Pranayama (પ્રાણાયામ)
પતંજલિના યોગસૂત્રમાં અષ્ટાંગયોગની વ્યાખ્યામાં દર્શાવ્યા મુજબ યમ, નિયમ, અને આસન પછી ચોથું અંગ પ્રાણાયામ છે. સરળ શબ્દોમાં કહીએ તો શ્વાસ અને પ્રશ્વાસ પર નિયંત્રણ એટલે પ્રાણાયામ. પ્રાણ પર કાબુ મેળવવા માટે પ્રાણાયામ કરવામાં આવે છે. યોગની સાધનામાં પ્રાણને સૌથી અગત્યનો માનવામાં આવેલો છે. એથી પ્રાણાયામને યોગનો આત્મા કહેવામાં આવે છે.
પ્રાણાયામની ક્રિયાને સમજવા આ ત્રણ શબ્દોને સમજવા જરૂરી છે -
પૂરક - શ્વાસ અંદર ભરવો
કુંભક - શ્વાસને અંદર (આંતર કુંભક) કે બહાર (બાહ્ય કુંભક) રોકવો
રેચક - શ્વાસને બહાર છોડવો.
તે ઉપરાંત નાસિકાના બે છિદ્રો જેની વાટે શ્વાસ લેવા અને કાઢવાની ક્રિયા થાય છે
ઈડા - ડાબી નાસિકા અથવા ચંદ્ર નાડી
પિંગલા - જમણી નાસિકા અથવા સૂર્ય નાડી
પ્રાણાયામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવા બાબતો જોઈ જઈએ.
- પ્રાતઃકાલ, સાયંકાલ તથા મધ્યરાત્રિના સમયે પ્રાણાયામ કરી શકાય. શૌચાદિથી નિવૃત થયા પછી અને ખાલી પેટે જ પ્રાણાયામ કરવા જોઈએ.
- જ્યાં પવન સતત જોરથી ફૂંકાતો હોય એવા સ્થાને પ્રાણાયામ ન કરવા. કારણ કે તેથી પ્રસ્વેદ દ્વારા વિષદ્રવ્યો બહાર નીકળવામાં અવરોધ થાય છે. પ્રાણાયામ વખતે થતા પરસેવાને સ્વચ્છ વસ્ત્રથી લૂછી નાખવો જોઈએ. તેલમર્દન કર્યા પછી પ્રાણાયામ કરવા હિતાવહ નથી.
- ષટ્ ક્રિયાઓ દ્વારા નાડીશુદ્ધિ થયા પછી પ્રાણાયામનો અભ્યાસ કરવો. પ્રાણાયામના અભ્યાસીએ યુક્ત આહાર-વિહાર કરવો તથા બ્રહ્મચર્યનું પાલન કરવું તથા દુર્વ્યસનોથી દૂર રહેવું.
- જો ચંદ્રનાડીથી વારંવાર શ્વાસ લેવામાં આવે તો શીતળતા અને સૂર્યનાડીથી વારંવાર શ્વાસ લેવામાં આવે તો ઉષ્ણતા વધે છે. એથી શરીરની પ્રકૃતિ (વાત, પિત્ત અને કફ) તથા બહારની ઋતુ (હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ) ને અનૂકુળ હોય તેવા પ્રાણાયામ કરવા.
- પ્રાણાયામના સાધકે વાયુને યોગ્ય પ્રમાણમાં ભરવો (પૂરક ક્રિયા), શક્તિ હોય એટલો જ રોકવો (કુંભક ક્રિયા) અને ધીમે ધીમે છોડવો (રેચક ક્રિયા) જોઈએ. બળજબરી કરી કે ઉતાવળથી પ્રાણનો કાબૂ મેળવનાર અભ્યાસીને શારીરિક અને માનસિક હાનિ થવાનો પૂર્ણ સંભવ છે.
આટલું સમજ્યા પછી હવે આપણે મુખ્ય મુખ્ય પ્રાણાયામ વિશે માહિતી મેળવીશું.