if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Pandavas escaped unhurt}

When Pandavas left for Varnavat, Vidur, in his sign language, advised Yudhisthir to prepare a tunnel to escape possible fire in the house. Yudhisthir with the help of his brothers and Vidur's convoy prepared a tunnel. Here, Purochan was awaiting a green signal from Duryodhana to set ablaze the lakshagruh but destiny had carved out a different path.

One night, Kunti invited people of surrounding area and gave them food. Among the people assembled there, a woman with her five sons was also present. Purochan also used to sleep in the house. Pandavas thought that it was a good time to burn the house of wax and escape from that place using the tunnel, rather than loosing sleep each day with fear and anxiety. So they set the house of wax ablaze and escaped from the tunnel route unhurt. When people of Hasti

{/slide}

પાંડવો વારણાવતમાં પહોંચ્યા તે પહેલાં તો પુરોચને ત્યાં તેમને માટે લાક્ષાગૃહનું નિર્માણ કરી નાખેલું.

વારણાવત માટે વિદાય થતી વખતે વિદુરે મિતાક્ષરી સાંકેતિક ભાષામાં યુધિષ્ઠિરને દુર્યોધનની મલિન મુરાદ વિશે કહી સંભળાવ્યું. યુધિષ્ઠિર એ સાંકેતિક ભાષાને સુચારુરૂપે સમજી શક્યા. કુંતીના પૂછવાથી એમણે એના ગૂઢાર્થને કહી બતાવ્યો કે "ઘરમાંના અગ્નિથી ચેતતા રહેજો. તમને કોઇ માર્ગ અજાણ્યો નથી. લાક્ષાગૃહમાં સુરંગ તૈયાર કરાવવાથી તે સુરંગમાં પ્રવેશીને સુરક્ષિત રીતે બહાર નીકળી શકાશે. તમને કોઇને પુરોચન મકાનને આગ લગાડશે તોપણ નહિ બાળી શકે."

વારણાવતવાસીઓએ પાંડવોનો વિધિસહિત સમુચિત સત્કાર કરીને પોતાના નગરના એમના પુણ્યપ્રવેશને વધાવ્યો અને અસાધારણ આનંદ દર્શાવ્યો.

પુરોચને એમને માટે નિર્માયલા ખાસ નિવાસસ્થાનમાં ઉતારો આપ્યો. એ નિવાસસ્થાનમાં દસેક દિવસ રહ્યા પછી પાંડવો પુરોચનની યોજનાનુસાર લાક્ષાગૃહમાં રહેવા લાગ્યા એથી પુરોચનની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં.

વિદુરની વાણીને યાદ કરીને યુધિષ્ઠિરે એ ગૃહની ભયંકરતાને સમજી લીધી. ભીમે યુધિષ્ઠિરને લાક્ષાગૃહ ત્યાગીને પહેલાંના મકાનમાં રહેવા જવાની સૂચના કરી પરંતુ યુધિષ્ઠિરે એ સૂચનાને ના સ્વીકારી. એમણે જણાવ્યું કે વધારે સારું તો એ છે કે આપણે મનોભાવોને ગુપ્ત રાખીને સાવધાનીપૂર્વક અહીં જ રહીએ અને અહીંથી બહાર નીકળવાનો રસ્તો શોધતા રહીએ. કારણ કે પુરોચનને આપણા મનોભાવોની માહિતી મળતાં જ એ આપણા જીવનને જોખમમાં મૂકશે કે આપણને બાળી નાખશે. પુરોચનને લોકોનો, રાજ્યનો કે ધર્મનો કશાનો ભય નથી. એ તો દુર્યોધનના આદેશનું જ અનુસરણ કરે છે. આપણે બળવાના ભયથી ભાગી જઇએ તોપણ દુર્યોધન આપણને એના ગુપ્તચરો દ્વારા મારી નંખાવશે. આપણે કોઇને ખબર પડે નહિ એવી રીતે જમીનમાં પહોળી સુરંગ કરીએ. એને લીધે આપણે લાક્ષાગૃહને આગ લગાડવામાં આવશે તોપણ બળી નહિ શકીએ.

એ વખતે વિદુરે મોકલેલો એક ખાણિયો આવ્યો. એણે એમની અનુમતિથી સુરંગ ખોદવાનું શરૂ કર્યું.

થોડા વખતમાં તો સુરંગ તૈયાર થઇ ગઇ.

પુરોચનના ભયથી ખાણિયા દ્વારા એના મુખને બંધ કરવામાં આવ્યું.

દુર્બુદ્ધિના પ્રતીક જેવો પુરોચન ભવનના દ્વાર પાસે જ રહેતો. પાંડવો દિવસે વનમાં મૃગયા માટે જતા અને રાતે શસ્ત્રાસ્ત્રો સાથે સૂઇ રહેતા.

એવી રીતે એક વરસ વીતી ગયું એટલે પુરોચનની પ્રસન્નતાનો પાર ના રહ્યો પરંતુ સમયને સાનુકૂળ સમજીને યુધિષ્ઠિરે પાંડવોને કહ્યું કે હવે આપણે શસ્ત્રગારને સળગાવીને પુરોચનને પોતાને બાળીને, તેમજ અહીં છ માણસોને રાખીને કોઇને ખબર ના પડે એવી રીતે નાસી છૂટીએ.

કુંતીએ એક રાતે દાનદૃષ્ટિથી અન્યને ભોજન કરાવેલું ત્યારે અન્નની આશાવાળી એક ભીલડી પોતાના પાંચ પુત્રો સાથે ત્યાં પહોંચી ગઇ. એ મદિરાપાનથી ઉન્મત્ત બનેલી ને ભાન ભૂલેલી. એ એના પુત્રો સાથે રાતે એ જ ભવનમાં સૂઇ રહી. રાતે ભયંકર પવન ફુંકાવા લાગ્યો ત્યારે ભીમે પુરોચનની પાસે આગ લગાડી, અને લાક્ષાગૃહના દ્વારને સળગાવ્યું. લાક્ષાગૃહની ચારે તરફ આગ સળગાવી. લાક્ષાગૃહને સળગતું જોઇને પાડવોએ માતા કુંતી સાથે સુરંગમાં પ્રવેશ કર્યો.

ભવનને ભયંકર આગ લાગેલી જોઇને વારણાવતના નગરજનોએ ત્યાં એકઠા થઇને ધૃતરાષ્ટ્રને, દુર્યોધનને ને પાપી પુરોચનને દોષ દેવા માંડયો. પુરોચને લાક્ષાગૃહને આગ લગાડી અને એના પરિણામે તે પોતે પણ નાશ પામ્યો એવું માનીને સૌ આનંદ પામ્યા.

પરંતુ પાંડવોના નાશની કલ્પનાથી સૌનાં કાળજાં કંપી ઉઠ્યાં. આક્રંદવા લાગ્યાં. એમને ખબર નહોતી કે પાંડવો બચી ગયા છે.

જે બીજાને મારવા માગે છે તે જ કેટલીક વાર મરે છે. કવિએ સરસ શબ્દચિત્રને દોરતાં લખ્યું છેઃ

બાણ તાણીને ઊભો પારધિ, સીંચાણો કરે તકાવ;
પારધિને પગે સર્પ ડસિયો, સીંચાણા શિરમહીં ઘાવ;
બાજ પડયો હેઠો રે, પંખી ઊડી ગયાં સુખે.

જેને રામ રાખે રે તેને કોણ મારી શકે,
અવર નહિ દેખું રે બીજો કોઇ પ્રભુપખે.

કુદરતનો ક્રમ અજબ હોય છે. તોપણ માનવ બીજાને મારવાના મનોરથ સેવે છે ને પ્રયત્નો કરે છે એ કેટલું બધું આશ્ચર્યકારક અને અનુચિત છે ?

લાક્ષાગૃહમાંથી ઊગરીને પાંડવો આગળ વધીને નદી પાસે પહોંચ્યા ત્યારે એમણે વિદુરે મદદ મોકલેલા કોઇક માનવને જોયો. એની પાસે નાવ હતી. તે નાવ વાયુ સામે ટક્કર ઝીલે તેવી અને વાયુવેગે ચાલનારી હતી.

એની મદદથી પાંડવો ગંગાના સામા કિનારે પહોંચી ગયા.

પાંડવો ગંગાના સામા કિનારે પહોંચી ગયા એટલે વિદુરે મોકલેલો તે માનવ એમને આશિષ આપીને ત્યાંથી હસ્તિનાપુર જવા માટે વિદાય થયો. પાંડવોને એવી રીતે ચમત્કારિક મહામૂલ્યવાન મદદ મળી.

સવાર પડતાં વારણાવત નગરના લોકોએ આગને ઓલવવા માંડી. એમણે લાક્ષાગૃહને અને પુરોચનને બળેલાં જોયાં. એમણે પાંચ પુત્રોવાળી ભીલડીને પણ બળેલી જોઇને કુંતી સાથે પાંડવો નાશ પામ્યા છે એવું અનુમાન કર્યું. એ સમાચાર ધૃતરાષ્ટ્રને પહોંચાડ્યા.

વારણાવતના વાસીઓ અતિશય દુઃખી થઇને કહેવા લાગ્યા કે દુષ્કર્મપરાયણ દુર્યોધને જ પાંડવોના વિનાશ માટે આવું ષડયંત્ર રચ્યું હશે. દુર્યોધને ધૃતરાષ્ટ્રના સમર્થનથી, ધૃતરાષ્ટ્રના જાણતાં જ પાંડુના વારસોને બાળી મૂક્યા છે. ધૃતરાષ્ટ્રે દુર્યોધનને રોક્યો નહીં. ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, વિદુર અને બીજા કૌરવો પણ ધર્મને નથી અનુસરતા.

ધૃતરાષ્ટ્રે પાંડવોના મરણનો શોક કર્યો. એમની ઉત્તરક્રિયા કરવાની આજ્ઞા કરી.

વિદુરે સત્ય વાતની માહિતી હોવાથી શોક ના કર્યો.

તે પાંડવો પ્રત્યેના પ્રેમભાવથી પ્રેરાઇને એમને મદદરૂપ બનવા ને રક્ષવા બનતું બધું જ કરી છૂટેલા. એમને એમના પ્રયત્નો સફળ થયા એનો સંતોષ હતો.

જેને રામ રાખે, રાખવા માગે, તેને કોણ મારી શકે ?

સાચી રક્ષા, સુરક્ષા, તેની જ છે - રામની. 

– © શ્રી યોગેશ્વરજી (મહાભારતના મોતી)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.