४६. स्थिरसुखम् आसनम् ।
46. sthira sukham asanam
સ્થિરતાથી, વિશેષ હલનચલન વિના, સુખપૂર્વક બેસવું તેને આસન કહે છે.
સાધક પોતાની પસંદગી પ્રમાણે બેસવા માટે કોઇપણ પ્રકારની પદ્ધતિનો આધાર લઇ શકે છે. તે બાબત કોઇ દુરાગ્રહ નથી, ને ના હોઇ શકે.
*
४७. प्रयत्नशैथिल्यानन्तसमापत्तिभ्याम् ।
47. prayatna shaithilya ananta samapattibhyam
શરીરને સ્થિર રાખીને સુખપૂર્વક બેઠા પછી શરીર સાથે સંબંધ ધરાવતી બધી ક્રિયાઓનો ત્યાગ કરી દેવો. તેને પ્રયત્નની શિથિલતા કહે છે. તે ઉપરાંત, શરીરને સ્થિર રાખવા માટે અહંભાવથી પ્રેરાઇને બળજબરીથી કરાતો પ્રયાસ પણ નકામો છે. તેનો ત્યાગ કરવો જોઇએ. તેને પણ પ્રયત્નની શિથિલતા કહી શકાય. તેનાથી આસનની સિદ્ધિ થઇ જાય છે. અનંત પરમાત્મામાં મનને જોડી દેવાનો પ્રામાણિક પ્રયત્ન કરવાથી પણ તે જ પ્રમાણે, આસનસિદ્ધિ સહજ બને છે.
*
४८. ततो द्वन्द्वानभिघातः ।
48. tatah dvandva anabhighata
આસનની સિદ્ધિ થવાથી સાધકના શરીર પર દ્વંદ્વોનો પ્રભાવ નથી પડતો.
ટાઢ, તાપ જેવા દ્વંદ્વોને સહન કરવાની શક્તિ સાધકની અંદર આવી જાય છે. દ્વંદ્વો તેના ચિત્તને ચંચલ કરીને સાધનામાં નડતરરૂપ થતાં નથી.
*
४९. तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः ।
49. tasmin sati shvasa prashvsayoh gati vichchhedah pranayamah
પ્રાણવાયુ શરીરમાં પ્રવેશે તે શ્વાસ ને શરીરમાંથી બહાર નીકળે તે પ્રશ્વાસ કહેવાય છે. તે બંને પ્રકારની ક્રિયા અટકી જાય તેને પ્રાણાયામ કહેવામાં આવે છે. આસનની સિદ્ધિ થયા બાદ એ થઇ શકે છે.
*
५०. बाह्याभ्यन्तरस्तम्भवृत्तिः देशकालसंख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मः ।
50. bahya abhyantara stambha vrittih desha kala sankhyabhih paridrishtah dirgha sukshmah
તે પ્રાણાયામ બાહ્યવૃત્તિ, આભ્યંતર વૃત્તિ ને સ્તંભવૃત્તિ એમ ત્રણ પ્રકારનો હોય છે. તથા તે દેશ, કાળ ને સંખ્યાથી જોઇ શકાય છે. તથા દીર્ઘ ને સૂક્ષ્મ થઇ શકે છે.
આ ત્રણ પ્રકારના પ્રાણાયામને પૂરક, રેચક ને કુંભક પણ કહે છે.
૧) બાહ્યવૃત્તિ અથવા રેચક - પ્રાણવાયુને શરીરની બહાર કાઢીને જેટલા વખત સુધી સુખપૂર્વક રોકી શકાય તેટલા વખત સુધી બહાર રોકી રાખવો, તેને રેચક પ્રાણાયામ કહે છે. તે બહાર ક્યાં, કેટલા વખત સુધી પ્રાણની સહજ ગતિની કેટલી સંખ્યા સુધી રોકાયેલો રહે છે તે જાણી શકાય છે. અભ્યાસ વધવાથી તે લાંબા વખત લગી કરી શકાય છે, ને સૂક્ષ્મ ને સહજ પણ થઇ શકે છે.
ર) આભ્યંતર વૃત્તિ અથવા પૂરક - પ્રાણવાયુને અંદર લઇ જઇને સુખપૂર્વક રોકી શકાય તેટલો વખત રોકી રાખવો તેને પૂરક કહે છે. અંદરના પ્રદેશમાં ક્યાં, કેટલા વખત સુધી તે રોકાય છે તે જાણી શકાય છે. અભ્યાસ વધવાથી તે દીર્ઘ કાળ સુધી ટકનારો તથા સહજ બની શકે છે.
3) સ્તંભવૃત્તિ અથવા કુંભક - પ્રાણવાયુને બહાર કાઢવાનો કે અંદર લઇ જવાનો પ્રયાસ બંધ કરીને, જે દશામાં ને જ્યાં હોય ત્યાં ને તે જ દશામાં તેની ગતિ રોકી દેવી તેને કુંભક કહે છે. તે વખતે પણ પ્રાણ ક્યાં, કેટલા સમય સુધી ને પ્રાણની સ્વાભાવિક ગતિની કેટલી સંખ્યા સુધી રોકાય છે તે જાણી શકાય છે. અભ્યાસના પ્રભાવથી તે પણ દીર્ઘ કાળ સુધી ટકનારો ને સહજ બને છે.
પ્રાણાયામ સાથે મંત્રજપ કરવાનું વિધાન શાસ્ત્રીય ને સામાન્ય તથા સર્વસ્વીકૃત જેવું છે.