if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Birth of Dhritarastra, Pandu & Vidur}

As mentioned earlier, Satyavati became mother of Vyasa by entering into a relationship with Sage Parashar. When no options were left, Satyavati asked Vyasa to enter into a relationship with Amba and Ambalika. Vyasa followed his mother's command. As a result Amba became mother of Dhritarastra and Ambika became mother of Pandu.

Dhritarastra was blind from his birth so Satyavati once again pledged Vyasa. This time, Amba frightened by Vyasa's appearance send her maid in her place. Ambika's maid thus became mother of Vidur. Vyas left the place after finishing his mother's command.

{/slide}

સત્યવતીના રાજા શાંતનુ સાથેના લગ્નસંબંધ પહેલાં મહર્ષિ પરાશર દ્વારા જન્મેલા પરમપ્રતાપી સુપુત્ર મહર્ષિ વ્યાસ.

સત્યવતીએ આપદકાળમાં તેમનું સહાયતા માટે સ્મરણ કર્યું.

એણે ભીષ્મને ઉદ્દેશીને જણાવ્યું કે તેણે ચાર વેદોના વિભાગ કર્યા હોવાથી તે વ્યાસ કહેવાય છે. તેનો વર્ણ કૃષ્ણ હોવાથી કૃષ્ણ તરીકે પણ ઓળખાય છે. તે સત્યવાદી, શમસંપન્ન, તપસ્વી, ક્ષીણપાપ, દ્વીપમાં જન્મવાથી દ્વૈપાયનના વિશિષ્ટ સાંકેતિક નામે વિખ્યાત વ્યાસે મને આપત્તિસમયે સ્મરણ કરવાનું કહ્યું છે. એને બોલાવીને હું આદેશ આપીશ એટલે રાજ્યના વિશાળ હિતને લક્ષમાં લઈને એ વિચિત્રવીર્યની પત્નીઓ દ્વારા પુત્રોત્પત્તિ કરશે. એ કલ્યાણકાર્યમાં તારી સંમતિ જોઈએ.

ભીષ્મે સંમતિ આપી એટલે સત્યવતીએ મુનિ કૃષ્ણદ્વૈપાયન કે વ્યાસને યાદ કર્યા.

વેદમંત્રોના ઉચ્ચાર કરતાં મહર્ષિ વ્યાસ ત્યાં અન્યથી અજ્ઞાત રીતે પ્રગટ થયા.

સત્યવતીએ એમને જણાવ્યું કે પુત્રો પર માતા તથા પિતા ઉભયનો સમાન અધિકાર હોય છે.

વ્યાસ બોલ્યા કે તમે મારું સ્મરણ કરવાથી હું તમારી આગળ ઉપસ્થિત થયો છું તો તમારું શું પ્રિય કરું તેની મને આજ્ઞા આપો.

સત્યવતીએ સઘળો ઇતિહાસ કહી સંભળાવ્યો અને વ્યાસને વિચિત્રવીર્યની પત્નીઓમાં ગર્ભાધાન કરવા કહ્યું.

વ્યાસે વિચિત્રવીર્યની બંને સ્ત્રીઓ એક વરસ સુધી પોતાના સૂચવેલા વ્રતને કરે એવું જણાવ્યું, પરંતુ સત્યવતીને ઉતાવળ હતી એટલે વ્રતના અનુષ્ઠાનનો વિચાર અળગો રહ્યો.

મહર્ષિ વ્યાસે અંબિકા સાથે સમાગમ કર્યા પછી સત્યવતીની જિજ્ઞાસાના જવાબમાં જણાવ્યું કે વિધિપૂર્વક જન્મેલો આ ગર્ભસ્થ બાળક દસ હજાર હાથી જેવો બળવાન થશે. એ રાજર્ષિઓમાં શ્રેષ્ઠ, વિદ્વાન, પરમ ભાગ્યવાન, મહાવીર્યવાન અને અસાધારણ બુદ્ધિમાન બનશે. તેને સો પુત્રો થશે. પરંતુ માતાના દોષને લીધે એ જન્મથી અંધ રહેશે.

કુરુઓનો રાજા અંધ હોય તો યોગ્ય નહીં એવું સમજીને સત્યવતીએ બીજા પુત્ર માટે પ્રાર્થના કરી, અને વ્યાસે એ પ્રાર્થનાને માન્ય રાખી.

વિચિત્રવીર્યની બીજી પત્ની અંબાલિકા વ્યાસના વેશને વિલોકીને ફિક્કી તથા પીળી પડી ગઇ. વ્યાસે તેને જણાવ્યું કે મારા વિરૂપને વિલોકીને તું પીળી પડી ગઇ હોવાથી તારો પુત્ર પણ પીળો કે પાંડુ થશે. એનું નામ પણ એ જ રહેશે.

સત્યવતીને પણ એમણે એવી માહિતી પ્રદાન કરી.

અંબિકાને અંધ પુત્ર જન્મવાથી સત્યવતીએ (અંબિકાના) બીજા પુત્ર માટે પ્રાર્થના કરી.

એ પ્રાર્થનાને અનુલક્ષીને મહર્ષિ વ્યાસ અંબિકા પાસે જવા તૈયાર થયા. પરંતુ એમના વિકૃત વેશથી ભયભીત બનીને અંબિકાએ પોતાને બદલે દાસીને અલંકારોથી અલંકૃત કરીને એમની પાસે મોકલી આપી. વ્યાસે એનો સમાગમ સાધીને જણાવ્યું કે તું હવે દાસીપણાંમાંથી મુક્તિ મેળવશે. તારા ઉદરમાં આવેલો બાળક પૃથ્વીમાં પરમ ધર્માત્મા બનશે અને સદબુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ થશે.

એવી રીતે ધૃતરાષ્ટ્ર, પાંડુ તથા વિદુરના જન્મ થયા.

કામક્રોધથી મુક્ત, પરમાર્થતત્વના જ્ઞાતા ધર્મ પોતે જ મહાત્મા માંડવ્યના શાપથી વિદુરરૂપે જન્મેલા. કૃષ્ણદ્વૈપાયને સત્યવતીને એ વાત પ્રથમથી જ કહી બતાવેલી.

ધર્મના અને માતા સત્યવતીના ઋણથી મુક્ત બનીને મહર્ષિ વ્યાસ ત્યાંથી વિદાય થયા.

મહાભારતની એ કથા ધૃતરાષ્ટ્રાદિના જન્મના રહસ્યનું ઉદઘાટન કરવાની સાથેસાથે એ જમાનાના વિચિત્ર લાગે એવા લોકાચાર તરફ અંગુલિનિર્દેશ કરે છે. સત્યવતી મહર્ષિ વ્યાસને ભીષ્મની અનુમતિથી વિચિત્રવીર્યની પત્નીઓમાં ગર્ભાધાન માટે આદેશ આપે છે એ આશ્ચર્યકારક હોવા છતાં એ જમાનાની વિલક્ષણતાને સૂચવે છે. કોઇને એમ પણ થાય કે એને બદલે સત્યવતીએ વ્યાસને જ રાજ્ય ચલાવવાનો આદેશ આપ્યો હોત તો ? તે ઉચિત ના કહેવાત ? અરે, સત્યવતી જ શાસન ચલાવત તોપણ ખોટું નહોતું. પરંતુ એ કાળમાં સ્ત્રીઓ શાસન નહિ ચલાવતી હોય એવું લાગે છે. મંત્રીઓ સંયુક્ત રીતે બીજી યોજનાને વિચારી શક્યા હોત. પરંતુ એને બદલે સત્યવતીને એ જ ઉચિત લાગ્યું.

મહર્ષિ વ્યાસ કામુક તો હતા નહીં. માતાની આજ્ઞાને અનુસરવાની એમણે તૈયારી બતાવી. એ વિષયી કે વિલાસી હોત તો વિચિત્રવીર્યની સ્ત્રીઓને એક વરસ સુધી વ્રત કરવા માટે ના જણાવત. પોતાના કાર્યને પૂર્ણ કરીને એ શરીરસુખની સંમોહિનીમાં પડ્યા વિના સત્વર વનમાં ગયા અને ધૃતરાષ્ટ્રાદિના જન્મકર્મના વૃત્તાંતોને પોતાની દિવ્ય દૃષ્ટિથી દેખીને એમણે કહી બતાવ્યા એ દર્શાવે છે કે એ પરમોચ્ચ અવસ્થાએ પહોંચેલા સર્વથા અલિપ્ત મહાપુરુષ હતા, અને આપદ્ કાળમાં અપવાદરૂપે જ માતાની આજ્ઞાને અનુસરવા તૈયાર થયેલા. બીજા કોઇએ એમનું અનુકરણ કરવાનું વિચારવાનું પણ ના હોય.

– © શ્રી યોગેશ્વરજી (મહાભારતના મોતી)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.