Text Size

Yog Sutra

Sadhan Pada : Verse 16 - 20

१६. हेयं दुःखम् अनागतम् ।
16. heyam duhkham anagatam

જે દુઃખ ભોગવાઇ ગયા છે, તે તો મટી ગયાં છે; જે વર્તમાન છે, તે પણ ભોગવવાથી મટી જશે. પણ જે દુઃખ હજી સુધી આવ્યા નથી, પણ ભવિષ્યમાં આવનારાં છે, તેમનો નાશ કરવાનો ઉપાય જરૂર કરવો જોઇએ. ભવિષ્યમાં આવનારાં દુઃખ હોય એટલે નષ્ટ કરવા યોગ્ય છે.

*

१७. द्रष्टृदृश्ययोः संयोगो हेयहेतुः ।
17. drashtri drishyayoh samyogah heya hetuh

દૃષ્ટા ને દૃશ્યનો સંયોગ હેયનું કારણ છે.

દૃષ્ટા ને દૃશ્ય અથવા પુરુષ ને પ્રકૃતિના સંયોગનો નાશ કરી દેવાથી માણસ સઘળા દુઃખોથી મુક્તિ મેળવી શકે છે. તુલસીદાસે રામાયણમાં જડ ને ચેતનની ગ્રંથિ પડી એમ જે કહ્યું છે તે તેને માટે જ કહ્યું છે.

*

१८. प्रकाशक्रियास्थितिशीलं भूतेन्द्रियात्मकं भोगापवर्गार्थं दृश्यम् ।
18. prakasha kriya sthiti shilam bhuta indriya atmakam bhoga apavarga artham drishyam

દૃશ્ય કેવું છે ?

પ્રકાશ, ક્રિયા ને સ્થિતિ તેનો સ્વભાવ છે, ભૂત તથા ઇન્દ્રિયો તેનું પ્રકટ સ્વરૂપ છે, ને પુરુષને માટે ભોગ ને મુક્તિની પ્રાપ્તિ તેનો ઉદ્દેશ છે.

સત્વગુણ, રજોગુણ ને તમોગુણ એ ત્રણ ગુણ ને તેમનું કાર્ય દૃશ્યની અંદર સમાઇ જાય છે. સત્વગુણનો મુખ્ય ધર્મ પ્રકાશ, રજોગુણનો મુખ્ય ધર્મ ક્રિયા ને તમોગુણનો મુખ્ય ધર્મ સ્થિતિ કે જડતા છે. એ ત્રણે ગુણની સભ્યાવસ્થાને જ પ્રકૃતિ કહેવામાં આવે છે. એટલે બધી દશામાં રહેલો પ્રકૃતિના ત્રણે ગુણોનો જે પ્રકાશ, ક્રિયા ને સ્થિતિરૂપ સ્વભાવ તે જ દૃશ્યનો સ્વભાવ છે.

પંચમહાભૂત, પાંચ તન્માત્રા, પાંચ કર્મેન્દ્રિયો તથા મન, બુદ્ધિ ને અહંકાર પ્રકૃતિના કાર્યરૂપ હોવાથી દૃશ્યનું સ્વરૂપ છે.

તે દૃશ્યનો ઉદ્દેશ શો છે ? ભોગ ને મોક્ષ. ભોગીને પોતાની અંદર આસક્ત કરીને ભોગનો સ્વાદ ચખાડવો ને યોગીને દૃષ્ટાનું દર્શન કરાવીને મુક્તિનું દાન દેવું એ તેનો ઉદ્દેશ છે. સ્વરૂપનું દર્શન થયાં પછી તેનો ઉદ્દેશ પૂરો થાય છે.

*

१९. विशेषाविशेषलिङ्गमात्रालिङ्गानि गुणपर्वाणि ।
19. vishesha avishesha linga-matra alingani guna parvani

ગુણોના ભેદ કે ગુણોની અવસ્થા ચાર છે - વિશેષ, અવિશેષ, લિંગમાત્ર ને અલિંગ.

૧) પંચ મહાભૂત (પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ ને આકાશ), પાંચ ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો ને મન એ સોળ વસ્તુને વિશેષ કહેવામાં આવે છે. ગુણોના વિશેષ ધર્મોની અભિવ્યક્તિ તેથી જ થાય છે.

૨) પાંચ તન્માત્રા એટલે સૂક્ષ્મ મહાભૂત (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ ને છઠ્ઠો અહંકાર), તે સૌ મળીને અવિશેષ કહેવાય છે. તેમનું સ્વરૂપ ઇન્દ્રિયગોચર નથી માટે પણ તે અવિશેષ કહેવાય છે.

૩) ઉપર કહેલા બાવીસ તત્વોનું કારણ જે મહાતત્વ છે, તે લિંગમાત્ર કહેવાય છે. ગીતામાતાએ તેને બુદ્ધિનું નામ પણ આપેલું છે.

૪) જેને ત્રણે ગુણોની સભ્યાવસ્થા માની છે તે મૂળ પ્રકૃતિ અલિંગ છે. મહત્તત્વ તેનું પ્રથમ પરિણામ કે કાર્ય છે. ગીતામાતાએ તેને અવ્યક્ત નામ આપેલું છે. સભ્યાવસ્થાને પામેલા ગુણોના સ્વરૂપની અભિવ્યક્તિ નથી થતી, તેથી પ્રકૃતિને અલિંગ-નિશાનીરહિત કે અવ્યક્ત પણ કહે છે.

ચાર અવસ્થામાં રહેનારા આ સત્વાદિ ગુણ જ દૃશ્ય કહેવાય છે.

*

२०. द्रष्टा दृशिमात्रः शुद्धोऽपि प्रत्ययानुपश्यः ।
20. drashta drishi matrah suddhah api pratyaya anupashyah

દૃષ્ટા આત્મા ચિન્મય ને સ્વભાવથી સંપૂર્ણપણે શુદ્ધ છે. છતાં પણ બુદ્ધિના સંબંધથી તે બુદ્ધિને અનુકૂળ થઇને જુએ છે. તેથી જ તે દૃષ્ટા કહેવાય છે.

દૃષ્ટા પુરુષ સંપૂર્ણપણે શુદ્ધ, નિર્વિકાર ને નિર્ગુણ છે. પરંતુ અવિદ્યાને લીધે તેનો પ્રકૃતિની સાથે સંબંધ થયેલો છે. તેથી તે પોતાના મૂળ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઇ શકતો નથી, ને ઊલટું, બુદ્ધિ સાથે એકરૂપ થઇને બુદ્ધિ ચલાવે તેમ ચાલે છે; બુદ્ધિની વૃત્તિઓને જુએ છે. એટલે જ તે દૃષ્ટા કહેવાય છે. પ્રકૃતિના પાશમાંથી મુક્તિ મેળવે પછી તે દૃષ્ટા મટી જાય છે. કેવલ ચેતનમાત્ર ને વિશુદ્ધ બની રહે છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok