Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રભુની સાથે કરી લે પ્રીતડી.

કાયા કાચો કૂપ છે રે, એ તો વણસી જશે,
શાને મોહાય એમાં માનવી, એ તો સળગી જશે; ... પ્રભુની સાથે.

ખારું છે ઊસ જેવું પાણી રે, એમાં હોય શો સ્વાદ;
એવા છે રંગ સંસારના; તોડી દઇ એનો નાદ ... પ્રભુની સાથે.

ગુરુનો આધાર લેવો પ્રેમથી જે ભવતારણહાર,
અંધારું જેનામાં છે નહીં, નથી માયા લગાર ... પ્રભુની સાથે.

ઘણાયે જનમ ફર્યો ચક્રમાં નથી પામ્યો આરામ;
સાચાને સેવ તો સુખી થશે, રાખી હૈયામાં હામ ... પ્રભુની સાથે.

ચંચલ છે ચિત્ત, તેને બાંધજે સદા સંયમને દોર;
પોતાના મૂળમાં મળી જશે, પછી મટી જશે શોર ... પ્રભુની સાથે.

છાયા ને તાપ સંસારના એ તો આવે ને જાય,
સુખદુઃખ નિંદાથી ડગે નહિ, એ તો અમૃતમાં ન્હાય ... પ્રભુની સાથે.

જોને આ મેહુલો ગાજતો, ધરા શિતળ થાય,
કરજે પુરુષાર્થ એમ પ્રેમથી, નહિ વ્યર્થ કશું જાય ... પ્રભુની સાથે.

ઝાઝું જાણ્યાથી શું વળે રે, જાણ સઘળાનો સાર,
સ્વામી સંસારના ભજ્યા વિના ના’વે દુઃખતણો પાર ... પ્રભુની સાથે.

ટહુકો કોકિલ કરે ને બને કોઇ રસિયાં જનો,
સંતોના શબ્દ તેમ સાંભળી આણ હર્ષ તું ઘણો ... પ્રભુની સાથે.

ઠેઠ છે જવાનું ઠામ વેગળું, આ તો વચલો મુકામ;
જોજે ભરમાઇ જતો રંગથી, પહોંચ અવિચલ ઠામ ... પ્રભુની સાથે.

ડાહ્યો છતાં દેહ કાજે શું કરે અવનવા ઉપાય;
ડહાપણથી દેખ પ્રભુ પ્રાણમાં, પ્રભુમંદિર છે કાય ... પ્રભુની સાથે.

ઢેલ ચણે મોતી મોરનાં, દુઃખ દુઃખીનાં એમ,
કરજે તું દૂર સંસારમાં, દેજે સુખશાંતિ તેમ ... પ્રભુની સાથે.

તરવા સંસારને નાવડી તે તો જ્ઞાનની કે’વાય,
બખ્તર શ્રધ્ધા, પ્રેમ પ્હેર, તો તરી સહેજે જવાય ... પ્રભુની સાથે.

થોડામાં સાર કહું શાસ્ત્રનો કરી, હિતનાં લે કામ,
ઇશ્વરને ઓળખી લે પ્રેમથી, તજી કપટ હરામ ... પ્રભુની સાથે.

દિવસો વીતી જાયે વેગમાં, આવ્યો અવસર જાય;
સ્વારથ સાધી લે શીઘ્ર તું, કૈંક કામનું કમાય ... પ્રભુની સાથે.

ધનની મોટી એવી મોહિની, ભૂલે એથી કૈં ભાન,
બીજાનું શ્રેય એથી સાધજે, તજી માન ને ગુમાન... પ્રભુની સાથે.

નક્કી જવું છે સંસારથી, માટે ચેતીને ચાલ,
શૂરા મોટા ને શ્રીમંતના થયા એક જ છે હાલ... પ્રભુની સાથે.

પામર પોતાને ના માનતો, માન પાપી ના તેમ,
પોતાની જેમ સર્વ જાણતાં, રહે ભેદભાવ કેમ ? ... પ્રભુની સાથે.

ફોગટ ફર્યાથી વિચારમાં ના સરે કૈં તારું કામ,
સારું સમજે તે સાધ તું કરી એક દિન યામ ... પ્રભુની સાથે.

બોલ છે માણેક ને મોતી, ના એની કીમત કરાય,
સમજીને બોલજે સર્વથી, જુઠ થાય ના જરાય ... પ્રભુની સાથે.

ભારે બન્યો ધનધામથી શું, એ તો ચપલા-ચમકાર;
આજે છે, કાલે મટી જશે, ભય ટાળ અહંકાર ... પ્રભુની સાથે.

મંગલ કરી લે પ્રાણનું ને શ્રેય કોઇનું સાધ,
મોટાઇ માનને મૂકી દઇ, પૂર જનમની ખાધ ... પ્રભુની સાથે.

યાતના ટળી જશે યજ્ઞથી, યજ્ઞ સેવાનો માંડ,
સત્ય શીલ સંપની દે આહુતિ, થઇ પૂર્ણ જાય કાંડ ... પ્રભુની સાથે.

રંગાવું એક પ્રભુ-રંગથી ના બીજો કરવો કો’ રંગ,
પ્રભુના જ પ્રેમમહીં મ્હાલવું, તજી સઘળા તરંગ ... પ્રભુની સાથે.

લાગી જો જાય લ્હે ઇશની તો તો સુખની શી વાત,
બીજો ઉપાય નથી વિશ્વમાં, ધન્ય થાય જેથી જાત ... પ્રભુની સાથે.

વિદ્યા ને વયના ગુમાનને કદી ધરતો ના ધ્યાન,
બલ ને ધન કામ નહીં આવશે, જ્યારે દેહ મૂકે પ્રાણ ... પ્રભુની સાથે.

સેવક થા સૌનો તું, સેવતાં સદા સૃષ્ટિનો નાથ,
આ ને પર બંને સુધારજે, લાડુ બંને છે હાથ ... પ્રભુની સાથે.

હૈયે ધરી લે આ વાત તું સદા કરવા કલ્યાણ;
‘પાગલ’ બનેલ પ્રભુકાજ જે તેની માની લે વાણ ... પ્રભુની સાથે.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit