२४. शब्दोदोव प्रमिताः ।
અર્થ
શબ્દાત્ = (એ પ્રકરણમાં આવેલા) શબ્દથી.
એવ = જ.
પ્રમિતઃ = અંગુષ્ઠ માત્ર પરિમાણવાળો પુરૂષ (પરમાત્મા જ છે એવું પુરવાર થાય છે.)
ભાવાર્થ
કઠ ઉપનિષદમાં કહ્યું છે કે 'અંગુઠાના પરિમાણવાળા પરમ પુરૂષ શરીરના મધ્ય ભાગમાં અથવા હૃદયમાં વિરાજે છે.’ વળી એવું પણ કહ્યું છે કે 'અંગુષ્ઠાના પરિમાણવાળા પરમ પુરૂષ ધુમાડા વિનાના જ્યોતિ જેવા છે. તે ભૂત, ભવિષ્ય ને વર્તમાન પર શાસન કરે છે. તે નિત્ય સનાતન અથવા શાશ્વત હોવાથી આજે છે અને કાલે પણ એવા જ રહેશે.’
अंगुषाठा मात्रः पुरूषो ज्योतिरिवा धूमक ।
ईशानो भूत भव्यस्य स एताय स उ स्वः ॥
એ કથન પરથી કોઈને પ્રશ્ન થવાનો સંભવ છે કે અંગુઠાના પરિણામવાળા પુરૂષ તરીકે જીવાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે કે પરમાત્માનું; તો તેનો પ્રત્યુત્તર આ સૂત્ર દ્વારા આપીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કઠ ઉપનિષદનો એ ઉલ્લેખ જીવાત્માનો નથી પરંતુ પરમાત્માનો જ છે. કારણ કે એમાં એ પુરૂષને ભૂત, ભવિષ્ય તથા વર્તમાન પર શાસન કરનારા, નિત્ય, સનાતન, શાશ્વત, અને એકરસ અથવા સર્વ કાળે અને સ્થળે એકસરખા રહેનારા બતાવ્યા છે. એવી ગુણવત્તા જીવાત્મામાં નથી પણ પરમાત્મામાં જ હોવાથી અંગુઠાના પરિમાણવાળો પુરૂષ જીવાત્મા નથી. પરંતુ પરમાત્મા છે એમાં કોઈ પણ પ્રકારની શંકા ન હતી.
---
२५. हृद्यपेक्षया तु मनुष्याधिकारत्वात् ।
અર્થ
તુ = એ પરમપુરૂષ પરમાત્માને અંગુષ્ઠના પરિમાણવાળા કહ્યા છે તે તો.
હૃદિ = હૃદયમાં સ્થિતિ કહી હોવાથી તેની.
અપેક્ષયા = અપેક્ષાથી છે.
મનુષ્યાધિકારત્વાત્ = બ્રહ્મજ્ઞાનમાં મનુષ્યનો જ અધિકાર હોવાથી.
ભાવાર્થ
ઉપનિષદમાં પરમપુરૂષ પરમાત્માને અંગુઠાના પરિમાણવાળા કહ્યા છે તેનું કારણ એ જ છે કે તેમની સ્થિતિ હૃદયમાં કહી છે, ને મનુષ્ય હૃદયનું માપ અંગુઠા બરાબર કહેલું હોવાથી એમને પણ અંગુઠાના માપવાળા કહી બતાવ્યા છે. બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ અથવા સિદ્ધિ પશુપક્ષી કે વનસ્પતિની યોનિમાં નથી થઈ શકતી પરંતુ કેવળ મનુષ્યોનિમાં જ થઈ શકે છે. એટલા માટે પરમાત્માને મનુષ્ય હૃદયના માપવાળા વર્ણવેલા છે.
---
२६. तदुपर्यपि बाद्दरायणः सम्भवात् ।
અર્થ
બાદરાયણઃ = આચાર્યશ્રેષ્ઠ મહર્ષિ બાદરાયણનો અભિપ્રાય એવો છે કે
તદુપરિ = મનુષ્યની ઉપરના દેવાદિનો.
અપિ = પણ અધિકાર છે.
સમ્ભવાત્ = એમને વેદજ્ઞાનની મદદથી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિની સંભાવના છે માટે.
ભાવાર્થ
આગલા સૂત્રમાં કહેવાઈ ગયું, અને આપણે ત્યાં એવું મનાય છે પણ ખરૂં, કે બ્રહ્મજ્ઞાનમાં મનુષ્ય સિવાય બીજા કોઈનો અધિકાર નથી એટલે કે પશુપક્ષી તથા વનસ્પતિ જેવી યોનિઓનો અધિકાર નથી. તો પછી મનુષ્ય કરતાં વધારે સારી, સુખમય અને આગળની મનાતી યોનિમાં અથવા દેવોને એનો અધિકાર છે કે નહિ એ સંબંધી પોતાનો અનુભવાત્મક અભિપ્રાય આપતાં મહર્ષિ બાદરાયણ જણાવે છે કે દેવોને એવો અધિકાર છે જ. દેવયોનિ પ્રાંત ધર્મ, તપ તથા જ્ઞાનયુક્ત આત્માઓ પૂર્વજન્મના સર્વોત્તમ સંસ્કારોના અનુસંધાનમાં આત્મવિકાસના મુનિપ્રણીત મંગલ માર્ગે વધીને બ્રહ્મજ્ઞાન મેળવી શકે છે. મનુષ્યોનિથી ઉપરની અથવા ઉત્તમ મનાતી બધી જ યોનિઓમાં જીવનની ધન્યતા, મુક્તિ કે પૂર્ણતા પ્રાપ્તિનો એ અબાધિત અધિકાર છે જ.