માગે તેને મળે, કૃપા જે માગે તેને મળે
ભવસાગરમાં ભરમાઇ જે તલસે તે તો તરે...કૃપા જે.
જીવન તેને અર્પણ કરતાં હૈયું તેને ધરે,
બની જાય તે ધન્ય, ગાન જે તેનું હરદમ કરે...કૃપા જે.
વિષયોના રસને ખંખેરી અમૃત આશા ધરે,
ચરણકમલનો ભૃંગ બને તે સુધા-સરવરે મળે...કૃપા જે.
કોઇની કોડીયે તે તો કો'દી ના પરહરે.
બદલો આપે જરૂર શ્રમનો, પ્રેમ કરીને સ્મરે...કૃપા જે.
ચાતક બની તલસતાં તેને અમૂલખ મોતી મળે,
જે ઝંખે તે જીવન પામે, રડનારા સ્મિત કરે...કૃપા જે.
મીરાં, નરસી, તુકારામની વાતો તે શું કરે,
તું પણ તેવો થઇ શકે જો પ્રેમ પંથમાં વળે...કૃપા જે.
'પાગલ' બની જો પ્રેમ કરે તો સાધના સર્વે ફળે,
જોજે આ અવસર છે ઉત્તમ, ફરી વાર ના મળે...કૃપા જે.
- શ્રી યોગેશ્વરજી

