MP3 Audio
*
તારો ભરોસો મને ભારી ઓ ભૂધરા,
તારો ભરોસો મને ભારી,
શ્રદ્ધા છૂટે ના મારી ઓ ભૂધરા,
તારો ભરોસો મને ભારી.
સંસાર સાગરમાં જીવનની હોડી,
તારે આધાર મેં છેવટની છોડી,
લેજે હવે તો ઉગારી ઓ ભૂધરા
તારો ભરોસો મને ભારી ... તારો ભરોસો
આશાનો તાર મારો કો'દિ ના તૂટે,
શ્રદ્ધા ને પ્રેમગાન કો'દિ ના ખૂટે,
અરજી સુણી લેજે મારી ઓ ભૂધરા
તારો ભરોસો મને ભારી ... તારો ભરોસો
કોનું શરણ લઉં કે'ને સંસારમાં,
ઉગારી કોણ લે જીવનસંહારમાં ?
ઝાલી છે બાંય મેં તારી ઓ ભૂધરા
તારો ભરોસો મને ભારી ... તારો ભરોસો
સંસાર તાપમાં તું એક છાંયડી,
રોનારા બાલની તું એક માવડી;
અમૃતની પ્યાલી સારા ઓ ભૂધરા
તારો ભરોસો મને ભારી ... તારો ભરોસો
તુજને છોડીને જે બીજાને ચ્હાશે,
દુઃખદર્દ પોતાંના બીજાથી ગાશે;
પસ્તાશે તે નરનારી; ઓ ભૂધરા
તારો ભરોસો મને ભારી ... તારો ભરોસો
સ્વપ્ને તેમ જાગરણે, નગરે હોઉં કે વને,
જોઉં સદાય તને, જાઉં ના કોઇ કને;
આશિષ આપ એ ભારી; ઓ ભૂધરા
તારો ભરોસો મને ભારી ... તારો ભરોસો
આગળથી રક્ષજે ને પાછળથી રક્ષજે,
ભેદ તેમ અજ્ઞાન મારું તું ભક્ષજે;
લેજે વિના વિલંબ તારી, ઓ ભૂધરા
તારો ભરોસો મને ભારી ... તારો ભરોસો
- શ્રી યોગેશ્વરજી

