Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તું કરને કૈંક કમાઇ, આ જીવનનૈયા ચાલી !
આ ભવદરિયાથી તારી, આ જીવનનૈયા ચાલી ! ... તું કરને.

તું વિચાર કર વ્યાપારી, શાને આવ્યો’તો આંહી,
શું હાર્યો જીત્યો ભાઇ, ના રહી ગયો છે ખાલી ?
આ વાયુવેગે તારી, જીવનનૈયા ચાલી !
આ ભવદરિયાથી તારી, આ જીવનનૈયા ચાલી ! ... તું કરને.

ના દ્રવ્ય માન મોટાઇ મિલ્કત તારા સંગાથી,
એ ભાર ડુબાડે ભારી જો હોય નહીં ચતુરાઇ.
આ તુફાનમાંથી તારી જીવનનૈયા ચાલી.
આ ભવદરિયાથી તારી, આ જીવનનૈયા ચાલી ... તું કરને.

જો શ્રદ્ધાનો સઢ સોહે, ને વાયુ પ્રેમનો હોયે,
જો સદાચારની ગાદી, તો લેશ રહે ભય નાહીં.
આ ચોક્કસ વેગે તારી જીવનનૈયા ચાલી.
આ ભવદરિયાથી તારી, આ જીવનનૈયા ચાલી ... તું કરને.

જો નાવિક સત્ય ચલાવે, પૌરુષ હલેસે ચાલે,
લે વિવેકયંત્રે ભાળી, તો રહે નહીં કૈં બાકી.
આ ઉત્તમ એવી તારી જીવનનૈયા ચાલી.
આ ભવદરિયાથી તારી, આ જીવનનૈયા ચાલી ... તું કરને.

અક્ષયશા આતમધનની તે પછી કરાય કમાઇ,
ના મટે તે વિના તારી આ લેશે ગરીબી ભાઇ !
લે અમૂલખ દ્રવ્ય કમાઇ, આ જીવનનૈયા ચાલી.
આ ભવદરિયાથી તારી, આ જીવનનૈયા ચાલી ... તું કરને.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit