if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Duryodhan breath his last}

Duryodhan saw devastation of his vast army, so  he took his Gada and headed covertly towards a water reservoir to hide. His whereabouts did not remain secret for long. Some hunters overheard Duryodhan talking with Kripacharya, Aswatthama etc. at that place. They were the same hunters, who used to supply food to Bhim's kitchen. With knowledge about Duryodhan's hideout, Pandavas reached that place. Yudhisthir pushed Duryodhan with his words to come out of his hiding and accept the challenge for a fight. Duryodhan accepted the challenge on a condition that he would fight with any one of the Pandavas. A fight with Duryodhan was a long cherished dream of Bhimsen, so he readily accepted the challenge.

ominous signs marked the beginning of fight. A fierce battle ensued between Bhim and Duryodhan. The news of fight spread like wildfire. Balram, who imparted knowledge of Gada to both Bhim and Duryodhan, and who was considered as the master of Gadayudha, arrived at the scene. Duryodhan seemed invincible in the battlefield. Krishna knew that with fair means, it would be too difficult to defeat him. So he indicated Arjun, who in turn communicated the same to Bhim, to break Duryodhan’s thigh with Gada. Accordingly, Bhim attacked and broke Duryodhan’s thighs. In no time, Duryodhan breathed his last.

War leaves nothing behind but death and destruction. We have to strive to stop any kind of war. That's the moral of this story.

{/slide}

પોતાની સુવિશાળ સેનાનો સંપૂર્ણપણે સંહાર થયેલો જોઇને દુર્યોધન હાથમાં ગદા લઇને પાણીના એક વિશાળ ઊંડા ધરા તરફ પગપાળો ચાલી નીકળ્યો.

દુર્યોધને પોતાની માયાનો આશ્રય લઇને અતિવિશાળ જળાશયમાં પ્રવેશ કર્યો છે એવા સમાચાર સંજયને સાંપડયા. સંજય અને દુર્યોધન ત્યાં મળ્યા પણ ખરા.

સંજય દ્વારા એ માહિતી કૃપાચાર્યને, કૃતવર્માને અને અશ્વત્થામાને મળવાથી એ ત્રણે દુર્યોધનને મળ્યા.

દુર્યોધનનો અને એમનો વાર્તાલાપ કેટલાક પારધિઓએ સાંભળ્યો. એ પારધિઓ ભીમસેનને માંસ પહોંચાડવાનું કામ કરતા. એમને ભીમસેને દુર્યોધનની માહિતી મેળવવાનું કાર્ય પણ સોંપેલું.

એમણે ધનપ્રાપ્તિની લાલસાથી દુર્યોધનના જળાશયમાં સંતાયાના સમાચાર ભીમસેનને પહોંચાડી દીધા. ભીમસેન દ્વારા એ સમાચાર શ્રીકૃષ્ણને અને પાંડવોને પણ પહોંચી ગયા.

પાંડવો દુર્યોધનની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઇને દ્વૈપાયન હ્રદ નામના એ વિશાળ જળાશય પાસે પહોંચી ગયા.

યુધિષ્ઠિરે દુર્યોધનને વિવિધ વચનપ્રહારથી વિહવળ બનાવીને યુદ્ધ કરવા માટે જળાશયમાંથી બહાર આવવા બાધ્ય બનાવ્યો.

દુર્યોધનની માગણીને માન્ય રાખીને એને દ્વંદ્વયુદ્ધની તૈયારી રૂપે સોનાનું કવચ અને સોનાનો મુગટ આપવામાં આવ્યો.

દુર્યોધન જ્યારે સર્વ યુદ્ધસામગ્રીથી સજ્જ થયો ત્યારે તેણે હાથમાં ગદા લઇને પાંડવોને કહ્યું કે તમારામાંથી ગમે તે એક મારી સાથે ગદાયુદ્ધ કરો. હું સહદેવ, ભીમસેન, નકુલ, અર્જુન અથવા યુધિષ્ઠિર સાથે યુદ્ધ કરવા તૈયાર છું. મને ખાતરી છે કે હું તેમને જીતીશ. આજે હું સુવર્ણના પાટાઓથી બાંધેલી મારી ગદાથી મારા વેરનો અંત આણીશ. ગદાયુદ્ધમાં મારા સરખો બીજો એક પણ પુરુષ નથી. તમને બધાને હું ગદાથી મારી નાખીશ. તમે બધા અથવા બીજો કોઇ પણ મારી સામે ન્યાયપૂર્વકનું ગદાયુદ્ધ કરવાને સમર્થ નથી. જેને મારી સાથે યુદ્ધ કરવાની ઇચ્છા હોય તે હાથમાં ગદાને લઇ લો.

શ્રીકૃષ્ણની અનુમતિથી ભીમસેને દુર્યોધન સાથે ગદાયુદ્ધ કરવાની તૈયારી બતાવી.

દુર્યોધને તેર વરસ સુધી લોઢાના પુરુષ સાથે ગદાયુદ્ધનો અભ્યાસ કરેલો. તોપણ તે જાણ્યા પછી પણ, ભીમસેન તેની સાથે લડવા માટે તૈયાર થયો.

એ અતિદારુણ ગદાયુદ્ધના આરંભની તૈયારી થઇ રહેલી; પાંડવો પ્રેક્ષક તરીકે આજુબાજુ બેસી ગયેલા; ત્યારે પોતાના બન્ને શિષ્યોનું ગદાયુદ્ધ આરંભવાનું છે એવું દેવર્ષિ નારદ પાસેથી સાંભળીને હળના આયુધવાળા બલરામ તે સ્થળે આવી પહોંચ્યા.

તેમને જોતાંની સાથે જ પાંડવો તથા શ્રીકૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા અને તેમની પાસે પહોંચીને તેમનું આતિથ્ય કરીને તેમની વિધિપૂર્વક પૂજા કરવા લાગ્યા.

દુર્યોધન અને ભીમસેન હાથમાં ગદાઓ લઇને યુદ્ધભૂમિ પર શોભી રહ્યા હતા.

બળવાન ભીમસેને તથા દુર્યોધને પોતપોતાની ગદાઓને ઊંચી કરીને બળદેવને માન આપ્યું.

બળદેવે મોટા મોટા ક્ષત્રિયોનું પ્રતિપૂજન કર્યું તેમ જ પ્રત્યેક સાથે તેની ઉંમર પ્રમાણે વાતચીત કરી. તે શ્રીકૃષ્ણ તથા સાત્યકિને પ્રેમથી ભેટી પડ્યા.

બળરામની સૂચનાનુસાર કુરુક્ષેત્રના સમંતપંચક ક્ષેત્રમાં દુર્યોધન અને ભીમનું ગદાયુદ્ધ આરંભાયું. એ વખતે બાહ્ય પ્રકૃતિ પર પડેલી પ્રતિક્રિયાને કાવ્યોપમ તથા રોચક રીતે વર્ણવતાં મહાભારતકાર જણાવે છે કે -

પરમ વીર્યવાન દુર્યોધને મોટા આખલાની પેઠે હર્ષનાદ કરીને મેઘની ગર્જના જેવા સિંહનાદ સાથે ભીમસેનને યુદ્ધ માટે આહવાન કર્યું ત્યારે જુદી જુદી જાતના ભયંકર અપશુકનો થવા લાગ્યા.

ગગનમાં થતા ગડગડાટો સાથે તોફાની વાયુઓ વાવા લાગ્યા, ધૂળની વૃષ્ટિ થવા લાગી, અને દિશાઓ અંધકારથી છવાઇ ગઇ. અતિપ્રચંડ શબ્દો કરનારા, રૂવાં ઊભાં કરી નાખે તેવા, તુમુલ સુસવાટા કરનારા પવનો છૂટી નીકળ્યા, અને આકાશ જાણે ફાડી નાખતી હોય તેવા કડકડાટ કરતી સેંકડો ઉલ્કાઓ પૃથ્વી પર પડવા લાગી.

પર્વ વિના રાહુ સૂર્યમંડળનો ગ્રાસ કરવા લાગ્યો, અને વનો તથા વૃક્ષોની સાથે ડોલવા લાગેલી પૃથ્વી કંપવા લાગી.

ઝીણી રેતીને ખેંચી લાવનારા પ્રદીપ્ત પવનો ફૂંકાવા લાગ્યા, અને પર્વતોનાં શિખરો પૃથ્વી પર તૂટી પડવા લાગ્યાં.

અનેક આકારનાં મૃગો દશે દિશામાં નાસી જવા લાગ્યાં અને પ્રદીપ્ત મુખોવાળી ઘોર દેખાવની મહાદારુણ શિયાળો સુદીર્ઘ સ્વરથી રડવા લાગી. રોમાંચજનક મહાઘોર કડકડાટો થવા લાગ્યા અને સળગી ઊઠેલી દિશામાં અશુભસૂચક મૃગો દેખાવા લાગ્યાં.

જળાશયોનાં જળ આપોઆપ વૃદ્ધિ પામીને ચારે બાજુ ઊછળવા લાગ્યા, અને કોઇ શરીરધારીએ નહીં કરેલા મહાપ્રચંડ શબ્દો સર્વ તરફ સંભળાવા લાગ્યા.

પાંડવોના હાથીઓ ગર્જનાઓ કરવા, ઘોડાઓ વારંવાર હણહણાટ કરવા અને શસ્ત્રો ચળકવા માંડયા.

દુર્યોધન અને ભીમના ગદાયુદ્ધને જોઇને શ્રીકૃષ્ણે અર્જુનને જણાવ્યું કે ભીમસેન ધર્મ તરફ દૃષ્ટિ રાખીને જ જો યુદ્ધ કરશે તો દુર્યોધનને જીતી શકશે નહીં. તે અધર્મથી યુદ્ધ કરશે તો જ દુર્યોધનને મારી શકશે. દ્યૂત રમાયા પછી ભીમસેને સભા વચ્ચે પ્રતિજ્ઞા કરી છે કે દુર્યોધનના બન્ને સાથળોને હું ગદા વડે યુદ્ધમાં ભાંગી નાખીશ. એ પ્રતિજ્ઞાને પણ એણે પાળવાની છે.

શ્રીકૃષ્ણના શબ્દોને સાંભળીને અર્જુને ભીમસેન જોઇ શકે તેમ પોતાના ડાબા સાથળ પર હાથ પછાડયો. અર્જુને કરેલી એ સંજ્ઞાને ભીમસેન સમજી ગયો.

ચારે તરફ ફરી રહેલા દુર્યોધનના સાથળો પર ભીમસેને તેને છેતરવા માટે ઊંચે ઊછળીને ગદાનો પ્રહાર કર્યો એટલે તે વજ્રતુલ્ય ગદાએ દુર્યોધનના સુદૃઢ સાથળોને ભાંગી નાંખ્યાં. પુરુષોમાં વ્યાઘ્ર સરખો વીર દુર્યોધન એ જ પળે પૃથ્વી પર ઢળી પડયો.

દુર્યોધન જ્યારે પૃથ્વી પર પડ્યો ત્યારે કડાકા ને ભડાકા સાથે વાયુ વાવા લાગ્યા, ઘૂળની વૃષ્ટિ વરસવા લાગી, અને વૃક્ષો તથા પર્વતો સહિત પૃથ્વી કંપી ઊઠી. ઘોર વીજળીઓ પડવા લાગી, અને મેઘ લોહીનો વરસાદ વરસાવવા લાગ્યા. અંતરિક્ષમાં યક્ષો, રાક્ષસો તથા પિશાચોની ગર્જનાઓ સંભળાવા લાગી.

અનેક હાથપગવાળાં ઘોર દેખાવનાં ભયંકર ધડો નૃત્ય કરવા લાગ્યાં. દિશાઓ તેમનાથી વ્યાપ્ત થઇ ગઇ. ધરાઓ તથા કૂવાઓમાંથી પાણીને બદલે લોહી નીકળવા માંડયું. નદીઓ વેગપૂર્વક ઊલટા પ્રવાહે વહેવા લાગી. સ્ત્રીઓ પુરુષરૂપ થઇ ગઇ અને પુરુષો સ્ત્રીરૂપ થઇ ગયા.

મહાભારતના મહાયુદ્ધની સર્વ સંહારક અગ્નિજ્વાળાને સળગાવવા માટે નિમિત્ત બનનારા દુર્યોધન પર જીવનનો એવી રીતે કામચલાઉ પડદો પડી ગયો. વ્યક્તિ વિદાય થઇ, વ્યક્તિઓ જતી રહી, અને સુખદ કે દુઃખદ સ્મૃતિઓ રહી. ‘કરે તેવું પામે અને વાવે તેવું લણે’ના સુવિખ્યાત સિદ્ધાંત પ્રમાણે જે અન્યનો નાશ કરવા માગતો હતો તેનો પોતાનો જ નાશ થયો. અને અશાંતિ આપનારને પોતાને જ અશાંતિ મળી. શાસ્ત્રો કહે છે, સૂચવે છે, કે કર અને જો. સારું કરીને સારું મેળવ અને ખરાબ કરીને ખરાબ. જેવી જેની બુદ્ધિ તેવી તેની પ્રવૃત્તિ, તેવી તેની સૃષ્ટિ.

સંગ્રામો પોતાની પાછળ શું છોડી જાય છે ? અસંતોષ, કટુતા, વેર, સર્વનાશ. એ કરનાર કે કરાવનાર કોઇનેય માટે કલ્યાણકારક નથી થતા. શ્રેયસ્કર બને છે વેરને બદલે પ્રેમ, કુસંપને બદલે સંપ, અન્યાયને બદલે ન્યાય, શોષણને બદલે પોષણ. મહાભારતના યુદ્ધે એ બતાવી આપ્યું. આજની પ્રજાએ એમાંથી પદાર્થપાઠ  લેવાનો છે. જે લેશે તે સુખી થશે. સુખી કરશે. શાંતિ મેળવશે. શાંતિ દેશે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.