Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન : આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં પ્રગતિ થાય છે કે નથી થતી એને જાણવા માટેનો કોઈ ચોક્કસ માપદંડ છે ખરો ? એ પ્રગતિની વાસ્તવિકતાને કેવી રીતે જાણી શકાય ?
ઉત્તર : આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં થનારી પ્રગતિને બે રીતે જાણી, સમજી કે મૂલવી શકાય. એક રીત બહારની હોય છે ને બીજી અંદરની. એ જ વાતને બીજી રીતે કહીએ તો કહી શકાય કે આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં થનારી પ્રગતિના પ્રતિઘોષો બે પ્રકારે પડતા હોય છે. એક પ્રકારનો પ્રતિઘોષ સાધકના બાહ્ય જીવનમાં કે વ્યવહારમાં પડે છે, અને બીજો એના આંતરજીવનમાં અથવા મનમાં. આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં સાધક જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ એના ભાવો, વિચારો તથા સંકલ્પો નિર્મળ બને છે, ઉદાત્ત થાય છે, અને એના જીવનવ્યવહારમાં દૈવી સંપત્તિનું દર્શન થવા લાગે છે. આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં દૈવી સંપત્તિની પ્રતિષ્ઠા અત્યંત આવશ્યક, અનિવાર્ય અને મુખ્ય છે. એના સિવાય સાધનાનો સાચો ને સંપૂર્ણ સ્વાદ ના મળે.

પ્રશ્ન : આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં આગળ વધનારા કેટલાય સાધકોના જીવનમાં દૈવીસંપત્તિ નથી દેખાતી; કેટલીય નાનીમોટી શક્તિઓ દેખાય છે, તેનું શું ?
ઉત્તર : દૈવી સંપત્તિ સિવાયની સાધના સંપૂર્ણ નથી પરંતુ અધૂરી છે એ સમજી લેવું જોઈએ. એવી સાધના સાધકનું સાચું શ્રેય નથી સાધી શકતી, અન્યને માટે આદર્શ અથવા અનુકરણીય પણ નથી બની શકતી. એવી સાધના આશ્ચર્યચકિત કરી શકે ખરી પરંતુ પ્રસંશાપાત્ર બની શકે નહી. સાધકના જીવનમાં દૈવી સંપત્તિ ના દેખાતી હોય એ એની સાધનાની કચાશ કહેવાય.

પ્રશ્ન : સાધનાની પ્રગતિને જાણવાની કે માપવાની બીજી પારાશીશી કયી છે ?
ઉત્તર : એ પારાશીશી આંતરિક છે. સાધક સાધનાના ક્ષેત્રમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ અંતરંગ શાંતિ, સ્થિરતા, પ્રસન્નતા, આનંદને અનુભવે છે. એનું મન નામજપ તથા ધ્યાનમાં અનાયાસે એકાગ્ર બને છે. એના પ્રાણમાંથી પ્રાદુર્ભાવ પામેલો પરમાત્માનો પ્રેમ વધારે પ્રબળ બનતો જાય છે. એને લીધે એને કેટલાક અંતરંગ આધ્યાત્મિક અનુભવોની પ્રાપ્તિ પણ થતી હોય છે.

પ્રશ્ન : એવો પુરુષ પોતાને માટે જ જીવે છે કે બીજાને માટે પણ જીવતો હોય છે ?
ઉત્તર : એવો પુરુષ પોતાને માટે તો જીવતો જ હોય છે. જીવનના ધ્યેયનું સતત સ્મરણ રાખીને એ ધ્યેયની પૂર્તિ કે સિદ્ધિ માટે એ અહર્નિશ કોશિશ કરે છે. એની સાથે સાથે એ બીજાને માટે પણ શ્વાસ લે છે ને બીજાને ઉપયોગી થવાનું તથા સુખશાંતિ પહોંચાડવાનું ધ્યાન રાખે છે. આધ્યાત્મિક વિકાસના મંગલમય માર્ગે આગળ વધનારા સાચા સાધકનું જીવન સરિતાની પેઠે સૌ કોઈને માટે જીવાતું હોય છે. એની મદદ સૌ કોઈને મળી રહે છે ને મળવી જોઈએ. એવો પુરુષ ફકત પોતાને માટે જ જીવતો હોય છે એવું કદાપિ ના કહી શકાય. જે પરમાત્માને માટે ને પરમાત્મામાં જીવે છે તે પણ પોતાને માટે જીવે છે એવું ના જ કહી શકાય.

પ્રશ્ન : આધ્યાત્મિક સાધનાના માર્ગે આગળ વધેલા સાધકો કે સંતો કોઈ વાર વ્યસની કે ક્રોધી દેખાય છે તેનું કારણ શું ?
ઉત્તર : તેનું કારણ ગમે તે હોય તો પણ તે અનુકરણીય અને અભિનંદનીય નથી. સાધકનું જીવન વ્યસનરહિત અને સાત્વિક હોય એ ઈચ્છવા જેવું છે. એવા જીવનને પામવા માટે સૌ કોઈએ પ્રયત્નશીલ બનવું જોઈએ.