Text Size

Adi Parva

યયાતિનું વનગમન

{slide=Yayati renounce material pleasures}

King Yayati prematurely became old due to the curse. He did not like it so he asked his sons to take his old age. Puru, one of his son, willingly took old age of King Yayati. Yayati became young again and started enjoying all material pleasures.

When he finally got exhausted, he realized that one can never get satisfied with material pleasures. So he again accepted his curse, made his son Puru the king and himself headed for forest. Puru continued the lineage of his father Yayati. Puru vansha (lineage) is known after his name. 

{/slide}

વૃદ્ધાવસ્થા કોઇને પસંદ પડે ખરી ? માનવનું ચાલે તો તે તેને પસંદ ના કરે. સ્વતંત્રતાપૂર્વકની પસંદગીનો અબાધિત અધિકાર આપવામાં આવે તો એને અપનાવવાની અભિરુચિવાળું ભાગ્યે જ કોઇ મળે. પરંતુ એને અપનાવવાનો અથવા ના અપનાવવાનો સવાલ જ રહેતો નથી. એ એવી ચોક્કસ રીતે અટળપણે આવે છે કે વાત નહીં. માનવને પસંદ પડે કે ના પડે તો પણ વખતના વીતવાની સાથે આવે જ છે. એની અવગણના અથવા અવહેલના નિરર્થક છે. એનો ઉદ્વેગ, ભય અથવા વિષાદ નકામો છે. એથી કોઇ ધારેલો હેતુ નથી સરતો, આવશ્યકતા તો એને અનિવાર્ય સમજીને, એનો સદુપયોગ કરવાની અને એને તનથી આગળ વધીને બની શકે તો મનમાં પ્રવેશતી અટકાવવાની છે. શરીર યુવાન રહે અને મન વૃદ્ધ બને એના કરતાં શરીર વૃદ્ધ થવા માંડે પરંતુ મન યૌવનથી સંપન્ન રહે એવી વધારે સારી અને ઇચ્છવા જેવી છે. જે અપવાદરૂપ અવસ્થામાં તન તથા મન બંને વૃદ્ધ બની જાય અથવા જર્જરિત અને અનુપયોગી થાય એ અવસ્થા મરણની આવૃત્તિ જેવી જ બની જાય.

યયાતિને શુક્રાચાર્યના શાપના પરિણામે અકાળે અનિચ્છાએ વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ થઇ એટલે એ અવસ્થા ગમી નહીં. એ અવસ્થાને એ આનંદપૂર્વક સહજ રીતે અપનાવી ના શક્યો.

એ વૃદ્ધાવસ્થાના બદલામાં પોતાના પુત્રોમાંથી કોઇક પુત્ર એને યુવાવસ્થા આપે એવી એને ઇચ્છા થઇ.

શુક્રાચાર્યના શાપમાંથી એટલી આશા અથવા શક્યતા તો સમાયલી જ.

એણે પોતાના પુત્રોને પોતાની વૃદ્ધાવસ્થાને ગ્રહણ કરવા માટે કહી જોયું.

યદુએ, તુર્વસુએ, દ્રુહ્યુએ, અનુએ વૃદ્ધાવસ્થાને લેવાની ને બદલામાં યૌવનને આપવાની ના પાડી. એમણે એમની આગવી રીતે એના દોષોનું વર્ણન કર્યું.

સૌથી છેલ્લા પાંચમા પુત્ર પુરુએ પોતાના યૌવનને આપવાની ને યયાતિની વૃદ્ધાવસ્થાને લેવાની તૈયારી દર્શાવી.

પુરુની પિતૃભક્તિથી પ્રસન્ન થયેલા યયાતિએ એને આશીર્વાદ આપતાં જણાવ્યું કે તારા રાજ્યમાં પ્રજા સઘળી કામનાઓની પૂર્તિથી પ્રસન્ન રહેશે.

યયાતિએ શુક્રાચાર્યનું ધ્યાન ધરીને પુરુને પોતાની વૃદ્ધાવસ્થા પ્રદાન કરી.

વૃદ્ધાવસ્થાના બદલામાં સાંપડેલી પુરુની યુવાવસ્થાની મદદથી યયાતિએ યૌવનસહજ શક્તિસંપત્તિથી વિષયોનું સેવન કરવા માંડ્યું.

વિષયભોગોને ભોગવવામાં એનો વખત ખૂબ જ સંતોષપૂર્વક વીતવા લાગ્યો.

ફરીથી સાંપડેલા યૌવનનો સ્વર્ણસમય પણ એક દિવસ અચાનક પૂરો થશે એવા વિચારથી એને અસાધારણ ઉદ્વેગ થવા તથા ભય લાગવા માંડ્યો.

યૌવનના સુખોપભોગનો સમય સહસ્ત્ર વરસનો હોય તોપણ એનો અંત તો આવવાનો જ. એ કાંઇ અમર અથવા યાવચ્ચંદ્રદિવાકરૌ રહેનારો ના જ હોય.

એ વખતે, એનો અંત આવે ત્યારે શું ?

પરિસ્થિતિ અતિશય કરુણ થાય. જીવનનો એવો ધક્કો વાગે કે વાત નહીં. એને લીધે સમસ્ત ચિત્તતંત્ર ખોરવાઇ જાય. ઉન્માદ થાય.

પ્રાપ્તિનો આનંદ અજબ હોય છે પરંતુ અપ્રાપ્તિનો અવસાદ પણ એવો જ અસાધારણ. અનિર્વચનીય.

યયાતિએ વિશ્વાચી અપ્સરા સાથે મેરુ પર્વતના શિખર પર, સુશોભિત નંદનવનમાં, તથા અસંખ્ય સૌન્દર્યસ્થાનોમાં વરસો સુધી સ્વૈરવિહાર કરીને ઇન્દ્રિયોના ભોગોને ભોગવ્યા તોપણ પરિતૃપ્તિને ના અનુભવી, ત્યારે અંતઃકરણમાં સદબુદ્ધિનો સૂર્યોદય થવાથી પુરુને ઉદ્દેશીને ઉદગારો કાઢયા કે વિષયવતી વૃત્તિનો નાશ કઠિન છે.

"હે અરિનાશન, તારા યૌવનની સહાયતાથી મેં મારી મરજી મુજબ ઉત્સાહપૂર્વક વિષયોને ભોગવ્યા છે, તોપણ મને સંતોષ નથી સાંપડ્યો. કામવાસના વિષયોના ઉપભોગથી શમતી નથી પરંતુ ઘીને નાખવાથી જેમ અગ્નિ વધે છે તેમ, વધતી જાય છે. આ પૃથ્વીમાં જે ધનધાન્ય, સુવર્ણ, પશુ તથા સ્ત્રીઓ છે તે એકઠાં મળીને પણ પૂરતાં લાગતાં નથી. તેથી તૃષ્ણાનો ત્યાગ કરવો જોઇએ. જેનો ત્યાગ દુર્બુદ્ધિવાળા પુરુષો દ્વારા કપરો છે, જે વૃદ્ધાવસ્થાને પામીને પણ જીર્ણ થતી નથી, અને જે પ્રાણનાશક રોગના જેવી ઘાતક છે, તે તૃષ્ણાનો ત્યાગ કરવાથી જ સુખ સાંપડે છે. મેં આસક્ત ચિત્તથી વિષયોને સેવ્યા અને મારાં સહસ્ત્ર વર્ષો સમાપ્ત થઇ ગયાં તોપણ મારી તૃષ્ણા દિનપ્રતિદિન વધતી જ જાય છે. તેથી તે તૃષ્ણાને ત્યાગીને, ચિત્તને પરબ્રહ્મમાં પરોવીને, અને દ્વંદ્વ તથા મમત્વમાંથી મુક્તિ મેળવીને, હું હવે મૃગો સાથે વનમાં વિચરીશ. પુરુ, હું તારા પર પ્રસન્ન છું. તારું કલ્યાણ થાવ. તારા યૌવનને હવે પાછું લે અને રાજ્યનો સ્વીકાર કર. તું મારો પ્રિય કરનારો પુત્ર છે."

રાજા યયાતિનો એ અનુભવ સામાન્ય રીતે માનવમાત્રનો અનુભવ કહી શકાય. સૌ સામાન્ય રીતે સમજે છે કે કામની તૃપ્તિ કામનાના અધિકાધિક ઉપભોગથી નથી થતી; વિવેક અથવા સદબુદ્ધિપૂર્વકના સંયમ દ્વારા જ થઇ શકે છે. તોપણ સૌ કોઇ આત્મસંયમના માર્ગે આગળ નથી વધતા. એથી અતૃપ્તિ અથવા અશાંતિનો અંત નથી આવતો. પરિતૃપ્તિ વિષયોના વધારે ઉપભોગમાં નથી કિન્તુ ત્યાગમાં અથવા સમજપૂર્વકના સંયમમાં રહેલી છે એ જેટલું પણ વહેલું સમજી લેવાય તેટલું સારું છે.

યયાતિએ પુનઃ વૃદ્ધાવસ્થા લીધી અને પુરુએ પુનઃ યૌવનને સ્વીકાર્યું.

યયાતિએ સૌને જણાવ્યું કે જે પિતાથી પ્રતિકૂળ વ્યવહાર કરે તેને સજ્જનો પુત્ર નથી માનતા. જે માતપિતાના વચનને પાળે છે અને માતપિતાને અનુકૂળ હોય તે જ પુત્ર કે સુપુત્ર કહેવાય છે. પુરુએ મારા વચનને માન્ય રાખ્યું તેથી મારો સાચો વારસ તે જ છે. શુક્રાચાર્યે પણ કહેલું કે મારા આદેશને અનુસરનારો પુત્ર જ રાજા થશે.

પુરુનો રાજ્યાભિષેક કરીને યયાતિએ આત્મકલ્યાણની અભિલાષાથી પ્રેરાઇને વનવાસની દીક્ષા લીધી. એ પોતાના પાટનગરથી બહાર નીકળ્યો.

પુરુના નામથી પૌરવવંશ પ્રારંભ પામ્યો.

*

પુરુને રાજ્ય પ્રદાન કર્યા પછી યયાતિએ સંભળાવેલો સદુપદેશ સાચેસાચ નોંધપાત્ર છે. એ સ્વાનુભવસિદ્ધ શ્રેયસ્કર સદુપદેશની રજૂઆત આજે પણ ઉપયોગી હોવાથી અસ્થાને નહિ ગણાય.

યયાતિએ પુરુને પ્રેમપૂર્વક કહ્યું : "ક્રોધ ના કરનારો માનવ ક્રોધને કરનારા માનવથી ઉત્તમ માનવો. ક્ષમાવાન અક્ષમાવાનથી અધિક છે. મનુષ્યો અન્ય પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ છે. વિદ્વાનો અવિદ્વાનો કરતાં શ્રેષ્ઠતર છે."

"નિંદા કરનારની સામી નિંદા ના કરવી. ક્ષમાશીલનો સદભાવ નિંદકને શાંત કરે છે અને એથી એ ક્ષમાશીલને પુણ્યલાભ મળે છે.

કોઇને પીડા ના પહોંચાડવી. કઠોર વાણી ના બોલવી. કોમળ વાણી જ કહેવી.

શત્રુને મારણ જેવા હલકા ઉપાયોથી વશ ના કરવો.

જે વાણીથી બીજાને ઉદ્વેગ થાય તેવી દાહક, હલકી, આસુરી વાણીને ના બોલવી. જે માનવ બીજાને વાણીરૂપ શૂળોથી ભેદી નાખે છે, જે દુષ્ટ વાણીરૂપી વિષને વહે છે, પીડા પહોંચાડે છે તથા કઠોર છે, એને આ દુનિયામાં મહાન દરિદ્રી સમજવો.

સજ્જનોની આગળ પૂજાવું અને સજ્જનોની પાછળ રક્ષિત રહેવું. વર્તનને વિમળ અને આદર્શ રાખીને દુર્જનોની નિંદાને સદા સહી લેવી અને સજ્જનોનું આચરણ આચરવું.

વદનમાંથી છૂટનારાં વાણીરૂપી બાણ બીજાનાં મર્મસ્થાનોમાં પડે છે. તેમનાથી ઘાયલ બનનાર અતિશય દુઃખ પામે છે. એટલે વિદ્વાનો બીજાને વાણીરૂપી બાણ ના મારે.

પ્રાણીમાત્રને માટે દયા, મિત્રતા, દાન તથા મધુર વાણી, એ ચાર જેવું કોઇ પણ વશીકરણ નથી.

પૂજ્ય હોય તેમને પૂજવા. દાન આપવું. કોઇ વાર યાચના ના કરવી."

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok