Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

१४. ज्योतिराद्यधिष्ठानं तु तदामननात् ।

અર્થ
જ્યોતિરાદ્યધિષ્ઠાનમ્ = જ્યોતિ આદિ તત્વો જેમનાં અધિષ્ઠાન બતાવ્યા છે તે.
તુ = તો પરમાત્મા જ છે.
તદામનનાત્ = બીજે ઠેકાણે પણ શ્રુતિએ એમને જ અધિષ્ઠાતા કહી બતાવ્યા છે માટે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે પરમાત્માએ સંકલ્પ કર્યો કે હું બહુવિધ બનું. પછી એમણે તેજની રચના કરી અને તેજે વિચાર કર્યો. ત્યાં તેજે વિચાર કર્યો એવું જે કહેવામાં આવ્યું છે એનો સ્થૂળ અર્થ લેવાને બદલે સૂક્ષ્મ અર્થ લેવાનો છે. તેજ તો જડ તત્વ છે, તેનાથી વિચાર ના કરી શકાય. તેજ આદિ તત્વોમાં રહીને એમનું નિયંત્રણ કરતાં ઈચ્છાનુસાર વિચાર કરવાવાળા તો એક માત્ર પરમાત્મા જ છે. બીજું કોઈ જ નથી. પરમાત્મા જ એમના અધિષ્ઠાતા છે.

---

१५. प्रणवता शब्दात् ।

અર્થ
પ્રણવતા = (પરમાત્માએ) પ્રાણધારી જીવાત્મા સાથે (પ્રવેશ કર્યો.)
શબ્દાત્ = ઉપનિષદનું એવું કથન હોવાથી દોષ નથી.

ભાવાર્થ
પરમાત્મા આકાશાદિ તત્વોના અધિષ્ઠાતા છે તો પછી પ્રત્યેક શરીરના અધિષ્ઠાતા પણ તે જ થશે. જીવાત્માને શરીરના અધિષ્ઠાતા માનવાનું ઉચિત નહિ લેખાય પરંતુ દોષપૂર્ણ કહેવાશે. તો તેના ઉત્તરમાં જણાવવામાં આવે છે કે છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે ત્રણે તત્વોને ઉત્પન્ન કર્યા બાદ પરમાત્માએ વિચાર્યું કે હવે જીવાત્માની સાથે આ ત્રણે દેવતામાં પ્રવેશીને અનેક નામ ને રૂપોને પ્રકટ કરું. એ કથન પરથી પુરવાર થાય છે કે પરમાત્માએ જીવાત્મા સાથે તત્વોમાં પ્રવેશીને જગતનો વિસ્તાર કર્યો.

ઐતરેયોપનિષદમાં પહેલા અધ્યાયના ત્રીજા ખંડમાં જણાવ્યું છે કે જીવાત્માને સહયોગ દેવા માટે પરમાત્માએ સજીવ શરીરમાં પ્રવેશ કર્યો. કઠોપનિષદમાં પણ જીવાત્મા તથા પરમાત્માને હૃદયરૂપી ગુફામાં રહેલા કહ્યા છે. એ બધા વર્ણન પરથી સાબિત થાય છે કે જીવાત્મા તથા પરમાત્મા બંને એક જ શરીરમાં નિવાસ કરે છે. એ દૃષ્ટિથી વિચારીએ તો જીવાત્માને શરીરના અધિષ્ઠાતા તરીકે માનવામાં કશો દોષ નથી કે કોઈ જાતનો વિરોધ નથી પેદા થતો.

---

१६. तस्य च नित्यत्वात् ।

અર્થ
તસ્ય = એ જીવાત્માની. 
નિત્યવાત્ = નિત્યતા પ્રસિદ્ધ હોવાથી.
ચ = પણ.

ભાવાર્થ
પરમાત્માએ જીવાત્માની સાથે તત્વોમાં પ્રવેશ કર્યો હોય તો પછી તત્વોની ઉત્પત્તિ પહેલાં કે ઉત્પત્તિ પછી જીવાત્માની ઉત્પત્તિનું વર્ણન કેમ નથી કરવામાં આવ્યુ એવી જિજ્ઞાસાના જવાબમાં અહીં જણાવવામાં આવે છે કે જીવાત્મા તો નિત્ય છે એટલે એની સ્થૂળ ઉત્પત્તિનો કોઈ પ્રશ્ન જ નથી પેદા થતો. તે છતાં પણ સૃષ્ટિની શરૂઆતમાં શરીરની ઉત્પત્તિ સાથે સાથે ગૌણરૂપે એની ઉત્પત્તિ કહી બતાવી છે. એટલે તત્વોની ઉત્પત્તિ પહેલાં કે ઉત્પત્તિ પછી જીવાત્માની ઉત્પત્તિનું વર્ણન ના કરવામાં આવ્યું હોય તો તેમાં કશો દોષ છે એવું નથી સમજવાનું.