२०. अन्तस्तद् धर्मोमदेशात् ।
અર્થ
અન્તઃ = હૃદયમાં શયન કરનાર વિજ્ઞાનમય તથા સૂર્યમંડળમાં સ્થિત હિરણ્મય પુરૂષ બ્રહ્મ છે.
તદ્ ધર્મોપદેશાત્ = કારણ કે એમાં એ બ્રહ્મના ધર્મોનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદમાં આનંદમયનું પ્રકરણ આવે છે. ત્યાં વિજ્ઞાનમય શબ્દ જીવાત્માના સંબંધમાં વાપરવામાં આવ્યો છે પરંતુ બૃહદારણ્યકમાં વિજ્ઞાનમયને હૃદયાકાશમાં શયન કરનારો અંતરાત્મા કહ્યા છે. તો ત્યાં વિજ્ઞાનમય શબ્દ જીવાત્માનો વાચક છે કે પરમાત્માનો? એ જ પ્રમાણે છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યમંડળાન્તર્વર્તી હિરણ્યમય પુરૂષનું વર્ણન કરવામાં આવ્યું છે, તો ત્યાં સૂર્યાધિષ્ઠાતા દેવતાનું વર્ણન છે કે પરમાત્માનું એવી શંકા થાય છે.
એ શંકાના સમાધાનમાં અહીં કહેવામાં આવે છે કે એ વર્ણન પરમાત્માનું જ છે, બીજા કોઈનું નથી, કારણ કે ત્યાં જે કાંઈ જણાવાયું છે તે બધું પરમાત્માને માટે જ જણાવાયું છે.
બૃહદારણ્યકમાં વિજ્ઞાનમય પુરૂષને માટે સૌના નિયંતા, સ્વામી, સર્વસત્તાધીશ, સૌના અધિષ્ઠાતા તથા પાલન કર્તા જેવા શબ્દપ્રયોગો કરવામાં આવ્યા છે.
सर्वस्य वशी सर्वस्येशानः सर्वस्याधिपतिः एष सर्वेश्वर एष भूतपालः ।
છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યમંડળમાં વિરાજમાન પુરૂષને માટે સર્વે પાપોથી મુક્ત सर्वेभ्यः पाप्मभ्य उदितः શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. હવે વિચારો કે એ વર્ણન જીવાત્માને લાગુ પડે છે ખરૂં ? એ ગુણધર્મો કોઈક નાનામોટા દેવના પણ ના હોઈ શકે. ઉપર ઉપરથી જોતા પણ લાગે છે કે એ બધાં વિશેષણો પરમાત્માનાં જ છે. પરમાત્મા સિવાય બીજા કોઈની અંદર એવી અસાધારણ યોગ્યતા નથી કલ્પી શકાતી. જીવાત્મા પોતે જ પરાધીન છે તો પછી સંસારનો સ્વામી અથવા સર્વેશ્વર કેવી રીતે હોઈ શકે ? એ અલ્પ, અલ્પજ્ઞ અને અલ્પશક્તિમાન છે. એને પરિપૂર્ણ શી રીતે કહી શકાય ? એટલે પરમાત્માને જ વિજ્ઞાનમય તથા હિરણ્યમય પુરૂષ કહેવામાં આવ્યા છે, એમાં કોઈ પ્રકારની શંકા નથી રહેતી. વેદમાં प्रज्ञानं ब्रह्म કહીને પરમાત્માને પરમજ્ઞાનના પ્રતીક કહેવામાં આવ્યા છે એ સર્વવિદિત છે.
---
२१. भेदव्यपदेशाच्चान्यः ।
અર્થ
ચ= અને
ભેદવ્યપદેશાત્ = ભેદનો ઉલ્લેખ કરાયેલો હોવાથી.
અન્યઃ = સૂર્યમંડળાન્તર્વર્તી હિરણ્ય પુરૂષ સૂર્યના અધિષ્ઠાતા દેવતાથી જુદા છે.
ભાવાર્થ
ઉપનિષદમાં સૂર્યના અધિષ્ઠાતા દેવતા અને હિરણ્મય પુરૂષનો ભેદ કહી બતાવવામાં આવ્યો છે. એટલે હિરણ્મય પુરૂષ અને સૂર્યના અધિષ્ઠાતા દેવતા બંને જુદા છે એવું પુરવાર થાય છે.
બૃહદારણ્યક કહે છે કે ‘જે સૂર્યમાં રહેનાર સૂર્યના અંતર્વર્તી છે, જેને સૂર્ય નથી જાણતો; સૂર્ય જેનું શરીર છે, અને જે સૂર્યમાં રહીને સૂર્યનું નિયમન કરે છે તે આત્મા અંતર્યામી અવિનાશી અમૃતમય છે.’
य आदित्ये तिष्ठन्नादित्यादंतरो यमादित्यो न वेद
यस्यादित्यः शरीरं य आदित्यमंतरो यमयत्येष त आत्मान्तर्याम्यमृतः ।
એટલે સૂર્યના અધિષ્ઠાતા કરતાં હિરણ્મય પુરૂષ જુદા છે, ને જે હિરણ્મય પુરૂષ છે તે પરમાત્મા જ એવું પુરવાર થાય છે.