Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારા માટે યુગોથી કોણ જાણે કેમ,
આટ આટલો વહે છે મારે હૈયે પ્રેમ,
તર્ક શકે સમજી ના, બુદ્ધિ પંગુ જેમ,
ઉકેલી શકે તમારા રહસ્યને કેમ !

મારે માટે ઊગી ગયું દિવાળી પ્રભાત,
અંધારું ટળી ગયું ને ધન્ય થઈ જાત;
જ્યારથી તમારો મને થયો છે મેળાપ,
ચિંતાની ચિતા થઈ છે, ટળી ગયા તાપ.

તમારી જ આજુબાજુ મનડું ભમે,
તમારાં જ ચરણોમાં રંગમાં રમે;
તમારા વિના ન ક્યાંયે પ્રાણને આરામ,
તમારા વિના કાંઈ ના જીવનમાં કામ.

વહી જાય ઝરણાં આ જંગલના જેમ,
જીવન મારું આ વહે મુક્ત બની તેમ;
તમારી આરાધનાના આનંદમાં ન્હાય,
પૂજાફૂલ થઈ થઈ વાણી રોજ ગાય.

‘પાગલ’ શો પ્રાણ ભલે ધન્યતા ન્હાય,
જીવન આખુંયે ભલે ઉત્સવ શું થાય;
તમારા વિના રહે ના અંતરમાં કોય,
તમારી જ પાસે મારું કૈવલ્ય છો હોય !

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

 

Add comment

Submit