જ્યાં જોઊં ત્યાં તું જ વિરાજે,
નીલ નભ મહીં વાદળમાં ને,
સાગરનાં મોજાંમાં ગાજે ....જ્યાં જોઊં ત્યાં.
પર્વતની માળામાં, તરુમાં,
ઝરણામાં પણ મંજુ અવાજે,
ચાલે અનહદ નાદ નિરંતર,
ઘટ ઘટ તારી વીણા વાજે ....જ્યાં જોઊં ત્યાં.
સાગરમાં વરસાદે કરતાં
કામણ કોઈ પ્રેમ પખાજે
ભેટે તું રસ સાથ ભૂમિને;
સુશોભિત થઈ સુંદર સાજે ....જ્યાં જોઊં ત્યાં.
માનવ ને કુદરતમાં તારી
ઝાંખી કરી ધન્ય છું આજે,
પાવન પ્રાણ વર્યો છે તુજને,
ટકી રહ્યો છે તારે કાજે ...જ્યાં જોઊં ત્યાં.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

