Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ખેચરી મુદ્રા વિશે આપનો શો અભિપ્રાય છે ?
ઉત્તર : યોગના ગ્રંથોમાં અને એમાંય ખાસ કરીને હઠયોગના ગ્રંથોમાં જુદી જુદી મુદ્રાઓના વર્ણનો વાંચવા મળે છે. એમાં ખેચરી મુદ્રાનું વર્ણન પણ મળે છે. એ મુદ્રા બીજી મુદ્રાઓ કરતાં પ્રમાણમાં કઠિન છે. એટલે એનો આધાર ના લેવામાં આવે તો કશું ખોટું નથી.

પ્રશ્ન : ખેચરી મુદ્રા એટલે શું ?
ઉત્તર : ખમ નો અર્થ આકાશ થાય છે. ચર નો અર્થ ચાલવું અથવા વિહાર કરવો એવો થાય છે. આકાશ પોતાની અંદર અને બહાર એમ બંને સ્થળે હોય છે. એ મુદ્રાનો લાભ લઈને યોગી આકાશગમન કરી શકે છે. માટે એને ખેચરી મુદ્રાનું નામ આપવામાં આવ્યું.

પ્રશ્ન : ખેચરી મુદ્રાથી આકાશગમન સિવાયની બીજી કોઈ સિદ્ધિઓ સાંપડે છે ?
ઉત્તર : ખેચરી મુદ્રાના અભ્યાસથી યોગી જેમ આકાશગમન કરી શકે છે તેમ ભૂત તથા ભવિષ્યના જ્ઞાનની પ્રાપ્તિ, દૂરદર્શન, દૂરશ્રવણ જેવી કેટલીક બીજી સિદ્ધિઓને પણ પામી શકે છે. એ ઉપરાંત નિર્વિકલ્પ સમાધિને મેળવી શકે છે. યોગીને માટે યોગસાધનાની મદદથી મળનારો મોટામાં મોટો લાભ એ જ છે.

પ્રશ્ન : ખેચરી મુદ્રા કેવી રીતે કરવામાં આવે છે ?
ઉત્તર : ખેચરી મુદ્રાના અભ્યાસ દરમ્યાન સૌથી પ્રથમ તો જીભને લાંબી કરવી પડે છે, અને એને માટે ઘર્ષણ, દોહન, જેવાં સાધનોનો સહારો લેવો પડે છે. જીભ જ્યારે લાંબી થાય ત્યારે તેને મુખની અંદર ઉલટાવીને તાલુપ્રદેશમાં લગાડવામાં આવે છે. એવી રીતે લગાડવાથી મન સ્થિર થાય છે ને દેહભાન ભૂલી જવાય છે. એટલે કે સમાધિ દશામાં પ્રવેશ સરળ બને છે. જીભ ટૂંકી હોય તો લાંબી કરતાં ઘણો વધારે વખત લાગતો હોય છે, અને એ બધો પ્રયત્ન ખૂબ જ કષ્ટપ્રદ હોય છે. એટલા માટે સામાન્ય સાધકોએ એ મુદ્રાનો આશ્રય લેવાની આવશ્યકતા નથી લાગતી. મનની સ્થિરતા, શાંતિ અને સમાધિ અવસ્થાની અનુભૂતિ કેવળ નામ, જપ અને ધ્યાન જેવા નિર્દોષ અને ઓછા કષ્ટપ્રદ સાધનોથી પણ થઈ શકે છે, માટે એ સાધનોનો આધાર લેવો જોઈએ.

પ્રશ્ન : જેની જીભ લાંબી હોય છે તેમણે યોગમાર્ગમાં આગળ વધવા શું કરવું જોઈએ ?
ઉત્તર : લાંબી જીભવાળા સાધકે પોતાની ઉપર ઈશ્વરની કૃપા છે એવું સમજીને નિયમિત રીતે ધ્યાનમાં બેસવું જોઈએ, અને તે દરમ્યાન જીભની મદદથી સમાધિ અવસ્થામાં પ્રવેશવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ. એવા સાધકે બીજી બાહ્ય પ્રવૃતિઓમાંથી મનને પાછું વાળીને ધ્યાનમાં વધારેમાં વધારે વખત સુધી નિયમિત રીતે બેસવાની ટેવ પાડવી જોઈએ. એમ કરવાથી એવા સાધકની પ્રગતિ સહેલાઈથી અને સંગીન રીતે થઈ શકે છે.