મને દેવ દર્શન દો !
મધુથી મધુર તમ અંગ લઇ,
મારી સામે પ્રકટિત હો ... મને દેવ દર્શન દો.
જીવન છેક અકારું, દર્શન વિના દુઃખ જ દુઃખ હો,
ઊંડે ઊંડે અંતર મારે આગ શમે ક્યમ હો.
તમે એક જ શાન્તિ પ્રભો ! ... મને.
કર્મ ન જુઓ મહારાં, બાલક જેમ પુકારું હો,
બલ ના કાંઇ, તમારો જ આધાર મ્હારે હો.
તમે કૃપા કરો જ પ્રભો ! ... મને.
કેટ કેટલા દિનની ચિન્તા, આવો પૂર્ણ કરો;
તૃષા મહારી તીવ્ર, તમારે અમૃત શાંતિ, ધરો;
કરતાં કૃપા તમે, ન જુઓ તો આણ ભક્તની હો ! ... મને.
- શ્રી યોગેશ્વરજી

