તમારું મુખડું મોહ કરે,
મારે ઉર અનુરાગ ભરે ....તમારું.
અમૃતઝારી જેવું છે એ, અમૃત ખૂબ ઝરે;
મસ્ત કરે છે મનને મારા,
સ્વાદ અપાર ધરે ....તમારું.
ભાલ પ્રતાપી, ગાલ ગુલાબી, તલ ત્યાં એક તરે,
ગરદન કોમળ તલથી શોભિત,
કેશે નેન ઠરે ....તમારું.
આંખોનું વર્ણન તો કોઈ, કવિજન કેમ કરે;
વાદળ જેવી વ્હાલ ભરેલી,
અવિરત વૃષ્ટિ કરે ....તમારું.
ચંદ્રકમળની ઉપમા લૂખી, અનુપમ છેક ખરે;
શ્રીરસ ને મંગલતાનું ઘર,
બંધન મુક્ત કરે ....તમારું.
ગંગાસ્નાન તેમ તપ-તીરથ, ફળ તેમાં જ ફરે;
જ્ઞાન યોગના સાધનથી યે,
વિરલાને જ મળે ....તમારું.
‘પાગલ’ થયો તમોને જોઈ, તીખા તાપ હરે;
લોચનમાં લોચન છો મારાં
કાયમ કાજ મળે ....તમારું.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

