Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તું કૃપા તણી વર્ષા ન કરે, આ જગને તો તો કોણ તરે ?
તું કેવલ કરુણા ના જ કરે, આ જગને તો તો કોણ તરે ?

ડૂબેલ અમે તો સાગરમાં, ડૂબે માખી જ્યમ ગાગરમાં,
કર ફેલાવી બલ ના જ ધરે, આ જગને તો તો કોણ તરે ?... તું કૃપા તણી.

આ વાવંટોળ વહે ભારી, ઊડે છે તેમાં નરનારી,
ક્રૂર થઈ રક્ષા ના જ કરે, આ જગને તો તો કોણ તરે ?

કોઇ બલમાં ને કૈં ધનમાં, વિદ્યામાં કૈંક રમે તનમાં,
મોહિત તુજ રૂપે ના જ કરે, આ જગને તો તો કોણ તરે ?... તું કૃપા તણી.

કોઇ તારે માટે તપતા, તુજને જોઇ લેવા જપતા,
પડદો પણ ના તું દૂર કરે, આ જગને તો તો કોણ તરે ?

સંગીત વગાડીને વાદી, હિંસક સાપ કરે સંવાદી;
તું મુગ્ધ કરી મન ના જ હરે, આ જગને તો તો કોણ તરે ?... તું પ્રેમ તણી.

તુજ પ્રેમ તણા મધુરા રાગે; તનમન અંતર વીણા વાગે,
જેની રગરગ તુજ યાદ કરે, આ જગને તે તો સ્હેજ તરે.

લેખ લખેલા પલટાઇ શકે, સૃષ્ટિનો ક્રમ બદલાઇ શકે,
તું કોઇની પ્રતિ પ્રેમ કરે, આ જગને તો તે સ્હેજ તરે... તું પ્રેમ તણી.

‘પાગલ’પર વરસી લે કરુણા, પ્રેમ તણાં વરસી લે ઝરણાં;
પૂરણપદ તેમ જ મુક્તિ મળે, આ જગને તો તે સ્હેજ તરે... તું કૃપા તણી.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit