તારું વિચાર સ્વરૂપ
મનમાંહી, તારું વિચાર સ્વરૂપ,
અદ્ ભૂત અમુલખ રૂપ,
મનમાંહી, તારું વિચાર સ્વરૂપ.
ક્યાંથી આવ્યો ને ક્યાં તું જવાનો ભાઈ,
જાણી લે તો થઈ જા ચૂપ;
તૃષ્ણાનો ત્યાગ કરી ભ્રમણા દે દૂર કરી,
અવસ્થા તો પામી લે અનૂપ ....મનમાંહી.
શાંતિનો સાગર તું તો આનંદમૂર્તિ એવો,
સુખનું સનાતન એવું મૂળ;
જ્યોતિની જ્યોતિ જેવો, અંધકાર એમાં કેવો,
અનુભવી લેને તારું રૂપ ....મનમાંહી
કામના શમી જશે ને ટળી જશે તાપ તારા,
શોક મોહ થાશે ને નિર્મૂળ;
‘પાગલ’ પ્રેમીના જેવો પાવન બની જશે તું,
બની જશે બ્રહ્માંડનો ભૂપ ....મનમાંહી.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

