ રહેવા દેવા. બંને પ્રકારના કર્માશય દુઃખમય હોઇ નાશ કરવા યોગ્ય છે. તે વાત આગળ પર કહી છે.

*

१५. परिणामतापसंस्कारदुःखैर्गुणवृत्तिविरोधाच् च दुःखम् एव सर्वं विवेकिनः ।
15. parinama tapa samskara duhkhaih guna vrittih virodhat cha duhkham eva sarvam vivekinah

પરિણામ દુઃખ, તાપદુઃખ ને સંસ્કારદુઃખ એ ત્રણ જાતના દુઃખ બધામાં રહેલાં છે. તેમજ ત્રણ ગુણોની વૃત્તિઓમાં પરસ્પર વિરોધ રહેલો છે. તેથી વિવેકીને માટે બધી જાતના કર્મફળ દુઃખમય જ છે.

૧) પરિણામદુઃખ - જે કર્મફળ ભોગકાળમાં, શરૂઆતમાં સુખમય દેખાય છે, તેનું પરિણામ પણ છેવટે તો દુઃખ જ છે. જેમકે શરીરસુખ માણતી વખતે સ્ત્રી તેમજ પુરુષને સુખ લાગે છે, પણ પરિણામે તે દુઃખદ દેખાય છે. કારણકે તેથી બલ, વીર્ય, યૌવન ને સ્મરણશક્તિ વગેરેનો નાશ થતો જાય છે. તે જ વાત શરૂઆતમાં સુખકારક એવા બીજા ભોગોને પણ લાગુ પડે છે. ગીતામાં પણ આ વાત આવી જાય છે.

ભોગોને ભોગવવાથી છેવટે માણસ નિર્બળ બની જાય છે. છેવટે ભોગોને ભોગવવવાની શક્તિ પણ તેનામાં નથી રહેતી. છતાં તેની તૃષ્ણા ચાલુ જ રહે છે. તેથી તે દુઃખકારક થઇ પડે છે. તે ઉપરાંત, કાં તો ભોગ માણસનો ત્યાગ કરે કે પછી માણસ ભોગ ને મુકીને આ સંસારમાંથી ચાલતો થાયઃ એ બે માંથી કોઇ એક પરિણામ જરૂર આવે છે. તે દુઃખદાયક જ થઇ પડે છે.

કોઇપણ ભોગ સુખમય લાગતાં માણસને તેમાં આસક્તિ થાય છે. તેથી તે સુખ રાગ નામે ક્લેશથી મિશ્રિત હોય છે. ભોગને મેળવવા માટે માણસ પુણ્ય કે પાપ અથવા સારા નરસા કર્મો પણ કરે છે. પ્રયાસ કરવા છતાં ભોગની પ્રાપ્તિમાં સફળ ના થવાય ત્યારે, અથવા પ્રતિકૂળ પરિસ્થિતિની પ્રાપ્તિ થતાં, દ્વેષ પણ થાય છે. કોઇને નુકસાન કરવાનું મન થાય છે. એ રીતે રાગ, દ્વેષ, હિંસા જેવી વૃત્તિના શિકાર થવું પડે છે. આ બધું પરિણામ દુઃખ કહેવાય છે.

૨) તાપદુઃખ - ભોગ પરિપૂર્ણપણે પ્રાપ્ત થયા ના હોય તે દશામાં સંતાપ થયા કરે છે. બીજા વધારે ભોગી ને સુખી માણસોને જોઇને પણ દુઃખ, તૃષ્ણા ને ઇર્ષાનો અગ્નિ જલ્યા કરે છે. ભોગ કે સુખ છેવટે તો નાશવંત છે એવી સમજને લીધે પણ, તેના ભાવિ વિયોગની કલ્પનાથી પણ માણસને શોક થાય છે. એ બધું તાપદુઃખ છે.

૩) સંસ્કારદુઃખ - માણસ જે ભોગો ભોગવે છે, તેના સંસ્કાર તેના મનમાં જામી જાય છે. જ્યારે ભોગ્ય પદાર્થથી તેનો વિયોગ થાય છે, ત્યારે પહેલાંનાં સુખદુઃખને યાદ કરીને તે દુઃખી થાય છે. એ રીતે એ સંસ્કારો સ્મરણ કરવાથી મહાન શોકનું કારણ થઇ પડે છે. સ્ત્રી, પુત્ર, ધન, સ્વજન ને ઘરબાર સૌના સંબંધમાં આવું છે. તે ઉપરાંત ભોગોના સંસ્કાર ભોગોમાં આસક્તિ ઉત્પન્ન કરનારા થઇ પડે છે. માટે લાંબે ગાળે દુઃખદાયક થઇ પડે છે.

૪) ગુણવૃત્તિવિરોધ - ગુણોના કાર્યને ગુણવૃત્તિ કહે છે. તેમાં પરસ્પર વિરોધ રહેલો છે. દાખલા તરીકે, સત્વગુણનું કાર્ય, પ્રકાશ, જ્ઞાન ને સુખ છે, તો તમોગુણનું કાર્ય અંધકાર, અજ્ઞાન ને દુઃખ છે. એને લીધે સુખના સમયમાં પણ શાંતિ રહેતી નથી. સત્વગુણની વિશેષતઃ હોય ત્યારે પણ રજોગુણ ને તમોગુણનો છેક અભાવ નથી હોતો. તેથી તે વખતે પણ દુઃખ ને શોક કાયમ રહે છે. તે ગુણનું કાર્ય પણ સંપૂર્ણ સુખરૂપ નથી થતું.

એટલે વિવેકી પુરુષની દૃષ્ટિએ બધી પ્રકારના કર્મવિપાક દુઃખમય જ છે. ભોગ પણ શરૂઆતમાં સુખમય દેખાય તોપણ, છેવટે દુઃખમય જ છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok