Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ધન્ય ધન્ય તેમને, જે પ્રભુના ગુણ ગાય છે.
આનંદે ન્હાય છે, જે પ્રભુના ગુણ ગાય છે ... ધન્ય.

પ્રભુના ગુણગાન તેમ સ્મરણે હરખાય છે,
આકુલ વ્યાકુલ એક પ્રભુ માટે થાય છે,
આનંદે ન્હાય છે, જે પ્રભુના ગુણ ગાય છે ... ધન્ય.

વિષયોના વનમાંથી વૃત્તિને વાળી,
ચંચલતા ચિત્તની ચતુર બની ટાળી,
આનંદે ન્હાય છે, જે પ્રભુના ગુણ ગાય છે ... ધન્ય.

અનુભવની આગ મહીં આતમ તપાવી,
હેમ બની તેમ અન્ય લાલસા ફગાવી,
આનંદે ન્હાય છે, જે પ્રભુના ગુણ ગાય છે ... ધન્ય.

શ્વાસો શ્વાસે જેની સુરતા છે લાગી,
પ્રીતમને પામવાની પ્યાસ છે જાગી,
આનંદે ન્હાય છે, જે પ્રભુના ગુણ ગાય છે ... ધન્ય.

તે જ છે ધની ને તે જ બડભાગી,
સૌથી સુખી જેનો ભેદ ગયો ભાગી,
આનંદે ન્હાય છે, જે પ્રભુના ગુણ ગાય છે ... ધન્ય.

તે જ્યાં વસે ત્યાં વૈંકુઠ વાસે,
બંધન ને દુઃખ તેમ દર્દ બધાં નાસે,
આનંદે ન્હાય છે, જે પ્રભુના ગુણ ગાય છે ... ધન્ય.

‘પાગલ’ કરી ધન્ય અમને બનાવો,
આપો અમોને એના દર્શનનો લ્હાવો,
આનંદે ન્હાય છે, જે પ્રભુના ગુણ ગાય છે ... ધન્ય.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit