આદિ પર્વ

દુષ્યંતનો આશ્રમપ્રવેશ

{slide=Dushyant enter Sage Kanva's ashram}

Principal stories woven inside Mahabharata includes the love story of Dushyant and Shakuntala. King of Hastinapur, Dushyant reached deep into the forest chasing a hunt. He saw a peaceful place in the middle of the forest. It was Sage Kanva's place.

Out of curiosity he entered into the ashram. At that time, Sage Kanva was not present in the Ashram. Instead, Dushyant found an extraordinary woman named Shakuntala there. The King was attracted to her at first sight. What happened next ?

{/slide}

મહાભારતમાં વર્ણવાયેલી દુષ્યંત અને શકુંતલાની કથા આજે પણ અવનવી, આકર્ષક, રોચક લાગે છે. લેખકો, કવિઓ, કથાકારો એમાંથી પ્રેરણા મેળવે છે. મહાકવિ કાલિદાસે એનો જ આધાર લઇને સંશોધન સંવર્ધન સાથે પોતાની પ્રખ્યાત કૃતિ અભિજ્ઞાનશાકુંતલનું સર્જન કર્યું. વરસો પહેલાં લખાયલી આપણી 'સ્મૃતિ' નામની નવલકથા એ જ પૌરાણિક કથાવસ્તુ પર આધારિત છે. એ કથા સૌને માટે પ્રેરક થઇ પડે તેવી છે.

દુષ્યંત અને શકુંતલા કોઇક પરંપરાગત પ્રાણવાન પૂર્વસંસ્કારોથી પ્રેરાઇને એકમેક પ્રત્યે પ્રથમ મેળાપે જ પ્રેમ કરતાં થયાં. દુષ્યંત હસ્તિનાપુરનો રાજા અને શંકુતલા એકાંત આશ્રમવાસિની. એ બંનેનો મેળાપ ક્યાં અને કેવી રીતે થયો અને રાજા દુષ્યંતે અરણ્યના એકાંત આશ્રમમાં કયા સંજોગોમાં પ્રવેશ કર્યો તે જાણવા જેવું છે.

રાજા દુષ્યંતના અરણ્ય શાંત એકાંત આશ્રમના પ્રવેશનું મુખ્ય કારણ મૃગયા હતું. રાજા દુષ્યંતે મૃગયા કરતાં એકાંત અરણ્યમાં પ્રવેશ કર્યો. મહાભારતમાં કહ્યા પ્રમાણે -

"હજારો મૃગોને મારીને રાજા દુષ્યંતે પોતાના વિશાળ લશ્કર અને વાહનો સાથે એક મૃગને માટે બીજા વનમાં પ્રવેશ કર્યો. ભૂખ્યો તથા તરસ્યો રાજા વનની અંદરના પ્રદેશ સુધી પહોંચ્યો તો ત્યાં શૂન્ય વિસ્તાર દેખાયો. ત્યાંથી આગળ વધતાં એક બીજું મહાવન મળ્યું. તે મહાવન ઉત્તમ આશ્રમોથી અલંકૃત, મન અને આંખને આનંદ આપનારું, શીતલ સુખકારક સમીરથી સંપન્ન, ફૂલોવાળાં વૃક્ષોથી ભરેલું, લીલાછમ સુંવાળા ઘાસથી છલાયલું, સુમધુર સ્વરવાળાં વિહંગોના નાદવાળું, કોકિલના ટહુકારથી અને તમરાંઓના અવાજથી છલેલું હતું."

"એ પરમસૌન્દર્યસંપન્ન વનમાં ફૂલફળ કે કંટક સિવાયનું ભ્રમરગણ ના બેઠું હોય એવું એક પણ વૃક્ષ નહોતું. પંખીઓના કલરવવાળા, સુમનોથી સંપૂર્ણપણે સુશોભિત, સર્વઋતુનાં સુખકારક શીતળ વૃક્ષોથી વીંટળાયલા, એ ઉત્તમ મનહર વનમાં મહાધનુર્ધારી અતિબળવાન રાજાએ પ્રવેશ કર્યો. પવનથી ડોલતાં ફૂલભરેલી શાખાપ્રશાખાવાળાં વૃક્ષોએ એના પર ચિત્રવિચિત્ર પુષ્પોની વૃષ્ટિ કરી. એથી એ પરમ પ્રતાપી રાજા પ્રસન્ન થયો. મસ્ત વાનરો તથા કિન્નરોવાળું તે વન સિદ્ધો, ચારણો, ગંધર્વો અને અપ્સરાઓના સમૂહથી સેવાયેલું. ત્યાં પરમસુખકર સુશીતળ, સુગંધભરેલો તથા પુષ્પોના પરાગને પ્રસારનારો પવન ક્રીડા કરવા માટે વિહાર કરતાં વૃક્ષો પાસે આવી રહેલો."

"એ વનમાં રાજાએ એક શ્રેષ્ઠ સ્મરણીય, આહલાદક આશ્રમ જોયો. તે વિવિધ વૃક્ષોથી ઢંકાયેલો. એમાં પવિત્ર અગ્નિઓ પ્રજ્વલિત હતાં. એમાં યતિઓ, સાધકો, મુનિઓ વિરાજતા. એમાં અનેક અગ્નિગૃહો હતાં. એની સમીપે માલિની નદી વહેતી. વિહંગવૃંદોથી શોભતી તે નદી તપોવનથી અતિશય આકર્ષક લાગતી. ત્યાં વિહરતાં હરણાંને અને પશુઓને વેરરહિત વિલોકીને રાજા આશ્ચર્ય અને આનંદ પામ્યો. માલિની નદીનાં પ્રસન્ન પ્રશાંત તટપ્રદેશ પર ચક્રવાક પક્ષી ક્રીડા કરતાં. ત્યાં મદોન્મત્ત હાથીઓ, વાઘો અને સાપોનો વાસ હતો. કશ્યપગોત્રી મહર્ષિ કણ્વનો મુનિસમૂહથી સેવાયેલો શ્રેષ્ઠ રમણીય આહલાદક આશ્રમ ત્યાં જ હતો એ જ પવિત્ર તટપ્રદેશ પર. એ નરનારાયણના સુંદર આશ્રમની પેઠે શોભી રહેલો."

"રાજાએ મસ્ત મયૂરોના મીઠા ટહુકારથી ગાજી રહેલા મહાવનમાં પ્રવેશ કર્યો."

"એને મહર્ષિ કણ્વનાં દર્શનની અભિલાષા હતી."

"એણે હાથી, ઘોડા, પાળાઓથી પરિપૂર્ણ પોતાની સેનાને વનમાં એક બાજુએ રાખીને જણાવ્યું કે હું હવે રજોગુણરહિત તપસ્વીશ્રેષ્ઠ મહર્ષિ કણ્વનાં દર્શન માટે જઉં છું હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી તમે ઊભા રહેજો. મારી પ્રતીક્ષા કરજો ."

"એ નંદનવનસમા વનમાં પ્રવેશતાં જ રાજા દુષ્યંતની ભૂખતરસ મટી ગઇ. એને અપાર આનંદ થયો. એણે સઘળાં રાજચિહ્નોને અળગાં કર્યા અને પોતાના પ્રધાન તથા પુરોહિત સાથે આશ્રમમાં પ્રવેશ કર્યો. એણે આશ્રમનું અવલોકન કરવા માંડયું. યજ્ઞવિદ્યાનાં જુદાંજુદાં અંગોને જાણનારા યજુર્વેદવેત્તાઓથી અને નિયમપરાયણ સામવેદી ઋષિઓનાં સુમધુર સામગાનોથી એ આખોય આશ્રમ અલંકૃત લાગતો. એમાં સામવેદ અને અથર્વવેદમાં નિપુણ ઋષિઓ પદ તથા ક્રમને અનુસરીને પોતપોતાની સંહિતાના પાઠ કરી રહેલા."

"શત્રુનાશક રાજાએ ત્યાં નિયમપરાયણ, વ્રતશીલ, જપ તથા હોમમાં મગ્ન વિપ્રોને જોયાં. ત્યાં ભારે પરિશ્રમપૂર્વક ગોઠવવામાં આવેલાં આકર્ષક અદભુત આસનોને અવલોકીને એને આશ્ચર્ય થયું. એ સુંદર, સર્વોત્તમ આશ્રમને જોઇને તે ધરાયો નહીં."

એ આખાય વર્ણનમાં એ વાત સવિશેષ ઉલ્લેખનીય છે કે રાજા દુષ્યંતે સેનાને દૂર રાખી, પોતાનાં વ્યક્તિગત રાજચિહ્નોને અળગાં કરીને, કણ્વમુનિના આશ્રમમાં પ્રવેશ કર્યો. રાજા તરીકેના કોઇ પણ પ્રકારના અહંકાર વિના, કેવળ ગુણજ્ઞ ભાવે, નમ્રાતિનમ્ર બનીને. આપ્તકામ આત્મદર્શી ઋષિવરોનાં દર્શન માટે એવી રીતે જ જવાનું હોય. પોતાની દુન્યવી ઉપાધિઓને પરિત્યાગીને. અહંને ઓગાળી નાખીને. પૂર્વગ્રહમાંથી મુક્તિ મેળવીને એવા સત્પુરુષોના દર્શનસમાગમથી ત્યારે જ લાભ થાય. રાજા દુષ્યંતના એ વ્યવહાર સાથે રાજા પરીક્ષિતનો વ્યવહાર સરખાવવા જેવો છે. પરીક્ષિત શમીકમુનિના આશ્રમમાં રાજારૂપે, અહંતાથી સંપન્ન બનીને ગયેલો. પરિણામે એનો આશ્રમપ્રવેશ અભિશાપરૂપ, અશાંતિદાયક થઇ પડ્યો. દુષ્યંતને માટે કણ્વમુનિના આશ્રમનો પ્રવેશ પ્રેરક, વરદ, શાંતિકારક, અમોઘ આશીર્વાદરૂપ ઠર્યો. બંને પ્રસંગો એક જ પ્રકારના પરંતુ પદ્ધતિમાં, દૃષ્ટિમાં તથા મનોવૃત્તિમાં તફાવત એટલે બંનેના પરિણામ જુદાંજુદાં આવ્યા.

– © શ્રી યોગેશ્વરજી (મહાભારતના મોતી)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.