{slide=Arjuna win Druapadi in Swayamvar}
Pandavas reached the kingdom of Panchal and stayed in incognito. During those days, King Drupada arranged for Draupadi's swayamvar (groom choosing). He put a continuously moving target on top of a high pillar. The target was to be hit with an arrow but looking only at its image in the water at the bottom of the pillar. Drupada's purpose was very simple. He knew very well that only the best of the archer like Arjuna could hit it and thereby marry his inimitable daughter, Draupadi. Well, he was not wrong.
Kings from all over the place were invited for the swayamvar and those who were not, came just as they could not resist the temptation of Draupadi. Karna, and Duryodhana alongwith his brothers were also present. Pandavas sat in the guise of Brahmins. Lord Krishna was also present there. When Karna prepared for the aim, Draupadi opposed, saying that she won't marry to a sut-putra (belonging to a lower caste). Thereafter, many kings tried for the aim but in vain. When everybody failed and a wave of sadness spread among all participants, Arjuna rose from his place and hit the aim with the arrow. That was it. Druapadi officially became Arjuna's bride. However, the events thereafter proved rather strange and unusual.
{/slide}
પેલી પ્રખ્યાત કવિતાપંક્તિમાં કહ્યા પ્રમાણે, પ્રારબ્ધકર્મની લીલા અતિશય ગહન, અનિર્વચનીય અથવા અટપટી હોય છે.
માનવની મરજી મુજબનું, એના મનોરથ પ્રમાણેનું પ્રારબ્ધ કેટલીક વાર એનાથી દૂર રહે છે, તો કેટલીક વાર જેની કલ્પના ના કરી હોય, ઇચ્છા ના રાખી હોય, કે માગણી ના મૂકી હોય, એવું અનુકૂળ કે પ્રતિકૂળ પ્રારબ્ધ એની આગળ આવીને અનાયાસે ઊભું રહે છે. એવું પ્રારબ્ધના પરિપાકરૂપ સદભાગ્ય કે દુર્ભાગ્ય એના જીવનમાં આવી મળે છે. એના સંબંધમાં કોઇ ચોક્કસ નિયમ નથી બાંધી શકાતો. એટલે જ કવિએ એને ઘેલું કહીને એના ભરોસે ના રહેવાનું સૂચવ્યું છે. એ કયા સમયે, કેવી રીતે, શું કરે, તેના વિશે કશું જ ચોક્કસપણે કહી શકાય નહીં. એનું કોઇ સુનિશ્ચિત અનુમાન પણ ના કરી શકાય. કવિ બાલાશંકરે કહ્યું છેઃ
અરે પ્રારબ્ધ તો ઘેલું રહે તે દૂર માગે તો,
ન માગ્યે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.
પાંડુના મૃત્યુ પછી માતા કુંતી તથા પાંડવો પ્રારબ્ધની એવી અટપટી લીલાનો અનુભવ કરી રહેલાં. એને લીધે એમને સાંસારિક સુખદુઃખના, લાભહાનિના, માનાપમાનના મિશ્રિત અનુભવો થઇ રહેલા. એ પ્રારબ્ધના ગુપ્ત ભંડારમાં હજુ એમને સારુ અન્ય અસંખ્ય સારા-નરસા ઉત્તમ-અનુત્તમ સ્વાનુભવો શેષ હતાં. એમાંના કેટલાક સ્વાનુભવોના સ્વાદ માટે પ્રારબ્ધ એમને પાંચાલનગરની દિશામાં લઇ ગયું.
પાંચાલનગર જતાં એમને માર્ગમાં ફરી વાર મહર્ષિ વ્યાસના દર્શનનો લાભ થયો. મહર્ષિ વ્યાસે એમને આશીર્વાદ આપ્યા. સત્પુરુષના આશીર્વાદનું પરિણામ સદા શુભ જ આવે છે. પાંચાલનગરમાં પાંડવોને માટે સાનુકૂળ શુભ પ્રારબ્ધ જાણે કે પ્રતીક્ષા કરી રહેલું.
નગરમાં પ્રવેશીને પાંડવોએ પ્રજાપતિના ઘરમાં રહેવાનું રાખ્યું. ત્યાં પણ તે ભિક્ષાન્ન પર રહીને એમના જીવનનો નિર્વાહ કરવા લાગ્યા. નગરમાં એ એવી ગુપ્ત રીતે રહેતા કે એમને કોઇ ઓળખી શક્યું નહીં.
એ દિવસો દરમિયાન રાજા દ્રુપદે પોતાની પ્રિય પુત્રી દ્રૌપદીના સ્વયંવરનું આયોજન કરેલું. એના મનનો મનોરથ તો એવો હતો કે દ્રૌપદી અર્જુનને વરે, પરંતુ એ જમાનાની દેશપરંપરાને અનુલક્ષીને એણે સ્વયંવરની તૈયારી કરેલી. એણે એક સુંદર, સુદૃઢ, આકર્ષક, અણનમ ધનુષ કરાવેલું. એ પછી આકાશમાં ઊંચે એક કુત્રિમ યંત્ર કરાવીને તે ફરતા યંત્રના છિદ્રમાંથી જોઇ શકાય એવું એક નિશાન રાખેલું.
દ્રુપદે સ્વયંવરની સુયોગ્ય સમયે ઘોષણા કરીને સભામંડપમાં સંમિલિત રાજાઓ, રાજપુરુષો અને અન્ય અતિથિઓને સુસ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ ધનુષને ધારણ કરીને, આ તૈયાર કરવામાં આવેલાં બાણની મદદથી, જે આ યંત્રની અંદરના સતત રીતે ફરી રહેલા નિશાનને વીંધી શકશે તે પરમપ્રતાપી વીર પુરુષ મારી સુપુત્રી દ્રૌપદી સાથે લગ્ન કરી શકશે. દ્રૌપદી એને વરમાળા પહેરાવશે.
દ્રુપદની વાણીને સૌ મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યા. એ વાણી સૌની શૂરવીરતાને લલકારનારી થઇ પડી.
"નગરના ઇશાન ખૂણામાં સપાટ અને સુંદર ભૂમિ ઉપર ચારેકોર પથરાયેલાં ભવનો સાથે સ્વયંવરસભા શોભી રહી. તેને ફરતાં કોટ અને ખાઇઓ હતાં અને દરવાજા તથા તોરણોથી તે સુમંડિત હતી. વિવિધ ચંદરવાઓ તેને ચોમેરથી શોભા આપી રહેલા. તેમાં સેંકડો તૂરીઓના ઘોષ ગાજતા, મહામૂલા અગરુચંદનના ધૂપ મહેકતા, ચંદનજલના અભિષેક થતા, ફૂલમાળાઓની શોભા હતી. આકાશને અડનારા અતિ ઉચ્ચ ઉજ્જવળ પ્રાસાદો દેખાતા. તે ભવનોમાં સોનેરી જાળીઓનાં અવગુંઠનો હતાં, શોભામયી મણિભરી ભીંતો હતી, સુખપૂર્વક ચઢવાની સીડીઓ હતી, અને મોટાં આસનો તથા સારાં સાહિત્યો હતાં. તેમાં સુગંધ યોજન જેટલે દૂરથી આવતી. તેમને સો મોકળા દરવાજા હતા, અને શય્યા તથા આસનોથી તે શોભી રહેલા. હિમાલયનાં શિખરોની જેમ એ ભવનોનાં અંગો અનેક ધાતુઓથી રંગેલા."
"ત્યાં સુંદર અલંકારો ધારણ કરેલા, એકબીજાની સ્પર્ધા કરી રહેલા, રાજવીઓ વિવિધ પ્રકારનાં વિમાનાસનો ઉપર બેઠેલા. નગર અને જનપદના લોકો પણ કૃષ્ણનાં દર્શન માટે ચારે તરફથી આવીને મહામૂલ્યવાન મંચો ઉપર બેઠા હતાં."
"પાંડવો ત્યાં બ્રાહ્મણો સાથે બેઠા અને પાંચાલ રાજની અનુપમ સમૃદ્ધિને જોવા લાગ્યા. તે સંમેલનમાં રત્નોનાં અનેકાનેક દાન અપાયાં. તે સ્વયંવર દિવસો સુધી નટ તથા નર્તકોની શોભા સાથે વધતો રહ્યો. એનો સોળમો રમણીય દિવસ આવ્યો ત્યારે સર્વાંગે સ્નાનશુદ્ધ થયેલી, સુંદર વસ્ત્રો ધારણ કરેલી, સર્વ અલંકારોથી વિભૂષિત થયેલી દ્રૌપદી સુંદર સુવર્ણમાળાને લઇને રંગભૂમિ ઉપર આવી પહોંચી. સોમવંશના મંત્રજ્ઞ અને પવિત્ર બ્રાહ્મણ પુરોહિતે ફૂલદર્ભને પાથરીને વિધિપૂર્વક ઘીથી અગ્નિમાં હોમ કર્યો. અગ્નિને તૃપ્ત કર્યા પછી તેમણે બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવીને ચોતરફ વાગી રહેલાં વાજિંત્રોને બંધ કરાવી દીધાં."
"એવી રીતે એ સમસ્ત રંગમંડપ શબ્દશૂન્ય કે શાંત થયો ત્યારે ધૃષ્ટદ્યુમ્ન કૃષ્ણા અથવા દ્રૌપદીને લઇને તેમાં પ્રવેશ્યો."
"એણે ત્યાં એકત્ર થયેલા સૌને મેઘના જેવી ગંભીર વાણીમાં મોટેથી કોમળ, ઉત્તમ, અર્થભરેલાં વચનો કહ્યાં કે હે પૃથ્વીનાથો, આ ધનુષ છે, નિશાન છે, અને આ બાણો છે. આ ઉપર દેખાતા યંત્રના છિદ્રમાંથી પાંચ તીક્ષ્ણ આકાશચારી બાણોથી પેલા લક્ષ્યને વીંધવાનું છે. તમારામાંથી જે કોઇપણ વીર પુરુષ એ મહાન કાર્ય કરશે તેને મારી બેન કૃષ્ણા વરમાળા પહેરાવશે."
ધૃષ્ટદ્યુમ્ને દ્રૌપદીને દુર્યોધન, દુર્મુખ, દુઃશાસન, કર્ણ, વિકર્ણ તથા ત્યાં આવેલા અન્ય અનેક પરમપ્રતાપી પુરુષોનો પરિચય કરાવ્યો.
દ્રૌપદી એ સૌને માટે અસાધારણ આકર્ષણરૂપ બની રહી. સૌ એને મેળવવાના મનોરથ કરવા લાગ્યા.
પરંતુ એકલા મનોરથ કરવાથી શું વળે ? દ્રૌપદીને મેળવવા માટે લક્ષ્યને ભેદવાનું હતું, અને એ કાર્ય ધારવા જેટલું સરળ નહોતું.
"અલંકાર અને કુંડળને ધારણ કરેલા, પરસ્પર સ્પર્ધા કરતા, અને પોતાનું બાહુબળ તથા શસ્ત્રાસ્ત્રબળ સૌથી શ્રેષ્ઠ હોવાનું અભિમાન રાખતા સર્વ નવયુવાન નરેન્દ્રો આયુધોને ઉટાવીને ઊભા થયા."
"ત્યાં રંગમંડપમાં મત્ત ગજેન્દ્ર જેવા રૂપવાળા, પદ્મની પાછળ દોડનારા હસ્તિરાજ જેવા, ભસ્મથી ઢંકાયેલા અંગવાળા, અગ્નિ જેવા પાંચ પાંડવોને જોઇને યદુવીરોમાં મુખ્ય કૃષ્ણ વિચાર કરવા લાગ્યા."
"જુદા જુદા રાજાઓ, રાજપુત્રો તથા રાજપૌત્રો દ્રૌપદીને મેળવવાના મનોરથથી મંડિત બનીને પોતાના પરાક્રમને પ્રગટ કરવા લાગ્યા. એ બધા નિષ્ફળ ગયા ને દુઃખી બન્યા."
"એમને નિષ્ફળ અને દુઃખી બનેલા જોઇને ધનુર્ધરોમાં શ્રેષ્ઠ કર્ણે ત્યાં પહોંચીને તરત જ ધનુષને રમતમાત્રમાં ઉપાડીને એની ઉપર શરનું અનુસંધાન કર્યું. એ પરમપ્રતાપી કર્ણ લક્ષ્યભેદ કરીને નિશાનને પૃથ્વી પર પાડશે એ સંબંધી કોઇને શંકા ના રહીં. પરંતુ એના માર્ગમાં એક અગત્યનો અસાધારણ અંતરાય ઊભો થયો. દ્રૌપદીએ એને જોઇને ઊંચા સ્વરે જણાવ્યું કે, હું સૂતપુત્રને નહિ પરણું."
"એ સાંભળીને કુંતીપુત્ર કર્ણે હાસ્ય, વેદના અને રોષ સાથે સૂર્ય તરફ દૃષ્ટિપાત કરીને તે પ્રત્યંચા ખેંચેલા ધનુષને મૂકી દીધું."
એ ઘટના મહાભારતના સમયની સામાજિક પરિસ્થિતિ પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. એ વખતે સમાજમાં સૂતોને તથા સૂતપુત્રોને સંપૂર્ણપણે સુયોગ્ય હોવા છતાં પણ સમુચિત, સન્માનનીય સ્થાન પ્રદાન કરવામાં નહિ આવતું હોય એવું કર્ણના આ પરાક્રમપ્રસંગ પરથી પુરવાર થાય છે. કર્ણ સર્વ રીતે સુયોગ્ય હોવાં છતાં તેને સૂતપુત્ર છે માટે જ નહિ પરણવાની દ્રૌપદીએ જહેરાત કરી, અને એ જાહેરાતને કોઇ પણ પ્રકારના વિરોધ વિના સૌએ મૂંગે મોઢે સ્વીકારી લીધી, એના પરથી એની પ્રતીતિ થાય છે. દ્રૌપદીના સ્વયંવરમાં જાતિભેદને મહત્ત્વ મળ્યું.
ચેદિદેશના સ્વામી શિશુપાલને ધનુષ ઉપાડવામાં નિષ્ફળતા મળી. મહાબળવાન રાજા જરાસંઘ ધનુષ પાસે પહોંચીને અછળ પર્વતપેઠે ઊભો રહ્યો, પરંતુ ધનુષથી ભિડાઇ જતાં તે પણ શિશુપાલની જેમ જમીન પર ઘૂંટણભેર પડી ગયો. એથી હતોત્સાહ અને લજ્જિત થઇને પોતાના રાજ્ય તરફ વિદાય થયો.
મહાવીર્યવાન મદ્રરાજ શલ્યને પણ સફળતા ના મળી.
એવી રીતે સઘળા શૂરવીરો શરસંધાન કરીને નિર્ધારિત નિશાનને તાકવામાં નિષ્ફળ ગયા ત્યારે અર્જુન બ્રાહ્મણોની વચ્ચેથી ઊભો થયો. એણે ક્ષણવારમાં ધનુષને ધારણ કરીને એની ઉપર પાંચ બાણ ચઢાવ્યાં. પછીથી છિદ્ર વાટે નિશાનને વીંધ્યું એટલે એ વીંધાઇને તરત જ પૃથ્વી પર પડ્યું. એ વખતે અંતરીક્ષમાં નાદ ગાજી ઊઠયો. સમાજમાં શોર થયો. દેવોએ અર્જુન પર પુષ્પોની વૃષ્ટિ કરી. યુધિષ્ઠિર, સહદેવ અને નકુલ ઉતારા પર પહોંચી ગયા. રાજા દ્રુપદે સર્વ પ્રકારે પ્રસન્ન થઇને અર્જુનને આવશ્યકતાનુસાર સેના સાથે સહાયતા પહોંચાડવાનો સંકલ્પ કર્યો. દ્રૌપદી સુમનમાળાને લઇને સ્મિત સહિત અર્જુન પાસે પહોંચી. અર્જુન રંગભૂમિમાંથી બહાર નીકળ્યો ત્યારે પત્ની દ્રૌપદી પણ તેની પાછળ બહાર નીકળી.
– © શ્રી યોગેશ્વરજી (મહાભારતના મોતી)