શાસ્ત્રોએ કૈં કથા કથી,
હરિ વિના તારું કોઈ નથી.
ચાર દિવસની ચાંદરણીમાં
મોહાયો અજ્ઞાન થકી,
મૃગજળ પાછળ દોટ મૂકી છે,
ત્યાં તો જલનું બિંદુ નથી,
અમૃત સાગર અંદર ઊછળે,
ત્યાગી દે આ ભ્રાંતિ બધી ... શાસ્ત્રોએ.
એકલ આવ્યો, એકલ જાશે,
ખીલે ને ક્ષણમાં કરમાશે,
સ્વપ્ન તણા રૂપો ને રંગો
એકાએક અનેક હરાશે;
શરણ લઈ લે સર્વેશ્વરનું
કૃતકૃત્ય બની જશે પછી ... શાસ્ત્રોએ.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

