Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જન્મ મરણની બીક મને ના, સાચી વાત કહું,
જન્મ મરણથી ગભરાઈ ના શરણ તમારું લહું;
જન્મ મરણની દુ:ખ કલ્પના ક્ષુબ્ધ મને ના કરે,
ચિંતા નથી ભલે ને મારાં જન્મમરણ ના ટળે.
જન્મ મરણથી ડરી તમોને પ્રેમ કરું ના હું,
વરવા માટે વરું તમોને ચહવા કાજ ચહું !

રહી શકે ના હૈયું મારું તમારા વિના આ,
વહી જતી સરિતા શું ના વહે તમારા તરફ કાં ?
જન્મ મરણ છો મળે છતાંયે તમને પ્રેમ કરૂં,
સ્વભાવ મારો પડી ગયો છે પ્રાણ હંમેશ ધરૂં.
*
ભૂલભુલામણી ભવસાગરની ભ્રાંત મને ન કરે,
ચિંતા નથી ભલેને વેદન દૈન્ય વિપત્તિ મળે;
ચપલા ના ચમકે તેજ તણી, હાર કદીક મળે,
આશાની છો થાય નિરાશા, દર્દ ભલે ન ટળે.
ભવ સાગરથી ભરમાઈને પ્રેમ કરું ના હું,
વરવા માટે વરું તમોને ચહવા કાજ ચહું !

રહી શકે ના હૈયું મારું તમારા વિના આ,
ખીલેલા ફૂલ સમું અર્પે વાસ ન તમને કાં ?
ભૂલભુલામણીમાંય તમોને પ્રેમ હંમેશ કરૂં,
સ્વભાવ મારો પડી ગયો છે તમને પ્રાણ ધરૂં
*
દુ:ખ દર્દની બીક મને ના, સાચી વાત કહું,
દુ:ખ દર્દથી ગભરાઈ ના શરણ તમારું લહું,
દુ:ખ દર્દની ભીતિ મને ના ક્ષુબ્ધ કદીય કરે,
ચિંતા નથી ભલેને મુજને દુ:ખ કદીક મળે,
દુ:ખ મહીં પણ સુખ માનીને તમને પ્રેમ કરૂં,
વરવા માટે વરું તમોને, સ્મિત સાથે વિચરૂં.

રહી શકે ના હૈયું મારું તમારા વિના આ,
સુખ ને દુ:ખ મહીં પણ એનો પ્રેમ મટે છે ના.
દુ:ખ પડે કે સુખ આવે પણ તમને પ્રેમ કરૂં,
સ્વભાવ મારો પડી ગયો છે પ્રાણ હંમેશ ધરૂં.
*
પ્રતાપથી અંજાઈને ના શરણ તમારું લઉં,
બંધનની બીકે ના તમને સાચે સાચ ચહું :
તમારા વિના ચેન પડે ના કળ વળતી ન મને,
શાંતિ તમારે સ્મરણ મળે છે, પુલકિત થાય તને.

રહી શકે ના હૈયું મારું તમારા વિના આ,
બંધન મુક્તિમાં પણ તેનો પ્રેમ મટે છે ના.
‘પાગલ’ પ્રાણ તમારો તમને કાયમ કાજ મળે,
એ અભિલાષા સાથે ગીતે પૂજન રોજ કરે.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Submit