Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

સુખ શાંતિ કેરું ધામ, લઇ લે પ્રભુજીનું નામ.
પ્રભુને વસવાનું એ ધામ, લઇ લે પ્રભુજીનું નામ.

બનશે વિશુદ્ધ તારી વાણી,
ગુણ લે પ્રભુનો પાવન જાણી;
મળશે અંતરને આરામ ... લઇ લે.

પ્રભુનું નામ સરોવર ભારે,
તેમા ન્હાવું નિશદિન તારે;
ટળશે તીખા તાપ તમામ ... લઇ લે.

મંગલ મુક્તાફલ આ એવું,
સંત અને શ્રુતિએ પણ સેવ્યું;
આપે અમૃતપદ આ નામ ... લઇ લે.

બેસે દામ નહીં કૈં આમાં,
ભય છે લેશે નહીં ગાવામાં;
લેજે હૈયે રાખી હામ ... લઇ લે.

એનો નશો સદા ગુણકારી,
નાખે ક્લેશ બધાયે મારી;
પી લે પ્રેમે ભક્તિ-જામ. ... લઇ લે.

મનના મેલ બધાયે ટાળી,
લેજે નામ જ પાવનકારી,
માની બીજાં કામ હરામ ... લઇ લે.

ચિંતા સઘળી કોરે મૂકી,
પ્રભુનાં ચરણોમાં બસ ઝૂકી,
રાખી પ્રભુ હાથે જ લગામ ... લઇ લે.

નાનું નામ છતાં ગુણ મોટો,
એનો જડે ન જગમાં જોટો;
કરવા જીવન આ કૃતકામ ... લઇ લે.

અનુભવ કેરું ઔષધ આ છે,
લીધે દર્દ બધાંયે જાશે;
‘પાગલ’ પામ્યા અવિચલ ઠામ .. લઇ લે.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit