if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Significance of Mahabharat}

Creator of every religious book mentions its significance. It's purpose might be to highlight the importance of the book or to answer questions of reader about the result or impact of reading a particular book. Sage Vyas was no exception.

The most significant quote found in Mahabharat is "What is found herein about dharma (duty or religion), artha (wealth), kama (pleasure) and moksha (liberation or salvation), may also be found in other books BUT if it is not found herein, it won't be anywhere else (or it does not matter)." It means that, Mahabharat is a complete guide on these four important aspects of life.

{/slide}

લગભગ બધા જ મોટામોટા ધર્મગ્રંથોમાં એમના માહાત્મ્યનો ઉલ્લેખ આવે છે. ગ્રંથકારને માહાત્મ્ય લખવાથી જ સંતોષ વળે છે. અથવા તો ધર્મગ્રંથોની સર્વોપરિતા અને આવશ્યકતા બતાવવાને માટે એમના માહાત્મ્ય તરફ એ અંગુલિનિર્દેશ કરતા હોય છે. એવી પ્રવૃત્તિમાં લોકમાનસ પણ જેવો તેવો ભાગ નથી ભજવતું. લોકો મોટેભાગે એવું પૂછતાં હોય છે કે અમુક ધર્મક્રિયા કે ધર્મગ્રંથનો આશ્રય લેવાથી શું પરિણામ આવશે ! એમની મનોવૃત્તિને લક્ષમાં લઇને, એને સંતોષવાના શુભ ઉદ્દેશથી પ્રેરાઇને, ગ્રંથકાર પોતાના ગ્રંથનું માહાત્મ્ય કહી બતાવે છે. એ માહાત્મ્ય અથવા તો ફળશ્રુતિથી પ્રેરાઇને કે પછી પ્રભાવિત થઇને વાચકો ગ્રંથનો લાભ લેવા માટે તૈયાર થતા હાય છે. એ દૃષ્ટિએ જોતાં ફળશ્રુતિ કે માહાત્મ્યનો ઉલ્લેખ કાંઇ અસ્થાને નથી.

મહાભારતમાં પણ મહર્ષિ વ્યાસે માહાત્મ્યનો એવો નિર્દેશ કરેલો છે. મહાભારત ગ્રંથના પઠન-પાઠનની શક્યતા કે શક્તિની તેમાંથી સૂચના મળે છે. એ નિર્દેશ પર ઊડતો દૃષ્ટિપાત કરી જઇએ. આ રહ્યો એ ઉલ્લેખ કે નિર્દેશઃ

"જે વિદ્વાન પુરુષ ઉદાર, દાની, આસ્તિક અને સત્યપરાયણ પુરુષોને શ્રીકૃષ્ણદ્વૈપાયન રચિત આ વેદ વાંચી સંભળાવશે, તેને ધન મળશે, ભ્રૂણહત્યા કરવાથી થયેલું પાપ પણ આ ઇતિહાસ સાંભળવાથી છૂટી જાય છે એ નિઃસંશય છે. જેમ ચંદ્ર રાહુથી મુક્ત થાય છે, તેમ ભારે દુરાચારી પણ આ ઇતિહાસ સાંભળવાથી સર્વે પાપોથી મુક્ત થાય છે . આ ઇતિહાસનું નામ જય છે માટે જયની ઇચ્છાવાળાએ તે સાંભળવો જ જોઇએ. એ સાંભળનાર પૃથ્વીને જીતે છે તેમજ શત્રુને હરાવે છે. વળી આ ઇતિહાસ શ્રવણ કરવાથી શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય છે તથા મહાકલ્યાણ થઇ જાય છે. આ ઇતિહાસ પવિત્ર ધર્મશાસ્ત્ર છે, પરમ અર્થશાસ્ત્ર છે, એમ અમાપ બુદ્ધિવાળા વ્યાસદેવે કહ્યું છે.

"અત્યારે કોઇ કોઇ આ મહાભારતનું કીર્તન કરે છે. એવી રીતે ભવિષ્યમાં બીજા અનેક એને સાંભળશે. આનું શ્રવણ કરીને પુત્રો પિતાના પ્રિય તથા આજ્ઞાંકિત બને છે. જે માણસ આનું શ્રવણ કરે છે તેનું શારીરિક, વાચિક અને માનસિક પાપ છૂટી જાય છે. ભરતકુળનું આ મહાન જન્મવૃત્તાંત જે ઇર્ષ્યારહિત થઇને સાંભળે છે, તેને વ્યાધિનો ભય જ નથી રહેતો. તેને પરલોકનો ભય તો હોય જ ક્યાંથી ? જે માણસ પુણ્યને અર્થે આ લોકમાં પવિત્ર પુરુષોને આ મહાપવિત્ર મહાભારત સંભળાવે છે, તેને સનાતન ધર્મની પ્રાપ્તિ થાય છે. જે માણસ પવિત્ર થઇને કુરુઓના વિખ્યાત વંશનું કીર્તન કરશે, તેનો વંશ વિસ્તાર પામશે અને લોકોમાં તે સર્વશ્રેષ્ઠ ને પૂજ્ય મનાશે."

"વ્રત તથા નિયમના પાલનપૂર્વક જે કોઇ ચાતુર્માસમાં આ મહાભારતનું પઠન કરશે, તે બધી જાતનાં પાપોથી મુક્તિ મેળવશે. મહાભારતનો પાઠ કરનાર વેદોમાં પારંગત થયેલો મનાશે. આ મહાભારત સર્વે વેદોના સમુચ્ચયરૂપ છે. ધર્મમય બુદ્ધિવાળાઓએ એનું શ્રવણ કરવું જોઇએ. જે વિદ્વાન બ્રાહ્મણ આ લોકમાં પર્વને દિવસે આ ગ્રંથનું શ્રવણ કરાવે છે તે નિષ્પાપ થાય છે, સ્વર્ગને જીતે છે, અને સનાતન બ્રહ્મલોકને પામે છે. જે માણસ શ્રાદ્ધને અંતે આ મહાભારતનું એક પદસરખું પણ બ્રાહ્મણોને સંભળાવે છે, તેનું તે શ્રાદ્ધ તેના પિતૃઓને અક્ષયતૃપ્તિ આપે છે. દિવસે ઇન્દ્રિયોથી અથવા મનથી, જાણતાં કે અજાણતાં, જે પાપ કર્યા હોય છે, તે આ મહાભારતનું આખ્યાન સાંભળતાં જ લય પામે છે."

"ભરતકુલના મોટા જન્મવૃત્તાંતો આમાં વર્ણવાયા છે તેથી આનું નામ મહાભારત છે. એના કથાકીર્તનથી માણસોનાં મહાપાતકો છૂટી જાય છે. શક્તિશાળી શ્રીકૃષ્ણદ્વૈપાયન મુનિ પવિત્ર અને નિત્ય ઉદ્યોગપરાયણ રહીને ત્રણ વર્ષમાં મહાભારતની રચના કરીને સફળમનોરથ થયા હતા. એ મહર્ષિએ તપ તથા નિયમનું પાલન કરીને આ રચ્યું છે. તેથી બ્રાહ્મણે નિયમશીલ રહીને એનું શ્રવણ કરવું જોઇએ. શ્રીકૃષ્ણદ્વૈપાયને કહેલી આ ઉત્તમ તથા પવિત્ર કથાને જે સંભળવાશે અને માનવો તેનું શ્રવણ કરશે, તેમને કદીય પાપ નહિ અડે, પછી ભલે તે સુકર્મી હોય કે કુકર્મી હોય. ધર્મકામનાવાળા મનુષ્યે આ સર્વ ઇતિહાસને આખોય સાંભળવો જોઇએ. તેમ કરવાથી તેને સિદ્ધિ સાંપડશે. મનુષ્યને આ પરમપવિત્ર ઇતિહાસના શ્રવણથી જે પ્રસન્નતા મળે છે, તે સ્વર્ગલોકને પામ્યાં છતાં પણ તેને નથી મળતી."

"શ્રદ્ધાપૂર્વક આ કથાને સાંભળનાર તથા સંભળાવનારને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે. આ મહાભારત વેદો સમાન છે. તે રત્નનિધિ છે, ઉત્તમ ને પવિત્ર છે, કર્ણમધુર તથા સાંભળવા યોગ્ય છે, પાપનાશક તેમજ શીલવર્ધક છે. વાચકને જે આ મહાભારત ભેટ આપે છે, તેણે જાતે સાગરરૂપી કટિમેખલાવાળી પૃથ્વીનું દાન કર્યું છે એમ સમજી લેવું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સંબંધમાં જે અહીં છે તે જ બીજે છેઃ પરંતુ જે અહીં નથી તે બીજે ક્યાંય નથી."

મહાભારતના આદિપર્વનાં ઉપરનાં અવતરણો પરથી એના માહાત્મ્યનો ખ્યાલ આવે છે. એ માહાત્મ્ય જિજ્ઞાસુ તથા રસિકજનોને જરૂર પ્રેરક થશે. તોપણ, મહાભારતના બીજી જાતના, વિશેષ ઉપયોગી, સાચા માહાત્મ્યનો વિચાર અવશ્ય કરવા જેવો છે. મહાભારતનું માહાત્મ્ય આટલામાં જ નથી સમાયું. અને હોય તોપણ, તેને બીજી રીતે વિચારવાની આવશ્યકતા છે. તેવી રીતે વિચારવાની પદ્ધતિ લાભકારક થઇ પડશે. એ પદ્ધતિ કઇ છે ? અથવા તો મહાભારતનું સાચું ને મૂળભૂત માહાત્મ્ય શામાં સમાયેલું છે ? એનો વિચાર પણ કરવો જોઇએ.

મને લાગે છે કે કુટુંબક્લેશમાંથી મુક્તિ એ મહાભારત જેવા મહાગ્રંથનું સાચું માહાત્મ્ય છે અને હોવું જોઇએ. મહાભારતના વાચન, શ્રવણ તથા ચિંતનમનનમાં રસ લેનાર માનવ જો કુટુંબક્લેશમાંથી મુક્તિ ના મેળવે તો શું કામનું ? એનું વાચન, શ્રવણ, ચિંતન ને મનન અધૂરું જ રહેશે. કુટુંબક્લેશની ભયંકર જ્વાળામાંથી તો મહાભારતનું નિર્માણ થયું હતું. એટલે મહાભારત કુટુંબક્લેશમાંથી મુક્તિ મેળવવાનો સનાતન સંદેશ આપે છે, અને એના રસિયાઓએ એ સંદેશ ઝીલીને એવી મુક્તિ મેળવવી જ રહી.

વ્યસનમુક્તિનો સંદેશ પણ મહાભારતના માહાત્મ્યમાં આવી જાય છે. એ વાત દ્યુતના પ્રસંગ પરથી જાણીતી છે. સ્ત્રીની લાલસા, પરસ્ત્રી પ્રત્યેનો અસભ્ય વ્યવહાર કેટલો બધો અમંગલ, અપશુકનિયાળ, અભિશાપરૂપ અથવા તો વિઘાતક નીવડે છે એ વાત દ્રૌપદીના ચીરહરણના પ્રસંગ પરથી સહેલાઇથી શીખવા મળે છે, અને એ પણ મહાભારતના માહાત્મ્યની અંતર્ગત આવી જાય છે એ પણ યાદ રાખવા જેવું છે. એની સાથે સાથે, સત્યનો જય અને અસત્ય અથવા અનીતિનો ક્ષય થાય છે. એ પણ આ મહાન ગ્રંથનો સંદેશ છે. એ સંદેશને દૃષ્ટિ સમક્ષ રાખીને માણસે ઇશ્વર, સત્ય, ધર્મ, ન્યાય ને નીતિનો પક્ષ લેવાનો છે, તથા એ પક્ષને સાચવી રાખવાની ભરચક કોશિશ કરવાની છે. એમ કરતાં દુઃખ આવે, પ્રતિકુળતા, વિરોધ કે સંકટનો સામનો કરવો પડે તો પણ, પોતે હિંમત નથી હારવાની, નિરાશ નથી થવાનું, ને નાસીપાસ પણ નથી બનવાનું. સર્વે પ્રકારના સંજોગોમાં એણે પોતાની મનોવૃત્તિને સ્થિર રાખવાની છે.

મહાભારતનું આટલું માહાત્મ્ય અથવા મૂળભૂત માહાત્મ્ય જો યાદ રહે તો કેટલો બધો મહત્વનો લાભ થાય ? પ્રજા એ મૂળભૂત માહાત્મ્યને ભૂલી ગઇ છે એ ચિહ્ન એના ઉત્કર્ષને માટે આવકારદાયક તો નથી જ. પુસ્તકોનું જ્યારે પોપટપારાયણ જ કરવામાં આવે અને એના આત્માની અવગણના થાય ત્યારે એ પદ્ધતિ લાંબે ગાળે ભારે હાનિકારક થઇ પડે એ દેખીતું જ છે.

– © શ્રી યોગેશ્વરજી (મહાભારતના મોતી)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.