Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : કાશીમાં મરણથી મુક્તિ થાય છે એ શાસ્ત્રવચનમાં તમે માનો છો ?
ઉત્તર : માનું છું. પરંતુ એને એકલા શબ્દાર્થમાં નહિ, પણ ભાવાર્થ સાથે સ્વીકારવામાં માનું છું.

પ્રશ્ન : ભાવાર્થ સાથે સ્વીકારવામાં માનો છો એટલે ? તમને આ શાસ્ત્ર વચનમાં શ્રદ્ધા નથી એમ ?
ઉત્તર : શ્રદ્ધા ના હોય એવું તો બને જ કેવી રીતે ? ખરી રીતે જોતાં તો એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન છે શાસ્ત્ર વચનનો વાચ્યાર્થ નહિ પરંતુ ભાવાર્થ લેવાનો. દર વરસે ને પ્રત્યેક દિવસે કાશીમાં કેટલાંય જીવો જન્મે છે ને કેટલાંય જીવો મરે છે. તે બધાનું મરણ કાશીમાં થાય છે એટલા માટે જ તેમને મુક્તિ મળે છે, એમ માનવું ભૂલભરેલું છે. કાશી નગરીમાં રહીને કેવળ મરણ પામવાથી કોઈને મુક્તિ ન મળી શકે. કાશીમાં રહેનારા મનુષ્યો ને બધા જ મનુષ્યો કાંઈ ધર્માત્મા નથી હોતા. તે બધા ઈશ્વરપરાયણ જીવન પણ નથી જીવતા. તેમનામાં અહંતા, મમતા, રાગદ્વેષ, આસક્તિ, કામના ને લાલસા બધું જ હોય છે. તેથી પ્રેરાઈને તે કેટલીક જાતનાં કુકર્મ પણ કરે છે. એવા કુકર્મ પરાયણ લોકો પણ જો કાશીમાં જ મરે તો તેમની મુક્તિ થાય ખરી ? મને નથી લાગતું કે તેમની મુક્તિ થઈ શકે, કેમ કે શાસ્ત્રો જ કહે છે કે જેનું ચારિત્ર્ય શુદ્ધ ન હોય, જે સદ્ ગુણી, સાત્વિક સ્વભાવનો ને ઈશ્વરપરાયણ ન હોય, અને અનીતિ, અન્યાય, અધર્મ કે કુકર્મમાંથી જેનું મન પાછું ના વળ્યું હોય, તેને કોઈ રીતે મુક્તિની પ્રાપ્તિ નથી થઈ શકતી. મુક્તિની પ્રાપ્તિ એ જીવનવિકાસનો એક સ્વાભાવિક ક્રમ છે, ને શુદ્ધ હૃદયના સાધકો જ એનો લાભ લઈ શકે છે. મુક્તિ કાંઈ એટલી બધી સસ્તી નથી કે કાશી જેવા કોઈ ધામમાં રહેવા કે મરવા માત્રથી જ મળી જાય. એવી ભ્રાંતિમાં ના રહેતા.

પ્રશ્ન : તો પછી કાશીમાં રહેવાથી મુક્તિ થાય છે એવું શા માટે કહેવામાં આવ્યું છે ?
ઉત્તર : મેં આગળ ઉપર કહ્યું છે તેમ એ કથનનો ભાવાર્થ લેવાનો છે. એ કથનને ભાવાર્થ સાથે સમજવાથી બધુ સ્પષ્ટતાપૂર્વક સમજાઈ જશે ને કોઈ શંકા નહીં રહે. જે જમાનામાં એ શાસ્ત્ર વચન લખાયું તે જમાનામાં કાશી આત્મજ્ઞાનનું મહાન કેન્દ્ર હતું. અધ્યાત્મવિદ્યાનો પ્રચાર ત્યાં પુષ્કળ પ્રમાણમાં હતો. તે ઉપરાંત, જુદી જુદી જાતના દિગ્ગજ મેઘાવી પ્રશાંત સંતપુરૂષો પણ ત્યાં આજના કરતાં વધારે પ્રમાણમાં વાસ કરતા, એટલે એમના સમાગમ તેમ જ સત્સંગનો સહેલાઈથી લાભ મળતો. એને પરિણામે ત્યાં રહેનારા લોકોના, અને ખાસ કરીને જિજ્ઞાસુજનોના જીવનમાં પરિવર્તન થતું. તેમને દેવદુર્લભ સત્સંગલાભ મળતો અને જ્ઞાનની પ્રાપ્તિ કરી જીવનને શુદ્ધ, પૂર્ણ, મુક્ત ને ઈશ્વરમય કરવા માટે તે તત્પર થતા. એવી રીતે તેમના જીવનમાં મૂળભૂત ક્રાંતિ થતી અને જીવનભર આત્મિક વિકાસ કરીને એવી ઉચ્ચ દશામાં મરણ થતાં તેમને માટે મુક્તિ સહજ થતી. એ વાતને આવી રીતે બુદ્ધિપૂર્વકની સહાનુભૂતિ સાથે સમજી શકાય છે. એવી રીતે જીવનને ઉચ્ચ બનાવવાથી આજે ને ભવિષ્યમાં પણ ગમે તેને કાશીમાં નહિ પણ બીજે ગમે ત્યાં રહેવા કે મરવાથી મુક્તિ મળી શકે છે. કાશીના પ્રેમીઓએ ફક્ત કાશીને માટે એવું લખ્યું છે એટલું જ.

પ્રશ્ન : સ્થાનના મહિમાને તમે નથી માનતા ?
ઉત્તર : માનું છું. સ્થાનનો પોતાનો મહિમા જરૂર હોય છે. તેનો ઈન્કાર કરી શકાય. પરંતુ ઉત્તમમાં ઉત્તમ સ્થાનમાં રહીને પણ જો માણસ કાંઈ જ ન કરે, અને આળસુ થઈને હાથ જોડીને બેસી રહે તો તેનો વિકાસ કેવી રીતે થઈ શકે ? તેનો ઉદ્ધાર પણ કેવી રીતે થઈ શકે ? તે મુક્તિ પણ કેવી રીતે મેળવી શકે ? માણસે ગમે ત્યાં રહીને પણ, ઓછેવત્તે અંશે આવશ્યક વિકાસ તો કરવો જ જોઈએ, તો જ કાંઈક મહત્વનું મળી શકે.