Text Size

Yog Sutra

Sadhan Pada : Verse 31 - 35

३१. जातिदेशकालसमयानवच्छिन्नाः सार्वभौमा महाव्रतम् ।
31. jati desha kala samaya anavachchhinnah sarva-bhaumah maha-vratam

તે યમનું પાલન જો જાતિ, દેશ, કાળ ને નિમિત્તનો વિકલ્પ રાખ્યા વિના, બધે વખતે ને બધે સ્થળે કરવામાં આવે, તો તે મહાવ્રત થઇ જાય છે.

કોઇ માણસ નિયમ લે કે શ્રીમંતોને ત્યાં ચોરી કરીશ, ગરીબોના ઘરમાં નહિ કરું, તો તે જાતિ-અવચ્છિન્ન અસ્તેય કહેવાય. તે પ્રમાણે યાત્રાનાં ધામ કે દેવમંદિરોમાં જ ચોરી ના કરવાનો નિયમ લેવામાં આવે, તો તે દેશ-અવચ્છિન્ન અસ્તેય કહેવાય. કોઇ પર્વદિવસે કે દિવસ કે રાતના અમુક સમયે ચોરી ના કરવાનો નિયમ કાલાવચ્ચિન્ન અસ્તેય કહેવાય. કોઇ કારણ કે નિમિત્તથી ચોરી કરવામાં આવે, ને નિમિત્ત પૂરું થતાં ચોરી ના કરાય, તો તે સમયાવચ્છિન્ન અસ્તેય કહેવાય છે. કોઇપણ પ્રકારના ભેદભાવ વિના, બધા જીવોની સાથે, બધા જ સ્થળે ને સમયે, યમનું પાલન કરવામાં આવે, ને કોઇ કારણે તેમાં સ્ખલન ના થાય તેનું ધ્યાન રાખવામાં આવે, તો તે મહાવ્રતને નામે ઓળખાય છે.

*

३२. शौचसंतोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ।
32. shaucha santosha tapah svadhyaya ishvarapranidhana niyamah

શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઇશ્વરની ભક્તિ અથવા શરણાગતિ નિયમ કહેવાય છે.

*

३३. वितर्कबाधने प्रतिपक्षभावनम् ।
33. vitarka badhane pratipaksha bhavanam

કોઇવાર કોઇ કારણથી મનમાં વિરોધી વિચાર ઉત્પન્ન થાય, ને હિંસા તથા અસત્ય વગેરેમાં પ્રવૃત્ત થઇને યમનિયમનો ત્યાગ કરવાનું મન થાય, ત્યારે પોતાની સલામતીને માટે તેવા વિચારોના દોષનો વારંવાર વિચાર કરવો ને તેમને દૂર કરવા માટે બીજા બળવાન સારા વિચારો ઉત્પન્ન કરવા.

*

३४. वितर्का हिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वका मृदुमध्याधिमात्रा दुःखाज्ञानानन्तफला इति प्रतिपक्षभावनम् ।
34. vitarkah hinsadayah krita karita anumoditah lobha krodha moha purvakah mridu madhya adhimatrah dukha ajnana ananta fala iti pratipaksha bhavanam

યમ ને નિયમથી જે વિરુદ્ધ છે, તે વિતર્ક કહેવાય છે. જેમ કે હિંસાદિ. તેના ત્રણ પ્રકાર છેઃ

૧) પોતાની મેળે કરેલા
ર) બીજાના કહેવાથી કે કરાવવાથી કરેલા, ને
3) કોઇના ટેકાથી કરેલા.

તે વિતર્ક કે દોષ કોઇવાર લોભને લીધે, કોઇવાર સાધારણ સ્વરૂપમાં, કોઇવાર મધ્યમ સ્વરૂપમાં, તો કોઇવાર અસાધારણ કે ભયંકર સ્વરૂપે, તે સાધકની સામે પ્રકટ થાય છે. તે વખતે સાધકે સાવધાન થઇને વિચાર કરતાં ને પોતાની જાતને સંભાળી લેતાં શીખવું જોઇએ. કેમ કે તે સર્વ પ્રકારે દુઃખદાયક ને અજ્ઞાનથી અંધ કરીને અનેક જાતની કષ્ટકારક યોનિઓમાં ભટકાવનાર છે. એ પ્રમાણે વારંવાર વિચાર કરતાં રહેવું તેને પ્રતિપક્ષીય ભાવના કહે છે.

*

३५. अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः ।
35. ahimsa pratishthayam tat sannidhau vaira-tyagah

અહિંસામાં સંપૂર્ણપણે પ્રતિષ્ઠિત થવાથી અથવા તો પૂર્ણ અહિંસાની મૂર્તિ બનવાથી, માણસની પાસેનાં કે આજુબાજુનાં બધાં પ્રાણી પણ વેરભાવનો ત્યાગ કરી દે છે તેવા મહાપુરુષની અંદર તો કોઇ જાતનો વેરભાવ ટકતો જ નથી.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok